અનિની એક ઑફ ગ્રિડ અનુભવ છે. અહીંની યાત્રા એવા લોકો માટે છે જેઓ ડુંગરાળ, જંગલી પ્રદેશોની કઠોર પરિસ્થિતિઓ ફેસ કરવા માટે પૂરેપૂરી રીતે તૈયાર છે. અનિની જવા માટે ખાસ સરકારી પરમિટ લેવી પડે છે, જે સ્થાનિક ટૂર-ગાઇડ પાસેથી ઑનલાઇન મળી જાય છે.
દિબાંગ વૅલીમાં અનિની સાથેની રોડ-કનેક્ટિવિટી હવે ખૂબ વિકસી ગઈ છે.
તવાંગ, બોમ્ડીલા, નામડાફા નૅશનલ પાર્ક, મેચુકા, ઝીરો વૅલી સાથે ભારતના અરુણાચલ પ્રદેશની ટૂરિઝમ સર્કિટમાં નવું સ્પૉટ ઉમેરાયું છે અનિની. અહીં સ્ફટિક જેવું નિર્મળ જળ ધરાવતાં સરોવરો છે, વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરી છે, ઈડુ મિશ્મી ટ્રાઇબની યુનિક સંસ્કૃતિ છે. સમરમાં હરિયાળાં મેદાનોની બ્યુટી છે તો એ જ સ્થળે વિન્ટર્સમાં શુભ્ર-ધવલ બરફની મોજ છે
ભારતનાં સેવન સિસ્ટર્સ રાજ્યોમાંનો એક અરુણાચલ પ્રદેશ દેશની પૂર્વીય સીમાનું અંતિમ સ્ટેટ છે. પશ્ચિમમાં ભુતાન, ઈસ્ટમાં મ્યાનમાર અને ઉત્તરમાં વિવાદિત મૅકમોહન રેખા (ચીનના તિબેટ ક્ષેત્ર) સાથે ૧૧૨૯ કિલોમીટર લાંબી સરહદ શૅર કરતું આ રાજ્ય આ શિયાળામાં ઍડ્વેન્ચરપ્રિય ટ્રાવેલર્સ માટેનું મોસ્ટ ફેવરિટ સ્થળ બની ગયું છે. ના, ના, અહીં સ્કીઇંગ માટે મોટા વિસ્તારો કે સ્નો-બોર્ડિંગ કે આઇસ-સ્કેટિંગ માટેની સુવિધા નથી ખૂલી. અહીં તો લોકો પ્રાકૃતિક શાંતિ અને સુકૂન મેળવવા આવે છે. આમ તો અહીં કાયમ જ શાંતિ હોય છે. ટૂરિસ્ટ સીઝનમાં પણ પર્યટકોનું આવવા-જવાનું ઓછું હોય છે. ઑક્ટોબરથી માર્ચ દરમ્યાન પણ મુશ્કેલીથી થોડા હજાર સહેલાણીઓ અનિની પહોંચે છે, પરંતુ હિમાચલની ગોદમાં વસેલો આ નાનકડો વિસ્તાર હાલમાં તેના સ્નોફૉલ માટે વધુ ફેમસ બન્યો છે. નાના-મોટા પહાડો, કમનીય વળાંકો ધરાવતી દિબાંગ નદી, ઊંચાં અને ગીચ જંગલો, દરેકે પોતાના રંગ છોડીને ધવલ વસ્ત્ર ધારણ કરી લીધાં છે અને કુદરતનિર્મિત આ વાઇટ વન્ડરલૅન્ડના સાક્ષી બનવા માટે દેશના ખૂણે-ખૂણેથી ઍડ્વેન્ચરિયાઓ આ છેવાડાના પ્રદેશમાં જઈ રહ્યા છે.
અનિની પહોંચવાનું અઘરું છે. વળી મોબાઇલ-નેટવર્ક સીમિત છે, હાડ ગાળતી ઠંડીથી બચાવે એવી હોટેલ કે રિસૉર્ટ નથી. અરે, ફૂડના પર્યાય પણ લિમિટેડ છે. બરફવર્ષા વખતે પરિવહન સેવા પણ સ્થગિત થઈ જાય છે. તો રાતના સમયે ટેમ્પરેચર છેક માઇનસ ૮ ડિગ્રી સુધી પહોંચી જાય છે અને એવામાં ઇલેક્ટ્રિક બ્લૅન્કેટ કે મીટરની સુવિધાય સ્વપ્ન સમાન છે. ત્યારે આવી ભીષણ કઠણાઈઓ હોવા છતાં ટ્રાવેલર્સ અનિની પર કેમ કળશ ઢોળી રહ્યા છે? એના સવાલમાં અહીં ટૂરિઝમ કંપની ચલાવતા ટ્રાવેલ-એજન્ટ કહે છે, ‘રોમાંચ... સહેલાણીઓ હવે રોમાંચક અનુભવ કરાવતી જગ્યાએ ફરે છે. જ્યાં ઓછા લોકો જતા હોય, ઓછી સુવિધા હોય, જોખમભરી જર્ની હોય એવી બધી વિકટ પરિસ્થિતિમાં પોતાની જાતને ટકાવી રાખવી, નવા અનુભવ મેળવવા, યાત્રામાં નવા મુકામ હાંસલ કરવાનું ધ્યેય રાખનાર વ્યક્તિઓ આ સીઝનમાં અહીં આવે છે અને સાથે હું એ પણ કહીશ કે આ સમયમાં અહીં આવનારા સહેલાણીઓ ખરા અર્થમાં શારીરિક અને માનસિક રીતે સક્ષમ બનવા સાથે ડીટૉક્સ થાય છે.’
તો, ફ્રેન્ડ્સ આપણે પણ ગોદડા, રજાઈ, બ્લૅન્કેટની હૂંફ મૂકીને ઊપડીએ અનિની.
ADVERTISEMENT

અનિનીનો વૉટરફૉલ
અરુણાચલ પ્રદેશના અભિન્ન અંગ ઈડુ મિશ્મી જાતિના લોકો છે

અરુણાચલ પ્રદેશની દિબાંગ વૅલી તેમ જ લોહિત, ઈસ્ટ સિયાંગ, અપર સિયાંગમાં રહેનારા ઈડુ મિશ્મી લોકોની કળા, પોશાક, ભાષા, નૃત્ય, લોકકથા ઘણી અનોખી છે. મૂળ તિબેટથી અહીં આવેલા આ લોકોના કલ્ચરને GI ટૅગ મળ્યો છે. આ પ્રજા પ્રકૃતિ અને પૂર્વજોની પૂજા કરે છે. ખાસ પ્રકારની ડિઝાઇનવાળા હાથવણાટના અનયુઝ્વલ પૅટર્નનાં કપડાં તથા અનોખી રીતે ગૂંથેલા ચોટલા અને ભિન્ન લોકકથાઓ, ગીતો ધરાવતા ઈડુ મિશ્મી લોકો શિકારના પણ ખાસ પ્રકારના નિયમ પાળે છે. વાઘને ‘બડે ભૈયા’ માનનારી આ પ્રજા આમ તો બિનશાકાહારી છે, પરંતુ મહિલાઓ ચિકન તથા અન્ય પ્રકારનું માંસ નથી ખાતી (જોકે હવે નિયમમાં બાંધછોડ થાય છે). આ જનજાતિ ફેબ્રુઆરીમાં રેહ (પાકની લણણીના સમયે) અને સપ્ટેમ્બરમાં કે-મેહ-હા જેવા તહેવારો મનાવે છે જેમાં પૂજા-પાઠ, મંત્રોચ્ચાર, પશુબલિ સાથે નૃત્ય, સામુદાયિક જમણવાર જેવાં ધાર્મિક અને સામાજિક અનુષ્ઠાન થાય છે. આ ફેસ્ટિવલ વખતે દેશ-દુનિયાના અનેક ફોટોગ્રાફરો અનિની આવે છે અને ઈડુ મિશ્મી લોકો, તેમની પરંપરાઓ વિશેના ફોટો, સમાચારો સમસ્ત વિશ્વમાં પહોંચાડે છે.
આ રાજ્યમાં પ્રવેશ મેળવવા સૌપ્રથમ દરેક યાત્રીએ આસામના દિબ્રૂગઢ સુધી પહોંચવું પડે છે અને પછી અહીંના હવાઈ અડ્ડાથી શરૂ થાય છે સુકૂનની સફર. જોકે એ સફર ટૂંકી નથી. ૩૭૪ કિલોમીટર એક સ્ટ્રેચમાં પૂરા કરવા શક્ય નથી. મોટા ભાગે પહેલા દિવસે રોઇંગ (દિબાંગ વૅલીનું પ્રવેશદ્વાર) નામના શહેરમાં રાતવાસો કરાય છે. હા, એ ખરું કે પર્વતોની માયાજાળ વીંધીને જતો રસ્તો, વહેતી કે થીજી ગયેલી નદીઓ અને કતારબદ્ધ ઊભેલાં વૃક્ષો એવું મજાનું સંગીત સર્જે છે કે એ થકવી નાખનારી સફર મોજીલી બની રહે છે. બીજા દિવસની એટલે રોઇંગથી અનિની સુધીની જર્ની તો જબરદસ્ત ચૅલેન્જિંગ છે. એક બાજુ મેસ્મેરાઇઝ કરતાં કુદરતી દૃશ્યો અને બીજી બાજુ બરફવાળા રસ્તે સંભાળીને ચાલતું વાહન જેમાં સહેલાણીઓના કરેજની ખરી કસોટી થાય છે. આ ઍડ્વેન્ચરનું પહેલું સેગમેન્ટ છે.

અનિનીના રૉઇંગ ટાઉનનું પ્રવેશદ્વાર. 
જોકે અનેક ચુનૌતીઓને પાર કરીને ફાઇનલી તમે જ્યારે દિબાંગ વૅલીમાં વસેલા અલૌકિક અનિની પહોંચો છો ત્યારે મનોમન પોતાની જ પીઠ થાબડવાનું મન થઈ આવે છે કે સારું થયું અહીં આવવાનો પ્લાન બનાવ્યો, અન્યથા આપણા જ દેશના આ અજાયબ સુંદરતા ધરાવતા પ્રદેશથી સાવ અજાણ્યા રહી જાત. આગળ કહ્યું એમ, અહીં કોઈ હાઇ-ફાઇ સ્નો-ઍક્ટિવિટી નથી. અહીં તો હિમાચ્છાદિત માઉન્ટન પર નાનું-મોટું ટ્રેકિંગ કરવું, ઈડુ મિશ્મી જનજાતિના દિલચસ્પ લોકોને મળી તેમની સંસ્કૃતિ જાણવી, હિમાચલની ગેબી શાંતિનો અનુભવ લેવો અને ૧૦૦ નહીં, ૧૨૦ ટકા શુદ્ધ, તાજી (પણ બરફીલી) હવા શ્વાસમાં ભરવી એ ઍડ્વેન્ચરનો બીજો ભાગ.
ખાસ તો અહીંનો સ્નોફ્લો બહુ અનૂઠો છે. ડિસેમ્બરના અંતથી ફેબ્રુઆરી સુધી વરસતા બરફને જોવાની, એમાં મહાલવાની મજા સ્વિટ્ઝરલૅન્ડના મુરેન કે નૉર્વેના સ્વાલબર્ગથી જરાય ઓછી નથી. કોઈ પણ પ્રકારના બાહ્ય પૉલ્યુશનથી પરે રહેલું અહીંનું પર્યાવરણ, પાઉડર સ્નો અને ખાસ તો પ્રવાસીઓનાં ધાડાં વગરના આ નાજુક, નમણી ખીણ પ્રદેશની જિંદગી સાથે ફરી એક વખત ઘનિષ્ઠ સંબંધ બંધાવે છે અને સાવ અજાણ્યા થઈ ગયેલા પોતાના જ અંતરને નવેસરથી ઓળખવું એ ઍડ્વેન્ચરનું અંતિમ પણ સૌથી મહત્ત્વનું સેગમેન્ટ.

નવો બનેલો રિસૉર્ટ.
ઘણી વખત કોઈ ટાઉન જ એક સીનિક અને પ્રવાસનસ્થળ હોય છે છતાં અનિનીની આજુબાજુ સાઇટ-સીઇંગ કરવું હોય તો રોઇંગથી અનિની આવતા રૂટ પર આવેલું માયોડિયા દર્રા ફોટોગ્રાફરો માટે મક્કા છે. ૨૬૫૫ મીટર ઊંચાઈએ આવેલું આ દર્રા (માઉન્ટ પાસ) શિયાળામાં બરફનો ગાલીચો પાથરીને આગંતુકોનું સ્વાગત કરે છે. તો ઉનાળામાં ઊંચા-ઊંચા ઘાસ અને વગડાઉ વનસ્પતિથી ગૂંથેલો ગ્રીન ગાલીચો પાથરીને બેસેલા માવુ વૉટર-ફૉલ્સની પણ બેઉ મોસમમાં અલગ મજા છે. અલબત્ત આ ધબધબાની સુંદરતાના સાક્ષી બનવા માટે ગીચ જંગલો, લીલથી ઢંકાઈ ગયેલી ચટ્ટાનો, જંગલી ફૂલોથી ઘેરાયેલા મેદાની પ્રદેશોની નાની પણ એકદમ સહેલી પગપાળા યાત્રા કરવી પડે. અનિનીથી ૧ કલાકની ડ્રાઇવના અંતરે આવેલો ચિગુ રિસૉર્ટ આખા રાજ્યનું ટ્રમ્પકાર્ડ છે. દિબાંગ વૅલીમાં અચેસો વિસ્તાર નજીક આવેલા આ રિસૉર્ટની એક બાજુ દેવદારનાં ઘટાટૉપ વૃક્ષો છે અને બીજી બાજુ બરફથી ઢંકાયેલી પર્વતમાળા છે. લાલ રંગનાં ઢળતાં છાપરાંવાળાં કૉટેજની હરોળ, વુડન પ્લૅટફૉર્મથી કનેક્ટેડ પાથવે, સીમિત વીજળી-સપ્લાય અને મોબાઇલ નેટવર્ક વગરના આ પ્યૉર ઇકો રિસૉર્ટમાં આમ તો રહેવા જેવું જ છે, પરંતુ અહીં ન રહેનાર વ્યક્તિએ પણ આ સ્થળની મુલાકાતે અચૂક આવવું જોઈએ. આ રિસૉર્ટ તો અદ્ભુત છે જ અને સાથે અહીં પહોંચવાનો રસ્તો પણ ફાઇવસ્ટાર છે. અનેક ઉત્સાહીઓ ફક્ત આ રસ્તાની ફીલ કરવા અનિનીથી ભાડા પર સ્કૂટી લઈને સેલ્ફ-ડ્રાઇવની મજા માણે છે. વૅલીમાં આવેલું વન્ય જીવ અભયારણ્ય પણ જૈવ વિવિધતાથી ભરપૂર છે. અહીં લાલ પાંડા, સ્ક્લેટર્સ મોનલ, મિશ્મી ટાકિન જેવી દુર્લભ પ્રજાતિનાં પ્રાણીઓ-પક્ષીઓનું નિવાસસ્થાન તો છે જ અને સાથે બીજાં અવનવાં પક્ષીઓ, પતંગિયાંઓ, કીટકો અને ફૉરેસ્ટ ફ્લાવર્સનું પણ કાયમી સરનામું છે.

ઇટાનગર સાઇક્લિંગ ક્લબના ત્રણ સાઇક્લિસ્ટોએ અનિની જેવા રૂપકડા પ્રદેશ તરફ લોકોનું ધ્યાન ખેંચવા માટે દિબાંગ વૅલીના એક છેડાથી બીજા છેડાનું સાઇક્લિંગ કર્યું હતું.
અનિની વિન્ટર વન્ડરલૅન્ડ તરીકે ચોક્કસ પ્રખ્યાત થયું છે, પરંતુ અહીંની પાનખર અને વસંત પણ લોભામણી છે. પીળાં, લાલ, કથ્થઈ, પર્પલ થઈ ગયેલાં તરુવરો, ખરી ગયેલાં પાંદડાંથી આચ્છાદિત મેદાનો અને ડાયટિંગ કરીને દૂબળી પડી ગયેલી હૃષ્ટપુષ્ટ નદીઓ અને ઝરણાંઓ અનિનીને ઑટમમાંય મોહક બનાવે છે. તો વસંતનાં વધામણાં અનિનીને માદક બનાવે છે. રહેવા માટે અહીં તારાંકિત હોટેલો નથી (એ જ એનું જમા પાસું છે). અહીં હોમસ્ટેની સગવડ છે. સ્થાનિક લોકોની સાથે તેમના ઘરમાં ઓછી સગવડ સાથે રહેવું, તેમની પ્રેમાળ મહેમાનગતિ માણવી અને તેમની સંસ્કૃતિ, રહેણીકરણી જાણવી-સમજવી રાધર અનુભૂતિ કરવામાં પણ ઍડ્વેન્ચર ખરું હો. હા, જો કોઈને હોમસ્ટેનો કન્સેપ્ટ ન ફાવતો હોય તો અનિનીમાં બે-ત્રણ હોટેલો પણ છે. રહેવાના ઑપ્શન જેમ ઓછા છે એમ શાકાહારી ભોજનના પર્યાય પણ ઓછા છે. આખા ટાઉનમાં એક જ હોટેલ શુદ્ધ વેજિટેરિયન ખાણું પીરસે છે અને અમુક રેસ્ટોરાંમાં વેજ ડિશ મળી જાય છે.

અનિનીમાં વળાંકદાર રસ્તાઓ પરની સફર મજાની છે.
બેઝિકલી અનિની મનાલી કે મહાબળેશ્વર જેવું હૅપનિંગ હિલટાઉન નથી. અહીંનું જીવન સ્લો અને સરળ છે તથા શહેરી માનવીને એ જીવનશૈલીમાં જાતને ઢાળવામાં ઍડ્વેન્ચર લાગે છે એટલે અનિની અત્યારે ટૉપ પ્લેસ ટુ વિઝિટની યાદીમાં અગ્ર સ્થાને રહેલું છે.


