વિશાળ પરિસરમાં ફેલાયેલી આ જગ્યા ખરેખર મંદિર છે કે રેસ્ટોરાં એની મીઠી મૂંઝવણ કરાવે એવી છે. અહીં મંદિર પણ છે અને ગૌશાળા પણ. શુદ્ધ શાકાહારી ભોજન પીરસતી આ કૅફેમાં જમવું એ આધ્યાત્મિકતાના અનુભવથી કમ નથી
બહારથી મંદિર જેવી ફીલ આપતું કૅફેનું એન્ટ્રન્સ.
સાઉથ ઇન્ડિયન નાસ્તો અને જમવાનું એક ઍડ્રેસ જ્યાં વહેલી સવારથી ગ્રાહકોની લાઇન લાગે છે, જ્યાં પૂજા કર્યા વિના ખાવાનું બનાવવાની શરૂઆત થતી નથી, જ્યાં આદિયોગીનું સ્ટૅચ્યુ પણ છે અને મંદિર પણ છે, જ્યાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પણ છે અને જ્યાં સ્વાદ અને હાઇજીનની ખાતરી પણ છે. વાત થઈ રહી છે બૅન્ગલોરમાં ખૂલેલી નવી વિશ્વની સૌથી મોટી રેસ્ટોરાંની.
બૅન્ગલોરના બોમ્માસાન્ડ્રામાં એપ્રિલ મહિનામાં એક અત્યંત જાણીતી રામેશ્વરમ કૅફે બ્રૅન્ડની નવી રેસ્ટોરાં ખૂલી અને ખૂલતાંની સાથે જ ખાવાના શોખીન લોકોથી લઈને સોશ્યલ મીડિયા, ન્યુઝ-ચૅનલ્સ અને અખબારોમાં સમાચાર બની ગઈ. ૨૦૨૧માં એક ફૂડ-રેસ્ટોરાં સ્ટાર્ટઅપ તરીકે શરૂ થયેલું આ નામ આજે પાંચ વર્ષમાં તો એ ઊંચાઈઓને આંબી ગયું છે કે તેમણે બૅન્ગલોરના બોમ્માસાન્ડ્રામાં ૯૦,૦૦૦ સ્ક્વેરફીટ એટલે કે લગભગ દોઢ એકર કરતાંય મોટી જગ્યામાં પોતાની એવી નવી રેસ્ટોરાં ખોલી જ્યાં એકસાથે અંદાજે ૧૦,૦૦૦ લોકોને સર્વ કરી શકાય છે રોડસાઇડ રેસ્ટોરાંથી લઈને ઍરપોર્ટની પ્રીમિયમ લાઉન્જ સુધી પોતાનું ખાવાનું, પોતાનું નામ અને પોતાની બ્રૅન્ડ પહોંચાડી ચૂકેલાં રાઘવેન્દ્ર અને દિવ્યા નામના યુગલે તાજેતરમાં એવું મોટું સાહસ કર્યું કે ભારતને વિશ્વની સૌથી મોટી રેસ્ટોરાં ધરાવતા દેશ તરીકે સ્થાપિત કરી દીધું.
ADVERTISEMENT
હમણાં સુધી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સિરિયાની દમાસ્કસમાં આવેલી બ્વયાબેટ ડિમશક રેસ્ટોરાંનું નામ હતું. સિરિયાની આ રેસ્ટોરાં એકસાથે લગભગ ૬૦૧૪ લોકોને ખાવાનું સર્વ કરી શકે એટલી મોટી બનાવવામાં આવી છે, પરંતુ એ રેકૉર્ડને ક્યાંય પાછળ છોડી દેતાં ભારતના બૅન્ગલોરમાં બોમ્માસાન્ડ્રામાં રામેશ્વરમ કૅફેની એક નવી રેસ્ટોરાં શરૂ થઈ જ્યાં તેઓ એકસાથે ૧૦,૦૦૦ માણસોને સર્વ કરી શકે એવું ૯૦,૦૦૦ સ્ક્વેરફીટના વિશાળ પ્રાંગણમાં સ્થપાયું છે ખાણી-પીણીનું કૅફે. અંદાજે દોઢ એકરમાં ફેલાયેલી આ વિશાળ રેસ્ટોરાં એક નહીં પણ અનેક રીતે અનોખી છે, અલાયદી છે.

રેસ્ટોરાં મંદિરની થીમ પર બની છે જ્યાં દરેક ખૂણામાં આદિયોગી, શ્રી ગણેશ અને અન્ય દેવી-દેવતાઓની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. એમની નિયમિત પૂજા-અર્ચના થાય છે.
કેવી છે રેસ્ટોરાં?
૭૦૦૦થી ૮૦૦૦ રોજિંદા ગ્રાહકોને પેટની સંતુષ્ટિ કરાવતા રામેશ્વરમ કૅફેમાં રોજના ૧૨,૦૦૦થી ૧૫,૦૦૦ ઢોસા, ૧૫,૦૦૦ ઇડલી અને ૧૨થી ૧૫,૦૦૦ કપ કૉફી બનાવતી આ રેસ્ટોરાંએ જ્યારે આ વિશ્વની સૌથી મોટી રેસ્ટોરાં શરૂ કરી ત્યારે રાઘવેન્દ્ર કહેતા હતા કે અમારા દક્ષિણ ભારતનાં મંદિરોમાં તમે જશો તો દરેક મંદિરમાં પોતાનો અલગ-અલગ પ્રસાદમ હોય છે, રામેશ્વરમ કૅફે પણ અમારા માટે એક મંદિર છે.
આ જ વિચાર સાથે તેમણે આ વિશાળ રામેશ્વરમ કૅફેના પ્રવેશની બરાબર સામે ભગવાન આદિનાથ શંકરની મૂરત સ્થાપિત કરી છે. આરામદાયક મુદ્રામાં શ્રીગણેશજીનું સ્થાપન થયું છે. જેમણે પોતાની ભૂખ દ્વારા સ્વયં કુબેરનું અભિમાન નિર્મૂળ કર્યું હતું એવા શ્રીગણેશ અહીં આરામ મુદ્રામાં બિરાજ્યા છે. રામેશ્વરમ કૅફે આ મૂરત દ્વારા પોતાના ગ્રાહકોને એ સંદેશ આપી રહ્યું છે કે સ્વયં શ્રીજી અમારા ઉદરતૃપ્તિના આશયના પ્રણેતા છે. આ સિવાય રેસ્ટોરાંના દરેક ખૂણે એક-એક દેવીની પ્રતિમા સ્થાપવામાં આવી છે. સનાતન હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના વારસાને અહીં ભોજન અને ભક્તિ સાથે સંલગ્ન કરવાનો પ્રયત્ન દિવ્યા અને રાઘવેન્દ્ર દ્વારા કરવામાં આવ્યો છે. દૂરથી પણ નજરે ચડે એવો ગૌરવથી લહેરાતો ભારતીય ધ્વજ બૅન્ગલોરના રામેશ્વરમ કૅફેની પહેલી નિશાની છે.
સેલ્ફ-સર્વિસ, સર્વિંગ-વેઇટર્સ અને સાથે જ ખાલી પ્લેટ્સ લાવવા-લઈ જવા માટે રોબો પણ. પારંપરિક શૈલીની સાથે આધુનિક ટેક્નૉલૉજીના અદ્ભુત સંયોજન સમું આ કૅફે તમને ખાટ પર બેસી ખાવાની લિજ્જત પણ આપે છે અને ઊભા રહીને ખાવા માટે બાર-સ્ટૅન્ડિંગ ફૅસિલિટીઝ પણ. ૧૬ એપ્રિલથી બૅન્ગલોરમાં વિશ્વની આ સૌથી મોટી રેસ્ટોરાં શરૂ થઈ અને ત્યારથી આખા બૅન્ગલોરને જ નહીં, ભારતના ખાવાના અનેક શોખીન લોકોને જિજ્ઞાસાનું ઘેલું લગાડ્યું છે કે રામેશ્વરમ કૅફેની આ સૌથી મોટી રેસ્ટોરાંમાં શું-શું છે અને ખાવાનું કેવું છે એ એક વાર જાણવું તો જોઈએ. જોકે આ જિજ્ઞાસાનો જેટલો ખ્યાલ રામેશ્વરમ કૅફેના ગ્રાહકોને હતો એથી વધુ દરકાર એ રેસ્ટોરાંનાં માલિક દિવ્યા અને રાઘવેન્દ્રને પણ હતી. ૧૦ એપ્રિલથી ૧૫ એપ્રિલ સુધી તેમણે કોઈ પણ ગ્રાહક માટે ફ્રી વિઝિટની સ્કીમ રાખી હતી.

હાઇવે પરથી રામેશ્વરમ કૅફેનો ડ્રોન-વ્યુ.
પણ શું માત્ર દેવોની મૂરતની સ્થાપના કરી દેવાથી જ ભારતીય સનાતન સંસ્કૃતિની પૂર્ણતા છે? દિવ્યા અને રાઘવેન્દ્ર રાવ કહેશે, ‘ના!’ તેમની આ વિશાળ રેસ્ટોરાંમાં તેમણે ગૌશાળા પણ બનાવી છે. રામેશ્વરમ કૅફેમાં ખાવા આવતા લોકો માત્ર ગ્રાહક નથી. તેઓ શ્રદ્ધાળુ પણ છે, પોતાની ભીતર ભારતીયતા લઈને જીવતા હિન્દુ છે. આથી તેમણે ગૌશાળાની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિનું બેનમૂન દર્શન સમા નૃત્યને પણ આ રેસ્ટોરાંમાં સ્થાન આપ્યું છે. એક તરફ સતત નૃત્યનાટિકાઓ ભજવાતી હોય, બીજી તરફ ગૌશાળામાં ગાયોની સેવા અને સાંનિધ્યનો લાભ લેવાતો હોય તો ત્રીજી તરફ કોઈ મંદિરમાં દર્શન હેતુ ગયા હોઈએ એવો ભાવ જન્માવતું બાલાજી મંદિર પણ સ્થપાયું હોય. આ બધા જ વૈવિધ્ય સાથે વહેલી સવારે બ્રહ્મણોના મંત્રોચ્ચાર સહિત ઈશ્વરની પૂજા થાય, સાથિયા પુરાય અને ત્યાર બાદ આરતી દ્વારા થાય અગ્નિદેવનું આહવાન. ભારતીય વાજિંત્રોના સૂર પૂરતાં બાલબાલિકાઓ અને તેમની સંગાથે નૃત્ય કરતી બાલિકાઓનાં નિર્મલ હાસ્યમઢ્યાં મુખ જોઈ ભલભલાને ખાવાનો આનંદ આવે એ સ્વાભવિક છે.
રામેશ્વરમ કૅફેની એક ખાસિયત છે. તેઓ તમને ખાવાની દરેક વસ્તુ પ્લેટ્સમાં મુકાયેલા કેળના પાન પર પીરસે છે. આથી એક તરફ કેટલાક લોકો કેળનાં પાન એ પણ પ્લેટ્સ પ્રમાણે કાપી રહ્યા છે તો ત્યાં જ બાજુમાં કૉફીને લજ્જતદાર બનાવતો રસોઈયો ચમચા વડે દૂધને ઉપર-તરે કરી રહ્યો હોય. એથી જરા બાજુ તરફ નજર ઘુમાવો તો મોટા તવા પર એકસાથે પંદર-વીસ ઢોસા પથરાઈ રહ્યા હોય અને પાછળ જ ઇડલી મેકરના દરવાજેથી વરાળો ફૂટી રહી હોય. અગ્નેય કાઉન્ટર એક્સક્લુઝિવલી ઇડલી માટે બનાવાયું છે અને નૈર્ઋત્ય કાઉન્ટર પર આપણને મળે છે અલગ-અલગ પ્રકારના ઢોસા. સેલ્ફ-સર્વિસ કાઉન્ટરને પાછળ છોડી દઈને જેવા તમે અંદર ડાઇનિંગ એરિયામાં જાઓ કે ત્યાં વળી સાવ નવો જ અનુભવ માણવા મળે. પીળા કે સફેદ રંગના ઘૂંટણ સુધી લાંબી મદ્રાસી સ્ટાઇલ લુંગી અને કુરતાનાં પારંપરિક વસ્ત્રો પહેરેલા સર્વિંગ વેઇટર્સ એક ટેબલથી બીજા ટેબલ સુધી ફરીને ગ્રાહકોને જોઈતી ચીજો પીરસતા હોય. ખબર છે દિવ્યા અને રાઘવેન્દ્ર રાવ તેમના આ કૅફેને કઈ રીતે ઓળખાવે છે? ‘A Divine experience!’

