Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ભોલેનાથનું આવું સ્વરૂપ ક્યાંય નહીં જોયું હોય

ભોલેનાથનું આવું સ્વરૂપ ક્યાંય નહીં જોયું હોય

Published : 02 August, 2026 07:33 PM | IST | Surutapalli Temple
Alpa Nirmal

આંધ્ર પ્રદેશના સુરુતુપલ્લી સ્થિત પલ્લીકોન્ડેશ્વર મંદિરમાં ભગવાન શિવ માતા પાર્વતીના ખોળામાં શયન કરતા અનોખા સ્વરૂપમાં બિરાજમાન છે. શ્રાવણ માસમાં આ દુર્લભ મંદિરનું ધાર્મિક મહત્ત્વ વિશેષ માનવામાં આવે છે.

ભોલેનાથનું આવું સ્વરૂપ ક્યાંય નહીં જોયું હોય

ભોલેનાથનું આવું સ્વરૂપ ક્યાંય નહીં જોયું હોય


રાજસ્થાની પંચાંગ પ્રમાણે ગુરુપૂર્ણિમાના બીજા દિવસથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને ગુજરાતી કૅલેન્ડર મુજબ ૧૩ ઑગસ્ટથી પવિત્ર શ્રાવણનો શુભારંભ થશે. શ્રાવણ એટલે શિવજીની ભક્તિનો અવસર. આજે જઈએ આંધ્ર પ્રદેશના પલ્લીકોન્ડેશ્વર મંદિરે જ્યાં એકલા શિવજી નહીં, અનેક દેવી-દેવતાઓ હાજર છે

આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લાના નાગલપુરમ વિસ્તારમાં આવેલા સુરુતુપલ્લી નામના ગામના અતિ પ્રસિદ્ધ શિવમંદિરનાં દર્શન કરવા જતા દર્શનાર્થીઓને ભગવાનની મૂર્તિ જોઈ પહેલો પ્રશ્ન એ જ થાય કે શંકરનું મંદિર ક્યાં છે? આ તો વિષ્ણુમંદિર છે. ચાંદીનો મુગટ, હાર, બાજુબંધ, કંદોરો આદિ અલંકારથી સજ્જ ભગવાન દેવીના ખોળામાં મસ્તક રાખી સૂતા છે. વળી આજુબાજુ અનેક દેવી-દેવતાઓ અને ઋષિઓ હાજર છે. આ તો વિષ્ણુ ભગવાનને નિદ્રામાંથી જગાડવા દેવો આવ્યા હોય એ દૃશ્ય દર્શાવતું મંદિર છે.
પરંતુ ભક્તો અહીં હર હર મહાદેવના નારા કેમ લગાવે છે? કોઈ વળી શિવતાંડવ સ્તોત્ર બોલે છે તો ક્યાંક ઓમ નમઃ શિવાયનો જાપ થઈ રહ્યો છે. ટૂંકમાં, મંદિરની મૂર્તિ અને મંત્રોચ્ચારનો મેળ નથી બેસી રહ્યો. ત્યારે કન્ફ્યુઝ ન થા વત્સ, ૧૦૦ ટકા આ કૈલાસવાસીનું જ મંદિર છે. ગંગાધર અહીં મા પાર્વતીના ખોળામાં માથું રાખીને સૂતા છે અને એ દૃશ્ય જોતા હોય એમ સર્વે દેવતાઓ તથા ૭ ઋષિઓ પણ અહીં હાજર છે.
રુદ્રનાથ જનરલી લિંગરૂપે હોય કાં તો મૂર્તિરૂપે હોય, પરંતુ તેમની આવી મુદ્રા અનન્ય છે. અહીંની આ વિશેષતા જ દક્ષિણ ભારતમાં આવેલાં સેંકડો શિવતીર્થથી સુરુતુપલ્લીને વિશિષ્ટતા પ્રદાન કરે છે. આ શિવાલય કંઈ આજકાલમાં નથી બન્યું. મંદિરનું નિર્માણ વિજયનગરના રાજા હરિહર બુક્કારાયે છેક તેરમી સદીમાં કરાવ્યું છે અને એ પછી કાલહસ્તીનાં રાજકુમારીએ કરાવેલા જીર્ણોદ્ધારને પણ ૨૦૦ વર્ષ પૂરાં થવાનાં છે. જોકે મંદિરની વાસ્તુકલા તથા અન્ય માહિતી જાણવા પહેલાં આપણે સવાર થઈએ એવા ટાઇમ-મશીનમાં જે હજારો-હજારો વર્ષ પૂર્વેના કાળમાં લઈ જાય.
lll
એક વખત સ્વર્ગના રાજા ઇન્દ્ર પોતાના દિવ્ય વાહન ઐરાવત પર આરૂઢ થઈ ફરવા નીકળ્યા હતા. ત્યાં તેમની મુલાકાત ઋષિ દુર્વાસા સાથે થઈ. હવે સ્વર્ગના રાજા સ્વયં સામે આવે ત્યારે તેમને ભેટરૂપે કંઈક આપવું તો જોઈએને. એ ન્યાયે ઋષિએ એક અપ્સરાએ પોતાને આપેલી ફૂલની માળા ઇન્દ્રને ભેટ કરી દીધી. ઇન્દ્રએ માળાનો સ્વીકાર કર્યો અને જ્ઞાની ઋષિની સામે પોતે માળા કઈ રીતે પહેરે એવી વિનમ્રતા દાખવી. ઇન્દ્રે માળાને પોતાના હાથીના માથા ઉપર રાખી દીધી. અપ્સરાએ આપેલી એ દૈવીય માળાનાં પુષ્પો એટલાં સુગંધિત હતાં કે એનાથી આકર્ષાઈને મધમાખીઓનું ઝુંડ એ ફૂલ તરફ આવી પહોંચ્યું. મધમાખીઓના અચાનક આવવાથી ઐરાવત પરેશાન થઈ ગયો અને માખીને દૂર હટાવવા પોતાનું માથું ધુણાવવા લાગ્યો. એમાં એના માથા પર રહેલી દુર્વાસામુનિએ આપેલી માળા જમીન પર પડી ગઈ અને ખલ્લાસ...
ઋષિમુનિએ ઇન્દ્રને આપેલો હાર સૈભાગ્યનું પ્રતીક હતો. સ્વર્ગના દેવતાને આપેલા આશીર્વાદ હતા અને ઇન્દ્ર એનું યોગ્ય સન્માન ન કરી શક્યા. આથી ક્રોધના અવતાર દુર્વાસાએ ગુસ્સામાં આવીને ઇન્દ્ર સહિત સર્વે દેવોની શક્તિ, ઊર્જા અને સૌભાગ્ય નષ્ટ પામે એવો શ્રાપ આપ્યો. તપસ્વી મુનિનો શ્રાપ દેવતાઓને એવો ભયંકર લાગ્યો કે તેઓ સાવ નિર્બળ અને શક્તિહીન થઈ ગયા. તેમનું સામ્રાજ્ય, સત્ત્વ, તત્ત્વ સઘળાંનો નાશ થયો. એ જ સમયે બલિરાજાના નેતૃત્વમાં અસુરોએ ત્રણેય લોક જીતી લીધાં અને પોતાનો અધિકાર સ્થાપી દીધો. દૈત્યોનું રાજ આવતાં ઋષિમુનિઓ, પ્રજા, રાજા બધાં જ પરેશાન થઈ ગયાં. સત્ય પર અસત્ય હાવી થઈ ગયું. લોકો એમાંથી મુક્તિ મેળવવા વિવિધ દેવોને પ્રાર્થના કરતા, પરંતુ દેવો તો અક્ષમ હતા. આથી આ સમસ્યાનો ઉકેલ મેળવવા દેવગણ વિષ્ણુજી પાસે ગયો. સૃષ્ટિના સંવર્ધક વિષ્ણુજીએ નિર્બળ દેવોને યુદ્ધ કરવાને બદલે રાક્ષસગણ સાથે કૂટનીતિક વ્યવહાર કરવાની સલાહ આપી અને એ બુદ્ધિશાળી સલાહ મુજબ દેવોએ દાનવોને સમુદ્રમંથન કરી એમાંથી નીકળનારું અમૃત પીને અમર થઈ જવાની લાલચ આપી. 
 અજર-અમર થવું કોને ન ગમે? દાનવો માની ગયા અને વિચાર્યું કે દેવો તો આમેય દુર્બળ છે, અમે તેમના ભાગનું અમૃત તેમની પાસેથી છીનવી લઈશું અને એનું પાન કરી અમર બની જઈશું, દેવતાઓ સર્વનાશ પામતાં સમસ્ત સૃષ્ટિ પર અસુરોનો અકુંશ રહેશે. (જોકે વિષ્ણુજીનો આઇડિયા કંઈક ઔર હતો જેના વિશે શ્રદ્ધાળુઓને જાણ છે જ.)
દેવ અને દાનવ એકમત થતાં સાગરમંથનની તૈયારીઓ શરૂ કરાઈ અને પહેલી પ્રક્રિયારૂપે સૃષ્ટિના સમસ્ત સમુદ્રને ભેગા કરવામાં આવ્યા. એ મહાસાગરની મધ્યમાં મંદાર પર્વતને વલોણાના મુખ્ય દાંડારૂપે સ્થિર કરાયો અને શિવજીના ગળામાં સુશોભિત વાસુકિને મંથનની રસ્સી બનાવાઈ. દેવો અને દાનવો નાગરૂપી રસ્સીનો એક-એક હિસ્સો પકડીને મંડી પડ્યા. આગળ કહ્યું એમ દેવોનું હીર અને તાકાત તો સાવ તળિયે બેસી ગયાં હતાં. તેઓ બળવાન અસુરોની તાકાત સામે ઢળી પડ્યા. ત્યારે વિષ્ણુજી દેવોની સહાયે આવ્યા અને શરૂ થયું અમૃતમંથન. માખણ કાઢતાં વલોણું ઘમ-ઘમ ફરે એમ મંદાર પર્વત વાસુકિની પકડમાં ફરી રહ્યો છે. અસુરોએ નાગના મુખની બાજુ પકડી છે, દેવતાઓએ પૂંછડીની બાજુ. એ મંથન દરમ્યાન વાસુકિના મોઢામાંથી ઝેર નીકળ્યું (જોકે અન્ય માન્યતા પ્રમાણે સમુદ્રમંથનમાંથી જ ઝેર નીકળ્યું). હવે અહીં હાજર દરેકને તો અમૃતપાન કરવું હતું. આ ઝેર કોણ પીએ? પિક્ચરમાં આવ્યા ભોળા શંભુ. 
ઘાતક દુર્ગંધ ધરાવતા આ હળાહળ વિષની વાસમાત્રથી દેવો તથા દાનવો બેહોશ થઈ ગયા હતા. એવું હળાહળ આપણા શિવજી એકઝટકે ગટગટાવી ગયા. આ જોઈને તેમનાં પત્ની પાર્વતી ગભરાઈ ગયાં અને મારણ વિષ પતિના ગળાથી નીચે ન ઊતરે એથી હિમાલય પુત્રીએ પોતાના કાન્તનું ગળું બે હાથે પકડી લીધું. એ વિષ મહાદેવના કંઠમાં અટકી ગયું અને દેવોના દેવ બની ગયા નીલકંઠ. (અન્ય વેદ અનુસાર હળાહળ ઉત્પન્ન થતાં વાયુદેવે એની મારકતા ઓછી કરવા ઝેરને પહેલાં પોતાના હાથ વડે મસળ્યું. પછી એનો થોડો ભાગ પોતે પીધો અને થોડો શિવજીને આપ્યો. એ સાથે એમ પણ કહેવાય છે કે મહાદેવના પ્રિય આભૂષણ વાસુકિ પણ એ ઝેરનો થોડો ભાગ ગળી ગયા.)
વેલ, એ પછી તો સમુદ્રમંથનમાંથી ૧૪ અમૂલ્ય ચીજો નીકળી એ વિશે જગત આખું વિદિત છે એટલે આપણે એ વિશે વાત નથી કરી રહ્યા, પણ શિવજીને એ પછી જે થયું એ દૃશ્ય સાથે આ શિવાલયની મૂર્તિને સંબંધ છે. વિષના પ્રભાવથી નીલકંઠ વ્યાકુળ થઈ ગયા અને પત્નીના ખોળામાં માથું રાખીને સૂઈ ગયા. આ દૃશ્ય નારદજીએ જોયું અને તેમણે ત્રણે લોકમાં આ ખબર ફેલાવી દીધી. આ સમાચાર સાંભળીને દેવતાઓ હાંફળા-ફાંફળા થઈને શિવજી પાસે આવ્યા ત્યાં નંદીબાબાએ તેમને રોકી દીધા, કારણ કે ભગવાન આરામ કરી રહ્યા હતા. જોકે ચહલપહલ સાંભળીને શંભુનાથે આંખો ખોલી અને કેદારનાથને હેમખેમ જોઈને સઘળા દેવતાઓ અને ઋષિઓ આનંદિત થઈ ગયા. દક્ષિણના શિવપુરાણમાં વર્ણન છે કે એ વખતે કૃષ્ણ પક્ષની તેરસ હતી જ્યારે ૭ ઋષિઓ સહિત સુરુઓ આ સ્થાન પર આવ્યા એટલે આ જગ્યાનું નામ પડ્યું સુરુલાપલ્લી, જે અપભ્રંશ થઈ સુરુતુપલ્લી કહેવાયું. 
lll
હવે વાત કરીએ મંદિરની તો મંદિરમાંથી મળેલા શિલાલેખ એ ઈસવીસન ૧૩૪૪થી ૧૩૪૬ દરમ્યાન બન્યું હોવાનું કહે છે. સાથે ઈસવીસન ૧૮૩૩માં એનો જીર્ણોદ્ધાર થયો હોવાનો ઉલ્લેખ પણ અહીં છે, પરંતુ એ પછી કાળની ગર્તામાં આ શિવાલય ખોવાઈ ગયું હતું. ત્યારે કાંચી મઠના ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી ઈસવીસન ૧૯૬૬માં પ્રાચીન ગ્રંથોના આ આધારે આ સ્થાન પર આવ્યા અને સવા મહિનો અહીં રહીને ભૂમિનું ખોદકામ કરાવ્યું જેમાંથી રામપુત્ર લવ અને કુશનાં પદચિહન પણ મળ્યાં. હાલમાં ઊભેલું મંદિર ૨૦૦૨ની સાલમાં રિવાઇવ થયું છે જે કાંચી કામકોટિ પીઠના પ્રખ્યાત શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી અને વિજયેન્દ્ર સરસ્વતીએ કરેલા કુંભાભિષેકમ બાદ ખુલ્લુ મુકાયું છે. ૩ મંજલી ગોપુરમ ધરાવતા આ મંદિરમાં ભૃગુ, માર્કન્ડેય, નારદ, અગસ્ત્ય, પુલસ્ત્ય, ગૌતમ, તુમ્બુસ, વશિષ્ટ, વિશ્વામિત્ર, વાલ્મીકિ ઋષિની મૂર્તિ છે. એ સાથે આદિશંકરની પણ અલાયદી દેરી છે. નવગ્રહ દેવતા, સંગનિધિ, પદુમનિધિ (કુબેરના સ્વરૂપ) સાથે તેમની પત્ની વસુંધરા અને વસુમતીનું પણ મંદિર છે. રામલિંગેશ્વર મંદિરમાં શ્રી રામ પરિવાર છે તો દક્ષિણ ભારતમાં પૂજાતા સંત દક્ષિણામૂર્તિ, અપ્યપ્પન, અય્યનાર આદિ પણ બિરાજે છે. સવારે સાડાછથી ખૂલી જતા આ મંદિરમાં અન્ય શિવમંદિરની જેમ સમયે-સમયે પૂજા થાય છે જેમાં અભિષેક, શણગાર, નૈવેદ્ય, દીપઆરાધના, તાલવાદ્ય તથા પવિત્ર વેદોના પાઠ આદિ કરવામાં આવે છે. સોમવાર, શુક્રવાર, પ્રદોષ (તેરસ) તથા બ્રહ્મોત્સવ, શિવરાત્રિ ઉત્સવ દરમ્યાન અહીં સેંકડોથી લઈને હજારો ભક્તો દર્શનાર્થે આવે છે. મંદિર મધ્યાહને  સાડાબાર વાગ્યે બંધ થઈને ફરી સાંજે ચારથી રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. 
આ મંદિર તિરુપતિ-ચેન્નઈ હાઇવે પાસે અરુણનાદી નદીના કિનારે વસ્યું છે. અહીં પહોંચવા તિરુપતિ, ચેન્નઈ, શ્રીકાલહસ્તીથી સરકારી બસો તથા પ્રાઇવેટ ટૅક્સીઓ મળી રહે છે. ચેન્નઈથી ૬૩ કિલોમીટર અને તિરુપતિથી ૬૮ કિલોમીટરના અંતરે આવેલું સુરુતુપલ્લી ગામ પ્રખ્યાત ભલે હોય, પણ ખોબા જેવડું છે એટલે શ્રદ્ધાળુઓ માટે રહેવાની કોઈ સુવિધા નથી. હા, મંદિર પરિસરમાં મંદિર ટ્રસ્ટની પાંચ રૂમ છે, પણ એનું બુકિંગ મળશે કે નહીં એની ગૅરન્ટી નથી. મંદિરની આજુબાજુ પૂજાપો, પ્રસાદ અને ઇડલી-ઢોસા અને અન્ય દક્ષિણ ભારતીય વ્યંજનો વેચતી ટપરીઓ છે જે ભૂખને કામચલાઉ તો સંતોષી જ શકે છે.



સુરુતુપલ્લી મંદિર શિવજીની પ્રદોષપૂજાનું ઉદ્ગમસ્થળ કહેવાય છે. એમાં પણ જો શનિવારે મહિનાની વદ તેરસ આવતી હોય તો એને મહાપ્રદોષ કહે છે. આ દિવસે ભોલેનાથની પૂજા કરવાથી ખોવાયેલી સંપત્તિ, સન્માન, પદ, સાથી પાછાં મળી જાય એવી માન્યતા છે.


અહીં ઋષિ વાલ્મીકિ અત્યંત પૂજનીય છે

વાલ્મીકેશ્વર નામે ઓળખાતા આ પલ્લીકોંડા શિવ સાથે ઋષિ વાલ્મીકિની પણ અહીં વિશેષ પૂજા થાય છે. કહે છે કે આ સ્થળનું વર્ણન પૂર્વકાળમાં વાલ્મીકિએ જ કર્યું છે. શ્રી રામ પણ અહીં આવ્યા હતા. તેમણે સ્થાપેલા લિંગને રામલિંગ કહેવાય છે. એ જ રીતે પાર્વતીમાતાને અહીં મરગથાંબીગાઈ કહેવાય છે. તામિલ ભાષામાં પન્ના રત્નને મરગથમ કહેવાય છે. મરગથાંબીગાઈ એટલે પન્ના જેવી ચમક અને સુંદરતા ધરાવતાં માતા. અહીં ગ્રીન પથ્થરમાંથી બનેલું માતા પાર્વતીનું અલાયદું મંદિર છે જેની બહાર કામધેનુ અને કલ્પવૃક્ષ (જે સમુદ્રમંથનમાંથી પ્રગટ થયાં હતાં)નાં પ્રતીકો છે.


શિવજીએ હળાહળનું પાન ક્યાં કર્યું? ઉત્તરાંચલમાં કે આંધ્ર પ્રદેશમાં?

અમુક પવિત્ર ગ્રંથો અનુસાર ઉત્તરાખંડના હૃષીકેશ શહેરથી ૩૨ કિલોમીટરના અંતરે આવેલું નીલકંઠ મહાદેવ એ પવિત્ર સ્થાન છે જ્યાં ચંદ્રમૌલેશ્વરે વિષપાન કર્યું હતું. એમ પણ આલેખ છે કે ઝેરના પ્રભાવને ઓછો કરવા ભગવાને પકંજ અને મધુમતી નદીના સંગમ પર આવેલા પંચપાની વૃક્ષ નીચે ૬૦,૦૦૦ વર્ષ તપસ્યા કરી હતી. વર્તમાનમાં અહીં મંદિર છે તેમ જ પંચપાની વૃક્ષ નીચે કંઠના આકારનું શિવલિંગ પણ છે. ઉત્તરાંચલના ચારધામની યાત્રાએ જતા લાખો ભક્તો આ સિદ્ધપીઠનાં દર્શને આવે છે. 
ખેર, અહીં કોઈ સ્થાનની ખરાઈ કરવાનો પ્રયાસ નથી. બેઉ સ્થાનનું પોતાનું આગવું મહત્ત્વ છે, પવિત્રતા છે અને શ્રદ્ધા છે.

Whatsapp-channel Whatsapp-channel

02 August, 2026 07:33 PM IST | Surutapalli Temple | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK