Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > અમરનાથ યાત્રા બનશે ભારતની પહેલવહેલી ઝીરો ગાર્બેજ યાત્રા

અમરનાથ યાત્રા બનશે ભારતની પહેલવહેલી ઝીરો ગાર્બેજ યાત્રા

Published : 02 August, 2026 06:52 PM | IST | Amarnath
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

યાત્રાના માર્ગ પર ઠેર-ઠેર એકત્રિત થતા લગભગ ૪૦૦ ટન કચરાનું રીસાઇક્લિંગ કરીને અને ખચ્ચરોના ગોબરમાંથી ઊર્જા પેદા કરીને સ્વચ્છ અને હરિતયાત્રાનું અનોખું મૉડલ તૈયાર થઈ રહ્યું છે

અમરનાથ યાત્રા બનશે ભારતની પહેલવહેલી ઝીરો ગાર્બેજ યાત્રા

અમરનાથ યાત્રા બનશે ભારતની પહેલવહેલી ઝીરો ગાર્બેજ યાત્રા


હિમાલય શિવજીનું નિવાસસ્થાન છે, ગંગા તેમની જટામાંથી વહે છે, નંદી તેમનું વાહન છે અને પ્રકૃતિ પાર્વતીનું સ્વરૂપ છે. જો ભગવાન શિવની યાત્રા પછી હિમાલય જ કચરાથી ઢંકાઈ જાય તો શું એને સાચી ભક્તિ કહી શકાય?
જમ્મુ-કાશ્મીર માત્ર દલ લેક, ગુલમર્ગ અને સોનમર્ગ માટે જ જાણીતું નથી. હિન્દુઓની પવિત્ર યાત્રા વૈષ્ણોદેવી અને અમરનાથ માટે પણ એ પ્રખ્યાત છે. હિમાલયની ગોદમાં સમુદ્રની સપાટીથી લગભગ ૩૮૮૮ મીટરની ઊંચાઈએ આવેલી અમરનાથ ગુફા કરોડો હિન્દુઓ માટે અખૂટ આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે યોજાતી અમરનાથ યાત્રા કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક છે. બરફથી બનેલા સ્વયંભૂ શિવલિંગનાં દર્શન કરવા માટે હજારો ફુટની ઊંચાઈએ પહોંચતા લાખો ભક્તો માટે આ યાત્રા માત્ર ધાર્મિક પ્રવાસ નથી પરંતુ શ્રદ્ધા, સહનશક્તિ અને સમર્પણનો અનોખો અનુભવ છે. જોકે આટલી મોટી યાત્રા એની સાથે એક મોટો પડકાર પણ લઈને આવે છે - કચરો અને પર્યાવરણનું સંરક્ષણ. લાખો યાત્રીઓ દ્વારા ફેલાવાતો અને બેજવાબદારીપૂર્વક ફેંકવામાં આવતો કચરો, પ્લાસ્ટિક, ખાદ્ય અવશેષો અને હજારો ખચ્ચરોના ગોબરનું સંચાલન પ્રશાસન માટે ખરેખર જ એક મોટો પડકાર છે. એક તો પર્વતીય વિસ્તાર, કઠિન હવામાન અને એમાં મર્યાદિત સુવિધાઓ. આ બધા સાથે હજારો ટન કચરાનો અને ગોબરનો નિકાલ કરવો અત્યંત મુશ્કેલ કામ છે.
જમ્મુ-કાશ્મીર પ્રશાસને અમરનાથ યાત્રા દરમ્યાન સ્વચ્છતાના પડકારને એક નવી ઐતિહાસિક તકમાં ફેરવવા માટે કમર કસી છે અને યાત્રાને ભારતની પ્રથમ ‘ઝીરો લૅન્ડફિલ યાત્રા’ બનાવવાનો મહત્ત્વાકાંક્ષી સંકલ્પ લેવામાં આવ્યો જેમાં લગભગ ૪૦૦ ટન કચરાને અને ખચ્ચરોના ગોબરને વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા બાયોગૅસ, વીજળી અને જૈવિક ખાતરમાં પરિવર્તિત કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી. રાજ્ય સરકારનું માનવું છે કે અંદાજે ચારથી પાંચ લાખ યાત્રાળુઓ આ વર્ષે અમરનાથદાદાનાં દર્શન માટે આવશે. હવે તેમના દ્વારા ઉત્પન્ન થનારા સેંકડો ટન કચરાને અને હજારો ખચ્ચરોના ગોબરને કચરો નહીં પરંતુ ઊર્જા અને સંસાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવશે.

