Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > શું તમારી પત્ની પણ દર થોડા દિવસે કહે છે કે ચાલ ક્યાંક જઈ આવીએ?

શું તમારી પત્ની પણ દર થોડા દિવસે કહે છે કે ચાલ ક્યાંક જઈ આવીએ?

Published : 31 August, 2026 03:00 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

ફરવું આમ તો લગભગ બધાને જ ગમતું હોય છે અને ફરવાની મજા બધાને આવે છે; પણ સ્ત્રીઓ માટે એ ફક્ત મજા નથી, તેમની જરૂર બની જતી હોય છે. સ્ત્રીઓની આ જરૂરિયાત શું છે અને કેમ છે એ સમજવાની કોશિશ કરીએ

શું તમારી પત્ની પણ દર થોડા દિવસે કહે છે કે ચાલ ક્યાંક જઈ આવીએ?

શું તમારી પત્ની પણ દર થોડા દિવસે કહે છે કે ચાલ ક્યાંક જઈ આવીએ?


હાલમાં નૅશનલ અવૉર્ડ જીતનાર ફિલ્મ ‘મારણ’ આવી હતી, જેમાં બિરવા નામની છોકરીનું અપહરણ થાય છે અને અઢળક પ્રયાસો પછી પણ તે એમાંથી બહાર આવી શકતી નથી. આગળ જતાં તેનું અપહરણ જેણે કર્યું છે તે વ્યક્તિ રતન સાથે જ તે લગ્નસંબંધથી જોડાઈ જાય છે અને યોગ્ય જીવન જીવવાનાં સપનાં જોતી હોય છે. તે સતત રતનને કહેતી હોય છે કે આપણે ક્યાંક જઈએ? તેને સુખની શોધ હોય છે અને બિરવાને વિશ્વાસ છે કે એ જગ્યાએ જઈને તેને સુખ મળશે. એટલે સતત તે રતન સામે મને લઈ જાને એવી ડિમાન્ડ મૂક્યા કરે છે. એક ઇન્ટરવ્યુમાં આ વિશે વાત કરતાં આ ફિલ્મના ડિરેક્ટર અભિષેક જૈને કહ્યું હતું કે ‘આ ફિલ્મ દ્વારા હું સ્ત્રીઓને વધુ સારી રીતે સમજી શક્યો છું. મારી પત્ની દર ૧૫-૨૦ દિવસે મને કહેતી હોય છે કે ક્યાંક જઈએ. પહેલાં મને એ સમજાતું નહોતું પણ હવે સમજાય છે કે કેમ સ્ત્રીને ક્યાંક જવું હોય છે. તે ફક્ત શારીરિક રીતે જવાની વાત નથી, તે કશે ભાગતી નથી; પણ તેને કંઈક છે જેનાથી મુક્ત થવું છે.’ 
લગભગ દરેક ઘરમાં આ સીન ભજવાતો હોય છે. થોડા દિવસ થાય પછી ચાલો, બહાર જતા આવીએ, ફરતા આવીએ, છેલ્લે કશે નહીં તો મૉલનો એક આંટો મારતા આવીએ કે ચોપાટી પર ભેળ ખાતા આવીએ એવી ડિમાન્ડ પત્ની કરતી હોય છે. લગ્ન પછી પણ એ પુરુષની જવાબદારી સમાન હોય છે કે થોડા-થોડા સમયે તે પત્નીને કશે લઈ જાય. આ કશે લઈ જવાનો કે ફરવાનો સમય તે બન્ને વચ્ચેના બૉન્ડને મજબૂત બનાવે છે એટલે ઘરના વડીલો પણ હોંશે-હોંશે દીકરાને કહેતા હોય છે કે વહુને કશે લઈ જા. એક સમયે જ્યારે પતિ અતિ વ્યસ્ત થઈ જાય છે અને પત્નીને કશે બહાર લઈ નથી જતો ત્યારે તે તેની માફી માગતો પણ જોવા મળે છે. જોકે આજની નારીઓ ઘણી સક્ષમ છે. બાળકોની સાથે કે મિત્રોની સાથે તેના પોતાના પ્લાન્સ હોય છે બહાર જવાના. છેવટે કોઈ ન મળે તો તે પોતે સોલો ટ્રાવેલ કરતી પણ થઈ ગઈ છે. પુરુષોને પણ બહાર જવામાં મજા તો આવે જ છે. ઘણાને તો શોખ પણ હોય, પરંતુ સ્ત્રીઓ જેવી જરૂર તેમની હોતી નથી. આ થોડા-થોડા સમયે બહાર જવું એ પુરુષો માટે મજા અને સ્ત્રી માટે જરૂર બની જતી હોય છે. ઘણી વાર કેટલાક કેસમાં ઊંધું પણ હોઈ શકે, પરંતુ આપણે સામાન્ય રીતે વધુ પ્રમાણમાં જોવા મળતા લોકો વિશે વાત કરી રહ્યા છીએ જેમના પર આ વાત બંધ બેસે છે.

ઇચ્છાનું કારણ શું?



સ્ત્રીઓમાં દર ૧૫-૨૦ દિવસે કે અમુક સમયાંતરે ‘ચાલ, ક્યાંક બહાર જઈએ’ અથવા ‘ઘરથી દૂર ક્યાંક ફરી આવીએ’ એવી સહજ અને તીવ્ર ઇચ્છા જાગવા પાછળ ઊંડાં મનોવૈજ્ઞાનિક અને સામાજિક કારણો રહેલાં છે. આ કોઈ માત્ર શોખ કે ભૌતિક રીતે ‘ભાગી જવાની’ વાત નથી, એ માનસિક સ્તરે મુક્ત થવાની અને પોતાની જાત સાથે ફરી જોડાવાની એક પ્રક્રિયા છે એમ સમજાવતાં સાઇકોલૉજિસ્ટ સોની શાહ કહે છે, ‘સ્ત્રીનો માનસિક થાક ઘણો વધુ હોય છે અને એને મનોવૈજ્ઞાનિક રીસેટની જરૂર પડતી હોય છે. રોજિંદી એકસરખી લાઇફસ્ટાઇલ અને ઘરેલુ જવાબદારીઓ માનસિક રીતે તેને થકવી નાખે છે. બહાર જવું એ મગજ માટે એક પૉઝ બટન અથવા રીસેટ સ્વિચ જેવું કામ કરે છે જેનાથી તનાવમુક્ત થવામાં મદદ મળે છે. દરેક વ્યક્તિને આમ તો પોતાના મનની મરજી મુજબ વર્તવું ગમે. ઘરમાં કે પરિવારમાં સ્ત્રી મોટા ભાગે અન્ય સભ્યોની જરૂરિયાતો, ઇચ્છાઓ અને ટાઇમટેબલ મુજબ પોતાનો સમય ગોઠવતી હોય છે. બહાર નીકળવાથી તેને પોતાની મરજી મુજબ ચાલવાની, ખાવા-પીવાની કે ખાલી બેસી રહેવાની સ્વતંત્રતાનો અનુભવ થાય છે જે તેના માટે મહામૂલો સાબિત થાય છે. ઘણા પરિવારોમાં તમે જોયું હશે કે સ્ત્રી ઘરે બધાને પૂછતી હોય છે કે તમને શું ખાવું છે, પણ જેવા બહાર જઈએ એટલે પરિવારના પુરુષો સ્ત્રીને પૂછે છે કે તારે શું ખાવું છે? ઘરે તે પીરસતી હોય, પણ બહાર કોઈ તેને પીરસે છે. આટલું પણ તેના મનને સારું લગાડવા માટે મહત્ત્વનું થઈ પડે છે.’


માનસિકતા

સ્ત્રીઓ આમ તો મળતા મલ્ટિ-ટાસ્કિંગ કરીને ઘણું પોતાના માથે લઈ લેતી હોય છે જેને કારણે કામ અને જવાબદારીનો જ નહીં, ભાવનાત્મક બોજ પણ તેના પર ઘણો વધુ હોય છે એનાથી મુક્તિ જરૂરી બને છે એમ સમજાવતાં સોની શાહ કહે છે, ‘સ્ત્રીઓ સહજ રીતે પરિવારમાં બધાના મૂડ, તનાવ અને લાગણીઓને સંભાળતી હોય છે. બહાર જવાથી તે આ ‘ઇમોશનલ કૅરટેકિંગ’ના રોલમાંથી થોડો સમય મુક્ત થઈને પોતાની જાત પર ધ્યાન આપી શકે છે. સેલ્ફ-કૅર ઘણી હીલિંગ સાબિત થાય છે એટલે તેને બહાર જઈને ખૂબ સારું લાગે છે. આ ઉપરાંત તેની હૉર્મોનલ સાઇકલ અને મૂડ-સ્વિંગ પણ એનાથી ઠીક રહે છે. સ્ત્રીઓમાં દર મહિને થતા હૉર્મોનલ બદલાવોને કારણે પણ મૂડ, ઊર્જા અને સમાન પરિવેશ પ્રત્યેનો ઉત્સાહ બદલાતાં રહે છે. દર બે-ત્રણ અઠવાડિયે વાતાવરણ બદલવાથી મૂડ બૂસ્ટ થાય છે.’


મગજમાં સતત ભમતું કામ

કેટલાંક સામાજિક કારણો પણ અહીં સમજવાં જરૂરી છે. સ્ત્રીઓના પક્ષે આપણે જે કામ આપ્યું છે એમાં મોટો થાક સ્ત્રી માટે અદૃશ્ય શ્રમ લઈ લે છે. જો ગૃહિણીઓની વાત કરીએ તો સામાજિક રીતે ઘર ચલાવવાનું મોટા ભાગનું અદૃશ્ય આયોજન જેમાં શું રાંધવું, સામાન શું લાવવો, કોની શું જરૂરિયાત છે, બજેટમાં ઘર કઈ રીતે ચલાવવું વગેરે બાબતો સ્ત્રીના મગજમાં સતત ચાલતી જ રહે છે. ઘરમાં રહેવાથી તે આ કામથી ક્યારેય ઑફ-ડ્યુટી થઈ શકતી નથી. બહાર જવાથી જ તે ખરેખર આ માનસિક કામમાંથી મુક્ત થાય છે. જે સ્ત્રીઓ કામ કરે છે તેમના પર આ લોડ ડબલ હોય છે. કાલે ઑફિસમાં શું કામ પૂરું કરવાનું છે, ડેડલાઇન માથે છે, ક્લાયન્ટને કઈ રીતે મનાવવો એની સાથે-સાથે બાળકોની જવાબદારી, ઘરના વડીલોની જવાબદારી અને ઘરનાં નાનાં-મોટાં અસંખ્ય કામોની જવાબદારીથી તેનું મગજ સતત કામના લિસ્ટથી ભરાયેલું રહે છે. પરંપરાગત રીતે પુરુષો માટે કામકાજ, વ્યવસાય કે મિત્રો સાથે બેસવાને કારણે સહજ રીતે બહારનું વાતાવરણ ઉપલબ્ધ હોય છે; જ્યારે સ્ત્રી માટે ઘર જ તેનું કાર્યક્ષેત્ર પણ બની રહે છે. તેથી તેને પોતાના માટે સમય ફાળવવા માટે ભૌતિક રીતે ઘરની બહાર નીકળવું જરૂરી લાગે છે.

જો બહાર જવાનું શક્ય ન હોય તો?

સ્ત્રીનું બહાર જવું એ કોઈ જગ્યા કે ભૌતિક સ્થળ શોધવા પૂરતું સીમિત નથી. એ તેના માનસિક સ્વાસ્થ્ય, ભાવનાત્મક સંતુલન અને પોતાની જાતને પાછી મેળવવાની એક ખૂબ જ સહજ અને જરૂરી પ્રક્રિયા છે. ઘરમાં સ્ત્રી માત્ર મમ્મી, પત્ની કે વહુની ભૂમિકામાં સીમિત થઈ જાય છે. બહાર જવાથી તે એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે પોતાની ઓળખ સાથે અને દુનિયા સાથે ફરીથી જોડાઈ શકે છે. ઘણા લોકો આ વાતને નકારાત્મક રીતે જુએ છે. ઘણાં ઘરોમાં વડીલો સ્ત્રીને મહેણાં-ટોણાં મારતા જ રહે છે કે ‘આને રાંધવું નથી એટલે બહાર જવું છે. રવિવાર આવ્યો નથી કે બસ, અહીં લઈ જાઓ કે ત્યાં લઈ જાઓ. ખર્ચા વધારે છે. મુંબઈ જેવા મોંઘા શહેરમાં એક આઉટિંગ ઓછામાં ઓછા બે-પાંચ હજારમાં પડે છે. આટલો ખર્ચો શું કામ કરવાનો?’ 
એનો જવાબ આપતાં સોની શાહ કહે છે, ‘જે પરિવારમાં બહાર જવામાં તકલીફ હોય તે પરિવારની સ્ત્રીને ઘરમાં જ બહાર જેવો આરામ આપી શકાય. રવિવારે બહાર ન લઈ જાઓ, પણ તેને રસોડામાંથી મુક્તિ આપો. તમે જમવાનું બનાવી લો. સ્ત્રીને મોકળાશ આપો. સવારે દાદા-દાદી મંદિરે જાય, બાળકો સ્કૂલમાં જાય અને પતિ જિમમાં હોય ત્યારે સ્ત્રી ઘરનાં કામોમાં વ્યસ્ત રહે એના કરતાં તેને પણ પોતાના સ્વાસ્થ્ય માટે જિમમાં સાથે લઈ જઈ શકાય અને ઘરે આવીને બધા ભેગા મળીને કામ પૂરાં કરી શકે. બાળકોની જવાબદારી ફક્ત સ્ત્રીના માથે નાખ્યા કરતાં ઘરના બધાએ વહેંચી લેવી. ઘરના વડીલો માંદા હોય તો તેમની સેવામાં પુરુષોએ પણ ભાગીદારી નોંધાવવી. જો આવું થાય તો સ્ત્રીને બધાની જેમ જ ફરવામાં મજા આવશે, પણ એ તેની મૂળભૂત જરૂરિયાત નહીં બને.’ 

Whatsapp-channel Whatsapp-channel

31 August, 2026 03:00 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK