આ વિષય સંવેદનશીલ છે. આ ઉંમરમાં જરૂરી છે કે સંતાનોને સૌથીપહેલાં સાચી માહિતી, સેલ્ફ-અવેરનેસ, ઇમોશનલ કન્ટ્રોલ અને જવાબદારી શીખવાડાય
પ્રતીકાત્મક તસવીર
અભિનેતા રામ કપૂરની પત્ની અને અભિનેત્રી ગૌતમી કપૂરે થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યુમાં એવું કહ્યું હતું કે તેની દીકરી ૧૬ વર્ષની થઈ ત્યારે તેને તે એક સેક્સ ટૉય અથવા વાઇબ્રેટર ગિફ્ટમાં આપવા ઇચ્છતી હતી. ગૌતમીના આ નિવેદન બાદ લોકોએ એને લઈને પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. કેટલાક લોકોએ તેના વિચારોને આધુનિક ગણાવીને પ્રશંસા કરી હતી તો કેટલાક લોકોએ ૧૬ વર્ષની ઉંમરમાં સેક્સ ટૉયની ઉપયુક્તતા પર સવાલ ઉઠાવ્યો હતો. આ વિવાદ વચ્ચે એક મહત્ત્વનો સવાલ સામે આવ્યો છે કે શું આજના મૉડર્ન જમાનામાં પણ ભારતીય પેરન્ટ્સ તેમનાં ટીનેજ સંતાનો સાથે સેક્સ વિશે કરતાં ખચકાય છે? આજે એક્સપર્ટ પાસેથી જાણીએ કે સંતાન કિશોરાવસ્થામાં હોય ત્યારે પેરન્ટ્સે કઈ રીતે તેમને સેક્સ્યુઅલ વેલનેસને લઈને માહિતગાર કરવાં જોઈએ.
ઉંમરના હિસાબે માહિતી આપવી
ADVERTISEMENT
માતા-પિતા એમ વિચારતાં હોય કે બાળકને સેક્સ અથવા શરીર સંબંધિત વાતો ક્યારે અને કેવી રીતે કરીએ, પણ વાસ્તવિકતામાં આ શિક્ષા મોડેથી નહીં પણ બાળક થોડું સમજણું થવા માંડે ત્યારથી શરૂ કરી દેવી જોઈએ એમ જણાવતાં સાઇકોલૉજિસ્ટ અમ્રિતા આચરેકર કહે છે, ‘બાળક અઢી-ત્રણ વર્ષનું થાય અને આસપાસની વાતો સમજવા લાગે એ જ સમયે તેને તેની સુરક્ષાને લઈને સરખી રીતે વાત કરવાની જરૂર છે. જ્યારે મા બાળકને નવડાવે, કપડાં પહેરાવે ત્યારે તે સહજ રીતે કહી શકે કે હું તને નવડાવી રહી છું; તને સ્પર્શ કરવાનો અધિકાર ફક્ત મમ્મી, પપ્પા, દાદા, દાદીનો જ છે; એ સિવાય કોઈ તને સ્પર્શ કરી શકે નહીં. આ રીતે બાળક શીખે છે કે તેના શરીરને કોણ સ્પર્શ કરી શકે અને કોણ નહીં. માતા-પિતાએ બાળકોને સ્પષ્ટ કરવું જોઈએ કે શરીરના કેટલાક હિસ્સા જેમ કે છાતી, પ્રાઇવેટ પાર્ટ્સ ઘણા પ્રાઇવેટ હોય છે, આ જગ્યા પર કોઈ સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે તો તરત ના કહેવાની અને મમ્મી-પપ્પાને આવીને કહેવાનું. બાળકોને ગુડ ટચ અને બૅડ ટચની ઓળખ કરાવવી એટલે જરૂરી છે જેથી તેઓ અજાણતાં શોષણ અને દુર્વ્યવહારનો શિકાર ન બને. બાળક સાથે કોઈ અયોગ્ય વ્યવહાર કરે તો તેઓ ડરવાની જગ્યાએ બોલવાની હિંમત કરી શકે.’
છોકરીઓમાં ૮-૧૩ વર્ષની ઉંમરે અને છોકરાઓમાં ૯-૧૪ વર્ષની ઉંમરે શરૂ થતી પ્યુબર્ટી વખતે સંતાનોને કેવા પ્રકારની માહિતીથી અવગત કરાવવાં જોઈએ એ વિશે વાત કરતાં પેરન્ટિંગ કોચ ધૃતિ જોશી કહે છે, ‘આ સમયગાળામાં છોકરીઓના પિરિયડ્સ શરૂ થાય, સ્તનો વધવાનું શરૂ થાય. એવી જ રીતે છોકરાઓનો અવાજ ઘેરો થાય, ચહેરા-શરીર પર વાળ ઊગવાનું શરૂ થાય. બન્નેનાં પ્રાઇવેટ પાર્ટ્સનો વિકાસ થાય. આ સમયગાળામાં છોકરાઓને છોકરી પ્રત્યે અને છોકરીને છોકરાઓ પ્રત્યે આકર્ષણ થાય. એ વખતે પેરન્ટ્સે તેમને સમજાવવું જોઈએ કે પ્યુબર્ટીમાં શારીરિક અને માનસિક બદલાવ આવતા હોય છે; એટલે તમને ઑપોઝિટ જેન્ડરની બૉડી વિશે જાણવાનું મન થાય, તેના પ્રત્યે આકર્ષણનો અનુભવ થાય. આ વસ્તુ એકદમ નૅચરલ અને નૉર્મલ છે. આ ઉંમરમાં પેરન્ટ્સે સંતાનોને રિસ્પેક્ટ અને બાઉન્ડરીઝની સમજ આપવાની ખૂબ જરૂર છે. માતા-પિતાએ સંતાનને શિખવાડવું જોઈએ કે ઍટ્રૅક્શનનો અર્થ એ નથી કે તેઓ કોઈને પરમિશન વગર ટચ કરી શકે છે. કોઈ દોસ્ત કે ક્રશ સાથે ઇન્ટરૅક્શન કરવાનું હોય તો હંમેશાં પોલાઇટ્લી અને રિસ્પેક્ટફુલ રીતે તેની સાથે વર્તવું જોઈએ. આ ઉંમરમાં તમારે તેમને પ્યુબર્ટીના સમયગાળામાં આવતા બદલાવો વિશે માહિતી આપવી જોઈએ જેથી તેમને ખબર પડશે કે ઍટ્રૅક્શન થવું નૉર્મલ છે, પણ મારે તેના પર ઇમ્પલ્સિવ થઈને ઍક્ટ નથી કરવાનું એટલે કે સમજ્યા-વિચાર્યા વગર કોઈ પગલું નથી ભરવાનું.’
એવી જ રીતે ૧૪-૧૬ વર્ષનાં સંતાનોને કેવા પ્રકારનું નૉલેજ આપવું જોઈએ એ જણાવતાં અમ્રિતા આચરેકર કહે છે, ‘તેમને સ્પર્મ-પ્રોડક્શન, પ્રેગ્નન્સીનું બેઝિક્સ વગેરે સમજાવવું જોઈએ. કૉન્ડોમ, પિલ્સ જેવા કૉન્ટ્રાસેપ્શન વિશે માહિતી આપવી જોઈએ. HIV જેવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ વિશે માહિતી આપવાનું શરૂ કરી દેવું જોઈએ. તેમને આ બધી વસ્તુનું જ્ઞાન હશે તો હાઇજીન મેઇન્ટેન કરવાની, ઇન્ફેક્શનથી બચવાની, અનિચ્છનીય પ્રેગ્નન્સીનું જોખમ ટાળવાની ખબર પડશે.’
કેટલું યોગ્ય?
ટીનેજમાં બાળકોને સેક્સ ટૉય્ઝ આપવા વિશે પોતાનો અભિપ્રાય આપતાં ધૃતિ જોશી કહે છે, ‘સેક્સ ટૉય આપવા માટે ૧૬ વર્ષની ઉંમર ઘણી નાની ગણાય. આ ઉંમરમાં હજી તેઓ પોતાનું શરીર, ભાવનાઓ અને સંબંધોને સમજવાની પ્રક્રિયામાં હોય છે. એના સમયે તેમને સેક્સ ટૉય્ઝ આપવામાં આવે તો એની તેમના માનસિક અને ભાવનાત્મક વિકાસ પર નકારાત્મક અસર પડી શકે છે. આ ઉંમરમાં સંતાનોના મનમાં અગાઉથી જ પ્યુબર્ટી અને ઍટ્રૅક્શનને લઈને જિજ્ઞાસા હોય છે. જ્યારે તેમને સેક્સ ટૉય્ઝ આપવામાં આવે તો તેમની જિજ્ઞાસા યોગ્ય જ્ઞાન તરફ વળવાને બદલે સેક્સ્યુઅલ ક્યુરિયોસિટી અને એક્સપરિમેન્ટેશન તરફ વળી જાય છે. ટૉય્ઝથી તેઓ પોતાની શારીરિક ઇચ્છાઓ તો પૂરી કરી શકે છે, પણ એમાં તેઓ એ નહીં શીખી શકે કે સંબંધોમાં એકબીજાની ભાવનાઓ અને જરૂરિયાતોનું સન્માન કઈ રીતે કરવું. કિશોરાવસ્થાનો સમય સેલ્ફ- અવેરનેસ, ઇમોશનલ કન્ટ્રોલ અને રિસ્પૉન્સિબિલિટી શીખવાનો હોય છે. આ ઉંમરમાં બાળકોનું દિમાગ ઇન્સ્ટન્ટ ગ્રૅટિફિકેશન એટલે કે તરત સુખ મેળવવા તરફ ડાઇવર્ટ થઈ જાય તો તેઓ લૉન્ગ ટર્મ મૅચ્યોરિટી અને માઇન્ડફુલ ગ્રોથની તરફ આગળ વધતાં અટકી જાય છે.’
જોકે આને લઈને સાઇકોલૉજિસ્ટ અમ્રિતા આચરેકર જુદો મત ધરાવે છે. તેઓ કહે છે, ‘દરેક વ્યક્તિની સેક્સ્યુઅલ ઍપેટાઇટ અલગ હોય છે. કેટલાક લોકોની ઓછી, કેટલાકની વધુ હોય છે. આ સેક્સ્યુઅલ એનર્જીને ક્યાંક ને ક્યાંક બહાર કાઢવાની જરૂર હોય છે. સેક્સ ટૉય્ઝ જેવાં સાધન એક સુરક્ષિત વિકલ્પ હોઈ શકે છે. એનો ઉપયોગ કરવાથી શારીરિક જરૂરિયાતો પૂરી કરવા માટે અન્ય વ્યક્તિ પર નિર્ભર રહેવું પડતું નથી. એનાથી ખોટી રિલેશનશિપમાં ફસાઈ જવું, અવાંછિત પ્રેગ્નન્સી, સેક્સ્યુઅલ ઇન્ફેક્શન જેવા જોખમથી બચી શકાય છે. જોકે સેક્સ ટૉય્ઝ કરતાં પણ મૅસ્ટરબેશન એક સારો વિકલ્પ છે. જોકે અહીં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે આમાંથી કોઈ પણ વસ્તુની અતિ ન થવી જોઈએ. અઠવાડિયામાં એકથી બે વાર ઠીક છે, પણ રોજેરોજની આદત ન બનવી જોઈએ. પેરન્ટ્સે બાળકને સેક્સ ટૉય્ઝ આપતી વખતે કે મૅસ્ટરબેશનની માહિતી આપતી વખતે એનાં સારા-ખરાબ પાસાંનું જ્ઞાન આપવું ખૂબ જરૂરી છે. એવી જ રીતે બન્ને નિષ્ણાતોનું માનવું છે કે કિશોરાવસ્થામાં પહોંચેલાં સંતાનોની એક્સ્ટ્રા સેક્સ્યુઅલ એનર્જીને ડાઇવર્ટ કરવા માટે તેમને ઍક્ટિવિટીઝ જેમ કે સ્પોર્ટ્સ, જિમ, ડાન્સ, સ્વિમિંગ, મ્યુઝિક, ડ્રૉઇંગ વગેરેમાં ઍક્ટિવ રાખવાં ખૂબ જરૂરી છે. એનાથી તેમની શારીરિક ઊર્જા બહાર નીકળશે, દિમાગ વ્યસ્ત અને કેન્દ્રિત રહેશે તેમ જ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે.’
પેરન્ટ્સે શરમ છોડવી પડશે
સંતાનને સેક્સ્યુઅલ વેલનેસનું નૉલેજ આપવા માટે સૌથી પહેલાં તો પેરન્ટ્સે શરમ છોડવી પડશે એમ જણાવતાં અમ્રિતા આચરેકર કહે છે, ‘માતા-પિતા તરીકે એ ખૂબ જરૂરી છે કે તમે શરીરથી જોડાયેલી વાતો સંતાનો સાથે ખૂલીને સહજતાથી કરો. અનેક ઘરોમાં એવું હોય છે કે ટીવીમાં કિસિંગ સીન કે કોઈ ઇન્ટિમેટ દૃશ્ય આવે, કૉન્ડોમની ઍડ આવે તો ચૅનલ બદલી દેવામાં આવે છે. પિરિયડ્સ દરમિયાન પણ સૅનિટરી નૅપ્કિન્સ ઘરના પુરુષોથી છુપાવીને રાખવાની સલાહ આપવામાં આવતી હોય છે. એને કારણે સંતાનના મનમાં અજાણતાં જ એવો જ સંદેશ પહોંચે છે કે આ બધી વાતો કરવી શરમજનક છે અને એના વિશે સાર્વજનિકરૂપે કોઈ સાથે વાત ન કરવી જોઈએ. જો આ બધી વસ્તુઓ ઘરમાં છુપાવવામાં આવે તો આગળ જતાં તમારા સંતાન સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કે બહાર કોઈ એવી જગ્યાએ છેડતી કે હૅરૅસમેન્ટ થાય ત્યારે ઘરમાં આવીને આ વાત તે તમારી સાથે પણ શૅર નહીં કરે. તેને શરમનો અનુભવ થશે. એવી જ રીતે માતા-પિતા તેમનાં સંતાનોને સેક્સ્યુઅલ વેલનેસની શિક્ષા નહીં આપે તો બાળકો સ્વાભાવિકરૂપે પોતાના મનમાં ઊઠતા સવાલોના જવાબ ક્યાંક બીજે શોધવાનો પ્રયત્ન કરશે. પોતાના દોસ્તો પાસેથી કે ઇન્ટરનેટમાંથી શોધશે. સમસ્યા એ છે કે આ જગ્યાઓથી મળનારી માહિતી હંમેશાં સાચી નથી હોતી. અનેક વાર તે અધૂરી અને ભ્રામક હોય છે. આવી ખોટી માહિતી સંતાનના મનમાં ભ્રમ, ડર અથવા ખોટી માન્યતા પેદા કરી શકે છે. આગળ જઈને એ તેમના વ્યવહાર, વિચાર અને સંબંધો પર નકારાત્મક અસર પાડી શકે છે.’
માતા-પિતાના સંબંધોની અસર સંતાનો પર પડતી હોય છે. એ સમજાવતાં ધૃતિ જોશી કહે છે, ‘પતિ-પત્ની બન્નેએ એકબીજાની શારીરિક અને માનસિક જરૂર સમજવી જોઈએ. સમજદારી અને ખૂલીને ચર્ચા કરવાથી જ સંબંધ મજબૂત બને છે. બન્ને એકબીજાની ઇચ્છાઓને સમજે ત્યારે જ એકબીજાને સંતોષ આપી શકે છે. આપસી સંતોષ અને ખુશીથી સંબંધો મજબૂત બને છે. માતા-પિતાનો સ્વસ્થ સંબંધ બાળકો માટે આદર્શ બનતો હોય છે. પેરન્ટ્સ જ્યારે પોતાની લાગણીઓને સમજશે અને સ્વીકારશે ત્યારે જ પોતાના સંતાન સાથે ખુલ્લા દિલથી વાત કરી શકશે.’