કચરો નહીં, સંસાધન



સામાન્ય રીતે આપણે કચરાને નકામી વસ્તુ ગણીએ છીએ પરંતુ આધુનિક ‘વેસ્ટ ટુ વેલ્થ’ની વિચારધારા કહે છે કે યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે તો કચરો પણ મૂલ્યવાન સંસાધન બની શકે છે. અમરનાથ યાત્રા દરમ્યાન લાખો શ્રદ્ધાળુઓને અને તેમના માટે જરૂરી એવા સામાનને ઉપર સુધી લઈ જવામાં હજારો ખચ્ચરો-ઘોડાઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ એ જ હજારો ખચ્ચર અને ઘોડાઓને કારણે દરરોજ મોટા પ્રમાણમાં ગોબર પણ ઉત્પન્ન થાય છે. હજી ગયા વર્ષ સુધીની જ વાત કરીએ તો પર્યાવરણ માટે આ એક ગંભીર સમસ્યા માનવામાં આવતી હતી. 
જોકે હવે એ જ ગોબરના સકારાત્મક નિકાલ તરીકે પ્રશાસને એક ઉત્તમ વ્યવસ્થા ગોઠવી છે. દરરોજ જમા થતા ગોબરને આધુનિક બાયોગૅસ પ્લાન્ટમાં મોકલીને મિથેન ગૅસ તૈયાર કરવામાં આવશે. બાયોગૅસ પ્લાન્ટમાં ઑક્સિજન વિનાની (એનેરોબિક) પ્રક્રિયા દ્વારા ગોબરમાંથી મિથેન ગૅસ ઉત્પન્ન થાય છે. એ ગૅસનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા, રસોઈ માટે બળતણ તરીકે તથા અન્ય ઊર્જા-જરૂરિયાતો માટે કરવામાં આવશે. એટલું જ નહીં, આ ગૅસના ઉત્પાદન પછી પણ જે-જે અવશેષો બાકી બચે છે એમાંથી ઉત્તમ ગુણવત્તાનું જૈવિક ખાતર બની શકે છે જે કૃષિ માટે પણ ઉપયોગી સાબિત થાય છે. અર્થાત્, જે ગોબર પહેલાં ગંદકીનું કારણ હતું એ હવે સ્વચ્છ ઊર્જા અને કૃષિ માટે ઉપયોગી સંસાધનમાં પરિવર્તિત થઈ રહ્યું છે. આટલું જાણ્યા પછી જો એ વિશે ઉત્સુકતા વધી હોય કે હજી બીજી કઈ નવી વ્યવસ્થા અમરનાથ યાત્રાને એક મૉડલ યાત્રા બનાવશે તો થોડી વિગતે વાત કરીએ. આખી યાત્રા દરમ્યાન કચરારૂપે જે કંઈ જનરેટ થશે એને મુખ્યત્વે ૪ અલગ-અલગ પ્રકારે વિભાજિત કરવામાં આવશેઃ  ૧. ભીનો (જૈવિક) કચરો, ૨. સૂકો કચરો, ૩. પ્લાસ્ટિક કચરો અને ૪. નિષ્ક્રિય (Inert) કચરો. વિભાજન તો થયું, પરંતુ હવે એનો સકારાત્મક નિકાલ કઈ રીતે થશે? તો ભીના કચરામાંથી ઉચ્ચ ગુણવત્તાનું જૈવિક ખાતર તૈયાર કરવામાં આવશે, જ્યારે પ્લાસ્ટિકને રીસાઇક્લિંગ માટે મોકલવામાં આવશે. માત્ર ઉપયોગમાં ન લઈ શકાય એવા કચરાનો જ વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય હેતુ એ છે કે શક્ય એટલો ઓછો કચરો લૅન્ડફિલ સુધી પહોંચે.


ઝીરો લૅન્ડફિલ એટલે શું?