રામેશ્વરમ કૅફેનાં માલિક દિવ્યા અને રાઘવેન્દ્ર રાવ.
રામેશ્વરમના જન્મદાતાની સફર
કહે છે કે માણસમાં યોગ્ય સ્કિલ હોય જેની સાથે ગંભીરતા અને દૂરંદેશી હોય અને જો તે સમયસર બોલ્ડ નિર્ણય લઈ શકે તો જિંદગીમાં નવી ઊંચાઈઓ હાંસલ કરતાં તેને કોઈ રોકી શકતું નથી. કર્ણાટકની રાજધાની બૅન્ગલોરના રામેશ્વરમ કૅફેની કહાણી જાણે આ વિધાનની સાક્ષી પૂરે છે. આજે આખા ભારતમાં જાણીતા અને માનીતા બનેલા સાઉથ ઇન્ડિયન ફૂડની બ્રૅન્ડ રામેશ્વરમ કૅફે જેવી રેસ્ટોરાં ચેઇન કંઈક એવું કરી દેખાડવામાં સક્ષમ બની કે તેમણે ભારતની જ નહીં, આખા વિશ્વની સૌથી મોટી રેસ્ટોરાં શરૂ કરી દીધી અને એ પણ ક્યાં? રામેશ્વરમ કૅફેના જન્મસ્થળ એવા બૅન્ગલોરમાં જ. એક સાવ સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારમાં જન્મેલી દિવ્યા નાનપણથી જ ભણતરમાં જબરદસ્ત હોશિયાર હતી. દીકરી ભણવામાં હોશિયાર છે, તેનું ભવિષ્ય તો ઊજળું જ હોવાનું એમાં કોઈ શંકા નથી એવા વિશ્વાસ સાથે પરિવારે તેને ઉચ્ચતમ ભણતર મળે એવી તૈયારીઓ શરૂ કરી. દિવ્યા પણ દુનિયાને ચૅલેન્જ આપવા પહેલાં પોતાની જાતને જ ચૅલેન્જ આપવામાં માનતી હતી. ઘરની આર્થિક પરિસ્થિતિ જોઈને તેને એટલું તો સમજાઈ ગયું હતું કે ભણતર સિવાય બીજો કોઈ આરો નથી. બાળપણમાં ટ્યુશન ક્લાસિસમાં જવા માટે એક બસથી બીજી બસ કરતાં-કરતાં ૪ બસ બદલીને ઘરથી ટ્યુશન સુધી પહોંચતી. શા માટે? કારણ કે ડાયરેક્ટ રિક્ષા કરે તો પૈસા વધુ ખર્ચાય અને બસ બદલી કરતાં-કરતાં જઈએ તો સારાએવા પૈસા બચી જાય. આમ પરિસ્થિતિઓ સામે ગણતરીપૂર્વકની ગોઠવણ અને ગણતરીનો ગુણ તો પહેલેથી હતો જ. એમાં વળી ઉંમર વધતાં એક નિર્ધાર ઉમેરાયો - ભણીશ તો IIMમાં જ. દિવ્યાએ સૌથી પહેલો માઇલસ્ટોન ફાઇનૅન્સ ક્ષેત્રે સૌથી ઉચ્ચતમ ગણાતા ભણતરમાં હાંસલ કર્યો. ચાર્ટર્ટ અકાઉન્ટન્ટ તરીકેની ડિગ્રી મેળવી. હવે સમય હતો પોતાના બીજા નિર્ણયને સાકાર સ્વરૂપ આપવાનો - IIM. આખા ભારતમાં સૌથી પ્રેસ્ટિજિયસ ગણાતી અમદાવાદની IIMમાં ઍડ્મિશન લીધું અને શરૂ થઈ ભણતર સાથે ભણતરની જ હરીફાઈની. દર મહિને ખિસ્સાખર્ચી માટે ૧૦૦૦ રૂપિયા ઘરેથી મોકલવામાં આવતા. દિવ્યાએ એ ૧૦૦૦ રૂપિયામાં ખાવાનું, રહેવાનું મૅનેજ કરીને પોતાના ભણતરને ન્યાય આપ્યો. ફાઇનૅન્સની ઉચ્ચતમ ડિગ્રી CA તો તેની પાસે હતી જ. હવે મૅનેજમેન્ટનું ભણતર પણ એમાં સામેલ થઈ રહ્યું હતું. IIM દરમ્યાન દિવ્યાએ ફૂડ-બિઝનેસ પર કેસસ્ટડી કર્યો. એનો વિષય હતો વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહેલી વિદેશી ફૂડ-બ્રૅન્ડ્સ (સ્ટારબક્સ, KFC, મૅક્ડૉનલ્ડ્સ). જોકે IIMના આ ભણતર દરમ્યાન એક પ્રોફેસર કંઈક એવું બોલ્યા જેને કારણે દિવ્યાના દિમાગમાં એક વિચાર આકાર લેવા માંડ્યો. પ્રોફેસરે વિદેશી ફૂડ-બ્રૅન્ડ્સની વધતી લોકપ્રિયતા વિશે વાત કરતાં-કરતાં કહ્યું કે ‘ભારતીયો બેકાર છે. તેમની પોતાની આવી કોઈ બ્રૅન્ડ નથી.’ દિવ્યા તેમની આ વાતથી ભડકી ગઈ અને નિર્ધાર કર્યો કે ભવિષ્યમાં તે કશુંક એવું કરશે જેને કારણે એક ભારતીય બ્રૅન્ડ વિશ્વભરમાં જાણીતી હશે.

કૅફેની વચ્ચે આવેલો કૉમન એરિયા જ્યાં નાનકડો મેળાવડો પણ થઈ શકે એવી સ્પેસ છે.
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે અને મૅનેજમેન્ટના ભણતર દ્વારા સફળ કરીઅરની બાંયધરી પોતાને આપતાં દિવ્યાએ અમદાવાદ છોડ્યું. અમદાવાદ IIMની સ્કૉલર અને ઉપરથી CA. સ્વાભાવિક હતું કે શ્રેષ્ઠ નોકરી દિવ્યાના દરવાજે ડોરબેલ વગાડવાની હતી. દિવ્યાને વાઇટ કૉલર જૉબ, ડેઝિગ્નેશન અને બૅન્ક-ખાતાં છલકી પડે એવા પગારની નોકરી મળી પણ ગઈ.
જોકે આ નોકરી સાથે જ તેના જીવનમાં બીજી પણ એક ઘટના ઘટી. એ ઘટના એટલે કોઈક સાથે મુલાકાત. મેકૅનિકલ એન્જિનિયર થયેલી એક વ્યક્તિ જે પોતાની સારા પગારની નોકરી છોડીને એક સામાન્ય રેસ્ટોરાં ચલાવી રહી હતી. હા, તેની પાસે ફૂડ-ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો ૨૦ વર્ષનો અનુભવ હતો એની ના નહીં, પણ એ અનુભવ તેના આ રેસ્ટોરાંના બિઝનેસમાં ખાસ કંઈ મોટાં પરિણામો આપી રહ્યો નહોતો. ગમતું કરવાનો જઝ્બો ધરાવતી તે વ્યક્તિ એટલે રાઘવેન્દ્ર રાવ નામનો ઑન્ટ્રપ્રનર.
ઘણી વાર અડગ આત્મવિશ્વાસ, જાતે કંઈક કરવાની ભૂખ અને જોખમ ખેડી લેવાનો આંતરિક જઝ્બો અણધાર્યા માઇલસ્ટોન્સ રચી દેતો હોય છે. દિવ્યાના કિસ્સામાં પણ કંઈક આવું જ બન્યું, પણ આ માટે જવાબદાર બન્યો એક મિત્ર અને તેની સાથેની મિત્રતા. બસ, આ મિત્ર અને તેની મિત્રતા એટલે રાઘવેન્દ્ર રાવ. રાઘવેન્દ્ર રાવ આમેય ખાવાનો અને ખવડાવવાનો શોખીન હતો. તે તો નોકરી છોડીને પોતાની નાની રેસ્ટોરાં ચલાવી જ રહ્યો હતો. દિવ્યાને તેનું આ જોખમ અને તેનો રેસ્ટોરાંનો વિચાર ગમી ગયો. નક્કી કરી લીધું કે ભાડમાં જાય નોકરી, મારે પણ કશુંક પોતાનું શરૂ કરવું છે. એમાં વળી પેલા પ્રોફેસરની વાતો હજીયે તેના દિમાગમાં કોઈ મક્કમ નિર્ધાર તરીકે જડાયેલી હતી. વિચાર છે, હિંમત છે અને IIMની હોશિયારી પણ. ઘટે છે શું? સાથ આપવાવાળું કોઈક? તો મિત્ર રાઘવેન્દ્ર નજર સામે હતો.

કૅફેમાં બહાર આવેલી નાની ગૌશાળા.
રામેશ્વરમ કૅફેનો જન્મ
રાઘવેન્દ્ર અને દિવ્યાની મુલાકાત અને મિત્રતા ખરેખર જ બન્નેની જિંદગી અને વિશ્વમાં લાઇફ-ચેન્જિંગ મોમેન્ટ સાબિત થઈ. એક તરફ રાઘવેન્દ્રની રેસ્ટોરાં ચાલુ તો હતી પરંતુ ખાસ કંઈ મોટો બિઝનેસ કરી નહોતી રહી અને બીજી તરફ IIM સ્કૉલર દિવ્યા વિચારતી હતી કે કંઈક નવું કરવું છે, કંઈક ગમતું કરવું છે. મિત્ર રાઘવેન્દ્ર સામે હતો પણ ફૂડ-ઇન્ડસ્ટ્રીનો વિચાર હજી સામે આવ્યો નહોતો. એ કામ રાઘવેન્દ્રએ કર્યું. તેણે દિવ્યા સામે પ્રસ્તાવ મૂક્યો, આપણે ભેગા મળી એક કૅફે શરૂ કરીએ? દિવ્યાને તો જાણે ગમતું હતું અને વૈદ્યે કહ્યું. તેણે તરત મિત્રનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને નિર્ણય લેવાઈ ગયો. જોકે વિચાર્યા-મૂક્યા વિના એમ પોતે ઝટ નિર્ણય લઈ લે એથી શું? ઘરમાં તો કહેવું પડે, મંજૂરી લેવી પડે કે નહીં?
દીકરીએ ઘરે મા સામે વાત માંડી કે તે CAની નોકરી છોડીને રસ્તા પર નાની રેંકડી શરૂ કરવા વિચારે છે. કયાં મા-બાપ હા પડે? દિવ્યાની માએ પણ બીજાં ૯૯ ટકા મા-બાપ જેવું જ રીઍક્શન આપ્યું, ‘તારું દિમાગ ફરી ગયું છે? ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની આટલી સારી નોકરી છોડીને રસ્તા પર રેંકડી શરૂ કરવી છે? અમે લોકોએ અમારા પેટે પાટા બાંધીને IIM જેવું મોંઘું ભણતર એટલા માટે નથી ભણાવ્યું કે તું રસ્તા પર લોકોને દસ-વીસ રૂપિયામાં ઇડલી અને ઢોસા વેચે!’ પણ દિવ્યા ટસની મસ ન થઈ. માના ખિજાવાથી તેના વિઝન અને નિર્ણયમાં કોઈ ફરક ન પડ્યો. તેણે પોતાની માને કહી દીધું, ‘મારે પોતાનો બિઝનેસ જ કરવો છે, મારાથી નોકરી નહીં થાય!’
ઘરની આ રકઝક અને દિવ્યા-રાઘવેન્દ્રના નિર્ણયનું એ વર્ષ હતું ૨૦૨૧. બન્ને મિત્રોએ ૨૦૨૧માં ૩ મક્કમ નિર્ધાર સાથે બૅન્ગલોરના ઇન્દિરાનગરમાં ૧૦ બાય ૧૦ની એક નાની શુદ્ધ શાકાહારી રેસ્ટોરાં શરૂ કરી. આ ૩ નિર્ધાર એટલે ઉચ્ચ ગુણવત્તા, શુદ્ધ ઘી અને પ્રામાણિક દક્ષિણ ભારતીય નાસ્તો (પોડા ઇડલી અને ઢોસા). અને શરૂ થયું ‘રામેશ્વરમ કૅફે’.

સેલ્ફ-સર્વિસ કાઉન્ટર્સ.
બૉમ્બબ્લાસ્ટ પણ જરાય બ્રેક ન લગાવી શક્યો
બે વર્ષના સમયગાળામાં રામેશ્વરમ કૅફે એટલી પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા મેળવી ચૂક્યું હતું કે સવારના નાસ્તા માટે લોકો વેઇટિંગમાં ઊભા રહેતા હતા અને જમવા માટે ટેબલ ખાલી મળશે કે નહીં એની ઉતાવળ કરતા હતા. જોકે સફળતા પોતાની સાથે કસોટી પણ લઈને જ આવતી હોય છે. વર્ષ હતું ૨૦૨૪નું અને સમય હતો માર્ચ મહિનાની ગરમીના દિવસોનો લંચ-ટાઇમ. ૨૦૨૪ની પહેલી માર્ચના દિવસે રામેશ્વરમ કૅફેની બૅન્ગલોરની બ્રુકફીલ્ડ રેસ્ટોમાં એક અજાણ્યો વિધર્મી ગ્રાહક બનીને આવ્યો, ઑર્ડર આપ્યો અને પોતાનો ઑર્ડર સર્વ થાય એ પહેલાં પોતાની બૅગ રેસ્ટોરાંમાં જ છોડીને પલાયન થઈ ગયો અને પરિણામ એ અતિવ્યસ્ત રેસ્ટોરાંમાં બૉમ્બબ્લાસ્ટ જેમાં ૯ લોકો ઘાયલ થઈ ગયા. અચાનક જ ગ્રાહકોને ટેસ્ટી ખાવાનું પીરસતી રેસ્ટોરાંમાં પોલીસનો કાફલો ખડકાઈ ગયો અને ઇન્વેસ્ટિગેશનનો એક લાંબો દોર શરૂ થઈ ગયો.
સ્વાભાવિક છે કે આટલી મહેનતે જે રેસ્ટોરાંની આગવી છાપ અને લોકપ્રિયતા ઊભી કરી હતી એ જળવાશે કે નહીં એની ચિંતા દિવ્યા અને રાઘવેન્દ્ર બન્નેને સતાવવા માંડી હતી, કારણ કે આ સમય સુધીમાં બૅન્ગલોરની બેસ્ટ રેસ્ટોરાંમાં રામેશ્વરમ કૅફે પોતાનું નામ બનાવી ચૂક્યું હતું. દિવ્યા અને રાઘવેન્દ્રની પણ આ કેસમાં ખૂબ પૂછપરછ થઈ. લોકલ પોલીસથી લઈને NIA સુધીની ટીમ સામે બન્ને ઓનર્સ આખરે જવાબદેહી હતા, કારણ કે ગ્રાહકોની ભીડવાળી પોતાની રેસ્ટોરાંમાં કોઈ હરામખોર મુસ્લિમ આતંકવાદી બૉમ્બ મૂકી ગયો હતો. આ ઘટના રેસ્ટોરાં માટે એક ગંભીર અને અસ્તાચળ તરફ લઈ જનારી સાબિત થઈ શકી હોત, પરંતુ દિવ્યા અને રાઘવેન્દ્રએ તો પાછળ જોઈને ગભરાવાની કે રોકાઈ જવાની જગ્યાએ વધુ વેગવંત પગલાં માંડવાનો નિર્ધાર કર્યો. રામેશ્વરમ કૅફે હવે એ મુકામ પર પહોંચી ચૂક્યું હતું જ્યારે આ રેસ્ટોરાંમાં રીટેલ ગ્રાહકનાં દિવસનાં ૭૫૦૦ બિલ કપાતાં હતાં.
આજના જમાનામાં સૌથી સરળ છતાં સૌથી જટિલ અને સૌથી વધુ ફેલાતું હથિયાર કોઈ હોય તો એ છે સોશ્યલ મીડિયા. દિવ્યા અને રાઘવેન્દ્રએ એનો બખૂબી ઉપયોગ શરૂ કર્યો અને સોશ્યલ મીડિયા પર એક પછી એક પોસ્ટ્સ મૂકવા માંડી. લોકોમાં ક્વૉલિટી ફૂડ અને શાનદાર સર્વિસની વાતો ફેલાવતાં-ફેલાવતાં પોતાની નાનીઅમથી રેસ્ટોરાંનું એવું માર્કેટિંગ કરવા માંડ્યું કે જોતજોતામાં તો દિવ્યા-રાઘવેન્દ્રની જોડી અને તેમનું રામેશ્વરમ કૅફે વાઇરલ થઈ ગયાં. લોકો હવે રામેશ્વરમ કૅફે અને એનું ક્વૉલિટી ફૂડ જબરદસ્ત પસંદ કરવા માંડ્યા હતા. ૨૦૨૧માં શરૂ થયેલી આ રેસ્ટોરાં બીજાં બે વર્ષમાં તો પ્રગતિનાં એવાં પગથિયાં સર કરવા માંડી કે એકલા બૅન્ગલોરમાં જ ત્રણ-ત્રણ બ્રાન્ચ થઈ ગઈ. મહિને ૪.૫ કરોડ રૂપિયાનો બિઝનેસ અને વર્ષે ૫૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર. દિવ્યા અને રાઘવેન્દ્રની રેસ્ટોરાં હવે જબરદસ્ત ગતિ પકડી ચૂકી હતી.

બેસીને જમી શકાય એવી વિશાળ જગ્યા.
લોકો હવે રેસ્ટોરાં ખૂલે એ પહેલાં ત્યાંનું ટેબલ મેળવી લેવા લાઇન લગાવવા માંડ્યા હતા. વ્યસ્તતા માત્ર ખાવાની જ નહોતી. એ બધા ગ્રાહકોને પેટ અને મનથી સંતુષ્ટિનો અહેસાસ કરાવવા રામેશ્વરમ કૅફેનું કિચન પણ એટલું જ વ્યસ્ત રહેતું હતું. જોકે આટલી વ્યસ્તતા અને ભીડ વચ્ચે પણ દિવ્યા અને રાઘવેન્દ્રએ શરૂઆતથી એક નિયમ પાળ્યો. એ નિયમ એટલે હિન્દુ પ્રણાલી અનુસારની પૂજા અને અગ્નિનું આહવાન. રામેશ્વરમ કૅફેના દરેક કિચનમાં દિવસની ખાણી-પીણી બનવી શરૂ થાય એ પહેલાં રસોડાની પૂજા થતી. અગ્નિદેવનું આહવાન કરી ફૂલ-આરતી અને ધૂપસળી દ્વારા પૂજાવિધિ સંપન્ન કર્યા બાદ જ કૅફેનું કિચન શરૂ કરવામાં આવે છે. આ સિવાય રામેશ્વરમ કૅફેને બીજી અનેક રેસ્ટોરાંથી અલગ સાબિત કરતી ઓળખ છે ત્યાંની સાફસફાઈ, હાઇજીન અને ટેસ્ટ.