વિશ્વભરમાં દર વર્ષે લાખો ટન કચરો જમીનમાં દાટી દેવામાં આવે છે. આવા લૅન્ડફિલમાંથી મિથેન ગૅસનું ઉત્સર્જન થાય છે જે ગ્રીનહાઉસ અસર વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. લૅન્ડફિલમાં સડતો જૈવિક કચરો મોટી માત્રામાં મિથેન ઉત્પન્ન કરે છે જે કાર્બન ડાયૉક્સાઇડ કરતાં અનેકગણો વધુ અસરકારક ગ્રીનહાઉસ વાયુ છે. આ ઉપરાંત ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાનો પણ ખતરો રહે છે. 
સામાન્ય રીતે મોટા મેળા કે ધાર્મિક યાત્રાઓ પછી હજારો ટન કચરો સીધો લૅન્ડફિલમાં ફેંકી દેવામાં આવે છે. આ હજારો ટન કચરો આખરે જમીન, પાણી અને હવા ત્રણેને પ્રદૂષિત કરે છે, પરંતુ ‘ઝીરો લૅન્ડફિલ’ મૉડલમાં લગભગ સમગ્ર કચરાને રીસાઇક્લિંગ કરીને ખાતર અથવા ઊર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. આ રીતે જમીનમાં દાટવામાં આવતો કચરો લગભગ શૂન્ય સુધી લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે કે કચરો જમીનમાં દટાયેલો રહીને પ્રદૂષણનું કારણ બનવાની જગ્યાએ ફરીથી ઉપયોગી સંસાધન બની જાય છે. અમરનાથ યાત્રામાં આ જ સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને સમગ્ર કચરા-વ્યવસ્થાપનની યોજના તૈયાર કરવામાં આવી છે. આ એકમાત્ર વિચાર કે યોજના નથી, ખરેખર તો સકારાત્મક બદલાવ છે.  


સ્વચ્છ યાત્રા - નવી પહેલ

જમ્મુ-કાશ્મીર રાજ્ય સરકારના ગ્રામ્ય સ્વચ્છતા વિભાગે યાત્રાને વધુ પર્યાવરણમિત્ર બનાવવા આ વર્ષે અનેક નવી પહેલ કરી છે. જેમ કે યાત્રાના આખા માર્ગ પર મોટી સંખ્યામાં ડસ્ટબિન્સ મૂકવામાં આવ્યાં છે. સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. પ્લાસ્ટિક વેસ્ટ ઓછું કરવાની આ જ પહેલમાં બીજું એક મોટું ડેવલપમેન્ટ એટલે ‘વૉટર ATM’. યાત્રાળુઓને સમયે-સમયે પાણીની નવી બૉટલ ખરીદવી નહીં પડે. તેઓ પોતાની પાણીની બૉટલ ફરી ભરી શકે એ માટે રાજ્ય સરકાર અનેક જગ્યાએ ‘વૉટર ATM’ મૂક્યાં છે જેથી પ્લાસ્ટિક બૉટલ્સનો ઉપયોગ ઘટે.
પ્લાસ્ટિકનો બીજો સૌથી મોટો ઉપયોગ ક્યાં અને કઈ રીતે થાય છે? જમવાની પ્લેટ્સ અને ગ્લાસ. તો એનો સકારાત્મક ઇલાજ એટલે ‘સ્વાહા Utensil Bank’. આ એક નૉન-પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશન તરીકે અને સરકાર-પ્રેરિત સંસ્થા તરીકે કામ કરે છે. અહીં સ્ટીલની થાળી, વાટકી, કપ અને ગ્લાસિસ જેવાં વાસણો યાત્રાળુએ જમા કરાવેલી રકમના આધારે આપવામાં આવશે, જેથી ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક અને કાગળનાં વાસણોનો ઉપયોગ ટાળી શકાય.
વાત હજી અહીં જ પૂરી નથી થઈ જતી. આ નવા ભાથામાં હજી એક નવું તીર છે ‘અમરનાથ સેવા કૅફે’. કચરો કરનારને જો આપણે યાત્રાળુઓ ગણાતા હોઈએ તો પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરનારા તો સવાયા યાત્રાળુઓ કહેવાય, ખરુંને? તો આવા સફાઈ-કર્મચારીઓ માટે ચા અને નાસ્તા જેવી પ્રોત્સાહક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. એની સાથે જ ડિજિટલ બેનિફિટ્સ તરીકે એક નવો જ વિચાર અમલમાં મુકાયો છે. એ છે ‘ત્ર્યંબકમ’ મોબાઇલ ઍપ. આ ઍપ્લિકેશન દ્વારા કોઈ પણ યાત્રાળુ માર્ગમાં ક્યાંક કચરો જમા થયેલો દેખાય તો કચરાનો ફોટો અપલોડ કરીને સફાઈ માટે તાત્કાલિક પ્રશાસનને જાણ કરી શકે છે. ઊભા રહો, ઊભા રહો, ડિજિટાઇઝેશન હજી અહીં જ પૂરું નથી થયું. આખી યાત્રાનાં અનેક સ્થળોએ કચરાના સંગ્રહ પર નજર રાખવા ડિજિટલ મૉનિટરિંગ અને GPS આધારિત વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે જેથી સફાઈકાર્ય વધુ ઝડપી અને અસરકારક બની શકે. અર્થાત્, ગંદકીમાંથી હરિયાળી જન્મે છે. વિજ્ઞાન અને પર્યાવરણ વચ્ચેનું સુંદર મિલન એટલે ઈશ્વરની સાચી ભક્તિ.

સફાઈ-કર્મચારીઓની નિઃસ્વાર્થ સેવા

આ સમગ્ર અભિયાન પાછળ હજારો સફાઈ-કર્મચારીઓ, સ્વયંસેવકો અને અધિકારીઓ હાલ દિવસ-રાત કાર્યરત છે. અગાઉની યાત્રાઓમાં ૭૦૦૦થી વધુ સફાઈ-કર્મચારીઓએ ૧૦૦ ટનથી પણ વધુ કચરાનું વૈજ્ઞાનિક સંચાલન કરીને સમગ્ર દેશમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું જ હતું. હવે એ જ અનુભવને આધારે વધુ વ્યાપક, વધુ આધુનિક અને વધુ ડિજિટાઇઝ વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

દેશ માટે પ્રેરણારૂપ મૉડલ

એટલું તો નક્કી છે કે અમરનાથ યાત્રાનું આ મૉડલ માત્ર એક ધાર્મિક યાત્રા પૂરતું મર્યાદિત નહીં જ રહે. જો આ યોજના સફળ થાય તો કુંભમેળા, ચારધામ યાત્રા, વૈષ્ણોદેવી, સોમનાથ, દ્વારકા જેવા દેશના અન્ય મોટા ધાર્મિક મેળાઓમાં પણ આ મૉડલ અપનાવી જ શકાય. આ પહેલ જ દર્શાવે છે કે આધ્યાત્મિકતા અને પર્યાવરણ સંરક્ષણ એકબીજાનાં વિરોધી નથી, એકબીજાનાં પૂરક છે કારણ કે સનાતન હિન્દુ ધર્મમાં આપણે પ્રકૃતિ અને પર્યાવરણને પણ ઈશ્વરનો દરજ્જો આપ્યો છે અને પૂજનીય ગણ્યાં છે. આથી જો તાર્કિક દૃષ્ટિએ જોઈએ તો આપણે ધાર્મિક સ્થળોએ જઈએ છીએ ઈશ્વરદર્શન કાજે અને પછી ત્યાં જઈને ગંદકી ફેલાવીએ, પ્લાસ્ટિક ફેંકીએ, કચરો કરીને પર્યાવરણને નુકસાન કરીએ તો ઈશ્વરના ધામમાં, ઈશ્વરપૂજા-દર્શન દરમ્યાન જ ઈશ્વરનું અપમાન કર્યા બરાબર ન કહેવાય? ઈશ્વરદર્શન દરમ્યાન જ ઈશ્વરની અવગણના કરી ન કહેવાય?
કચરાને સંપત્તિમાં ફેરવતી આ પહેલ ખરેખર એ સાબિત કરે છે કે જો ઇચ્છાશક્તિ, આધુનિક ટેક્નૉલૉજી અને સામૂહિક જવાબદારી સાથે કામ કરવામાં આવે તો આસ્થા અને પર્યાવરણ બન્નેનું સમાન રીતે રક્ષણ શક્ય છે. અમરનાથ યાત્રા હવે માત્ર શ્રદ્ધાની યાત્રા નહીં પરંતુ ‘સ્વચ્છતા, ટકાઉ વિકાસ અને હરિત ભારત’ તરફ આગળ વધતું એક જીવંત મૉડલ બની રહી છે.

 

Whatsapp-channel Whatsapp-channel

02 August, 2026 06:52 PM IST | Amarnath | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK