Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ભગવાન વિષ્ણુએ વૃંદાના શ્રાપથી જ્યાં મુક્તિ મેળવી એ મુક્તિનાથ ધામે જઈએ

ભગવાન વિષ્ણુએ વૃંદાના શ્રાપથી જ્યાં મુક્તિ મેળવી એ મુક્તિનાથ ધામે જઈએ

Published : 24 May, 2026 12:20 PM | IST | Mumbai
Alpa Nirmal

ભારતના બધા પ્રદેશો અને વિસ્તારોમાં મંદિરોની સમૃદ્ધ વિરાસત આવેલી છે જે ઇતિહાસ, શ્રદ્ધા અને જાગૃતિનાં જીવંત પ્રમાણો છે. એમાંય અમુક દેવળો તો એમની પૌરાણિકતા, આધ્યાત્મિકતા અને ચૈતન્યતાને કારણે વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

બરફથી છવાયેલો મુક્તિનાથ મંદિર પરિસર

બરફથી છવાયેલો મુક્તિનાથ મંદિર પરિસર


વૈદિક ધર્મના અનુયાયીઓને વિદેશની ધરતી પર રહેલાં આ ૩ મુખ્ય સ્થાનની જાત્રા કરવાનું મન હોય છે : ચીનના તિબેટ પ્રાંતમાં આવેલું કૈલાસ-માનસરોવર, નેપાલના કાઠમાંડુનું પશુપતિનાથ મંદિર અને નેપાલના મુસ્તાંગ પ્રાંતમાં આવેલું મુક્તિનાથ મંદિર. પહેલાં બે સ્થાન ભોલેબાબાને સર્મપિત છે, જ્યારે મુક્તિનાથ ભગવાન વિષ્ણુનું દેવાલય છે. આજે પુરુષોત્તમ મહિનાનો બીજો રવિવાર છે ત્યારે ચાલો મુક્તિનાથની માનસયાત્રાએ. આ સ્થાન વૈષ્ણવ ધર્મનાં ૧૦૮ દિવ્ય દેશમનાં ૮ પવિત્ર તીર્થમાંનું એક હોવા સાથે નેપાલના ચારધામમાંનું પણ એક છે

ભારતના બધા પ્રદેશો અને વિસ્તારોમાં મંદિરોની સમૃદ્ધ વિરાસત આવેલી છે જે ઇતિહાસ, શ્રદ્ધા અને જાગૃતિનાં જીવંત પ્રમાણો છે. એમાંય અમુક દેવળો તો એમની પૌરાણિકતા, આધ્યાત્મિકતા અને ચૈતન્યતાને કારણે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જોકે આજે આપણે એક એવા મંદિરની જાત્રા કરવાની છે જે માત્ર એક તીર્થ નહીં પણ મોક્ષનું દ્વાર મનાય છે.



નેપાલનાં ચારધામ


ભારતની જેમ નેપાલમાં પણ ચારધામની યાત્રા કરવાને મહાપુણ્ય કાર્ય માનવામાં આવે છે. પશુપતિનાથ, મુક્તિનાથ, રિડી તથા બરહા ક્ષેત્ર આ મુખ્ય ૪ ધામ છે. રુરુક્ષેત્રમાં આવેલું રિડી કાલીગંડકી નદી પર આવેલું છે. અહીં વિષ્ણુ ભગવાન હૃષીકેશ સ્વરૂપે પૂજાય છે તો કોકા અને કોસી નદીના સંગમ પર આવેલા બરાહામાં વિષ્ણુ ભગવાનના વારાહ રૂપનું મંદિર છે.


રિડી ધામ.


પાડોશી દેશ નેપાલમાં આવેલું મુક્તિનાથ મંદિર વૈષ્ણવધર્મીઓનું તથા બૌદ્ધધર્મીઓનું પવિત્રતમ સ્થાનોમાંનું એક છે. નેપાલ સાઇડની ધૌલાગિરિ રેન્જના થોરૉન્ગ લા પર્વતોની તળેટીમાં આવેલું આ તીર્થ સમુદ્રની સપાટીથી ૧૨,૩૪૩ ફુટ ઊંચે છે. શ્રી વૈષ્ણવ સાહિત્યમાં આ તીર્થનું પ્રાચીન નામ ‘તિરુસાલક્કિરામમ’ બતાવાયું છે. એનો અર્થ થાય છે વિષ્ણુ ભગવાનના સ્વરૂપ સમાન શાલિગ્રામનું મંદિર. એ જ રીતે બૌદ્ધ ધર્મમાં આ ભૂમિ તિબેટમાં બૌદ્ધ ધર્મના સંસ્થાપક પદ્મસંભવની ધ્યાનસ્થળી ગણાય છે તથા ડાકિનિયોં (આકાશીય નર્તકી દેવો)નું નિવાસસ્થાન કહેવાય છે. જોકે અહીં આપણે એની વૈષ્ણવ પરંપરા સાથેના કનેક્શનની વાત કરીએ.

દેવી ભાગવતપુરાણ, બ્રહ્મ વૈવર્તપુરાણ અને શિવપુરાણમાં આલેખાયું છે કે વૃષધ્વજ નામના રાજા શિવજીના પરમ ભક્ત હતા. તેમની ભોલેબાબા પરની આસ્થા એટલી અપ્રતિમ હતી કે તેઓ અન્ય કોઈ દેવ-દેવીઓને પૂજ્ય ગણતા નહીં. રાજાની અન્ય દેવો પરની ઉદાસીનતાને કારણે એક ઘટનામાં વૃષધ્વજે સૂર્યદેવની ઉપેક્ષા કરતાં ગ્રહોના રાજા સૂરજે તેને દરિદ્રતાનો શ્રાપ આપ્યો અને દોમ-દોમ સાહ્યબીમાં રહેતો આ રાજવી અતિશય ગરીબ થઈ ગયો. કુટુંબની ગરીબાઈ નિવારવા રાજાના પૌત્રો ધર્મધ્વજ અને કુશધ્વજે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા કઠિન તપસ્યા કરી અને માતાએ વેદવતી તથા વૃંદા નામે એ પરિવારમાં દીકરીરૂપે અવતાર લીધો. એમાંથી વિષ્ણુ ભગવાનની પ્રખર અનુયાયી વૃંદા વિષ્ણુ ભગવાન સાથે લગ્ન કરવા માગતી હતી, પરંતુ તેના વિવાહ વિષ્ણુ ભગવાનના બીજા ભક્ત પણ અસુર જાલંધર (શંખચૂડ) સાથે થયા.


વૈષ્ણવ ધર્મમાં શાલિગ્રામ વિષ્ણુરૂપે પૂજાય છે જે ફક્ત ગંડકી નદીમાંથી નીકળે છે. મુક્તિનાથ ક્ષેત્રમાં વિવિધ પ્રકારના શાલિગ્રામનાં અનેક સંગ્રહાલયો પણ છે તથા દુકાનોમાં એ વેચાય પણ છે.

દાનવ શંખચૂડ વિષ્ણુજીનો પરમ ભક્ત હતો. તેણે પ્રભુની કઠોર સાધના કરી અજેય અને અમર રહેવાનું વરદાન પ્રાપ્ત કરી લીધું હતું. એ વરદાન દ્વારા તેણે ત્રણે લોક પર પોતાનું વર્ચસ જમાવી દીધું હતું. વળી પત્ની વૃંદાનો પતિવ્રતા ધર્મ શંખચૂડની શક્તિને વધુ તેજોમય બનાવી રહ્યો હતો. શંખચૂડ વિષ્ણુજીનો સાધક ખરો, પણ આખરે તો અસુર. એટલે સ્વર્ગલોકમાં તેનું આધિપત્ય હોવું વૈદિક પરંપરાથી વિરુદ્ધ હતું. તેથી દેવતાઓને સ્વર્ગલોકમાંથી પલાયન થવું પડ્યું. દેવોએ વિષ્ણુ ભગવાનને આ સમસ્યામાંથી છુટકારો અપાવવાની વિનંતી કરી. એ વખતે પૂર્ણ પુરુષોત્તમે શંખચૂડનું બળ તોડવાનું નક્કી કર્યું. એ માટે તેમણે જાલંધરની પત્ની વૃંદાની પવિત્રતા ભંગ કરીને શંખચૂડના સુરક્ષા-કવચને નષ્ટ કરવાનો કારસો રચ્યો. વિષ્ણુ ભગવાન શંખચૂડનો વેશ ધારણ કરીને વૃંદા પાસે ગયા. વૃંદાએ તેમને પતિ સમજીને પ્રભુના ચરણસ્પર્શ કર્યા ને ત્યાં તો યુદ્ધના મેદાનમાં રહેલા શંખચૂડનું કવચ હણાયું અને તે મૃત્યુ પામ્યો. આ બાજુ વૃંદાને આખા બનાવની જાણ થઈ અને ક્રોધે ભરાઈને તેણે વિષ્ણુ ભગવાનને તેની પવિત્રતા ખંડિત કરવા બદલ પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો અને ખરેખર સૃષ્ટિના સંરક્ષક શાલિગ્રામમાં પરાવર્તિત થઈ ગયા.

જોકે સંસાર ચલાવવા વિષ્ણુ ભગવાનનું સૃષ્ટિ પર સદેહે હોવું જરૂરી હતું. આથી માતા વૃંદાના શ્રાપથી મુક્ત થવા તેમણે હિમાલયની આ ચોટી પર વર્ષો સુધી તપ કર્યું અને વૃંદાના શ્રાપથી મુક્તિ મેળવી. આથી એ ભૂમિનું નામ પડ્યું મુક્તિનાથ.


શાલિગ્રામ વિષ્ણુની પ્રતિમા.

આઠમી સદીમાં શંકરાચાર્યે ભારતનાં પ્રાચીન તીર્થો અને પાવન ભૂમિના ભ્રમણ વખતે અહીં આવીને સાધના કરી અને મુક્તિનાથ મંદિરનું નિર્માણ કરીને શાલિગ્રામરૂપે વિષ્ણુજીને સ્થાપિત કર્યા. જોકે અન્ય મત પ્રમાણે મંદિર એ પૂર્વેનું છે. એટલે કોણે, ક્યારે એ બનાવ્યું હશે એ અનિશ્ચિત છે. જોકે નેપાલી પગોડા શૈલીમાં નિર્મિત વર્તમાનનું મંદિર ઈસવીસન ૧૮૧૫માં નેપાલી રાજા રાણા બહાદુર શાહનાં પત્ની સુવર્ણાપ્રભાદેવીએ બનાવડાવ્યું છે.

ત્રિમજલી મંદિરના ગર્ભગૃહમાં પદ્‍માસનમાં બેઠેલા વિષ્ણુ ભગવાનની તાંબાની મૂર્તિ છે તથા તેમની જમણી બાજુ સરસ્વતીમાતા (ભૂદેવી) અને ડાબી બાજુ લક્ષ્મીમાતા બિરાજમાન છે. ઉપરાંત આ નાનકડા મંદિરમાં ગણપતિ, ગરુડ, આચાર્ય રામાનુજ તથા બુદ્ધની મૂર્તિઓ તથા શાલિગ્રામ શિલા પણ ઉપસ્થિત છે. મુક્તિનાથ શબ્દનો અર્થ સ્પષ્ટ છે : જન્મ-મરણના ચક્કરમાંથી મુક્તિ અપાવતા સ્વામી. એ અન્વયે મોક્ષ મેળવવાની કામના કરતો દરેક સનાતની ભક્ત અહીંની યાત્રા કરવાનું લક્ષ્ય રાખે છે. મંદિર, દેવતા, આ ભૂમિ ઉપરાંત અહીં વહેતી ગંડકી નદી આપણી ગંગામૈયા જેવી જ પવિત્ર છે. મંદિરની ઊંચાઈ, વિષમ વેધર અને નદીના વહેણમાં ભક્તોને નહાવું શક્ય નથી. આથી મંદિરની ફરતે ત્રણેય બાજુની દીવાલ પર કુલ ૧૦૮ નાનાં ગૌમુખ બનાવાયાં છે જેમના મુખમાંથી જળધારા વહે છે. શ્રદ્ધાળુઓ આ મુક્તિધારાઓમાં સ્નાન કરીને પાપથી મુક્ત થાય છે. મંદિરની આગળની બાજુ બે કુંડ પણ છે જેમને સરસ્વતી તેમ જ લક્ષ્મી કુંડ કહે છે. ભાવિકો આ જળનું પણ આચમન કરે છે અને ભગવાન વિષ્ણુ પાસે મોક્ષ મેળવવાની યાચના કરે છે.


આ પરિસરમાં ભગવાન બુદ્ધનું સ્ટૅચ્યુ. 

આગળ કહ્યું એમ બૌદ્ધધર્મી ભાવિકો માટે પણ આ શ્રદ્ધેય સ્થાન છે. આથી આ મંદિરમાં બેઉ ધર્મના પૂજારીઓ વારાફરતી રહે છે. વહેલી સવારે હિન્દુ પૂજારી મંદિર ખોલીને ભગવાનની આરતી આદિ પૂજા કરે છે અને પછી આખો દિવસ અહીં બૌદ્ધ પૂજારી રહે છે. ફરી સાંજે હિન્દુ પ્રથા પ્રમાણે અહીં આરતી આદિ અર્ચના થાય છે અને મંદિર બંધ કરવામાં આવે છે. અલબત્ત, બેઉ પંથના ભાવિકો આખા દિવસ દરમ્યાન અહીં દર્શન કરી શકે છે. એમાં સમયની વહેંચણી નથી. મુક્તિનાથ ક્ષેત્રની ગણના પવિત્ર ૫૧ શક્તિપીઠોમાં પણ થાય છે. કહેવાય છે કે ભગવાન શિવનાં પહેલાં પત્ની માતા સતીનો જમણો ગાલ આ ભૂમિ પર પડ્યો હતો. મંદિર પરિસરમાં મુક્તેશ્વર મહાદેવનું શિવાલય પણ છે જ્યાં માતાની મૂર્તિ સહિત શિવલિંગ સ્થાપિત છે. એ જ રીતે સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે આ તીર્થ શ્રદ્ધાનું સ્થાન છે. સંપ્રદાયના સ્થાપક સ્વામીનારાયણ નીલકંઠવર્ણી સ્વામી અઢારમી શતાબ્દી દરમ્યાન અહીં આવ્યા હતા અને ૨૧ દિવસ સુધી આ ધરતી પર એક પગે ઊભા રહીને ગહન તપસ્યા કરી હતી. મંદિરથી થોડે આગળ સ્વામીજીની નાની મૂર્તિ અને વિષ્ણુ પાદુકા ધરાવતી એક નાનકડી દેરી પણ છે.

ચારે બાજુ બરફથી ઢંકાયેલી અન્નપૂર્ણા અને ધૌલાગિરિ પર્વતની શૃંખલાઓ, હૃષ્ટપુષ્ટ ગંડકી નદી, કોલ્ડ ડેઝર્ટ, બંજર પહાડો, બે લગામ પવન બહુ મનોરમ દૃશ્યો ઊભાં કરે છે. જોકે અહીં જવું અને રહેવું ભક્તો માટે ચૅલેન્જિંગ બની રહે છે, કારણ કે આટલી ઊંચાઈ હોવાથી વાતાવરણ ઠંડું તો રહે છે સાથે ઑક્સિજનની કમી પણ રહે છે. છતાં જૂન, જુલાઈ, ઑગસ્ટ (વરસાદના મહિનાઓ) તથા નવેમ્બર, ડિસેમ્બર સિવાયના ૭ મહિના દરમ્યાન અહીં મોટી માત્રામાં ભારતીય યાત્રાળુઓ આવે છે. એક નેપાલી ટ્રાવેલ એજન્ટના કહેવા પ્રમાણે આ વખતે વેકેશન દરમ્યાન અધિક મહિનો આવવાથી ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ યાત્રિકો અહીં આવી રહ્યા છે. એમાંય દક્ષિણ ભારતીયોની સંખ્યા વિપુલ છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

 હોઈશો-હોઈશો યાત્રા કરવાને બદલે આ તીર્થક્ષેત્રની શાંતિથી યાત્રા કરવી યાત્રાળુ અને પર્યાવરણ માટે હેલ્ધી બની રહે છે. ધીરે-ધીરે પર્વતોની ઊંચાઈએ પહોંચતાં શરીર એ વાતાવરણ સાથે સહેલાઈથી ટેવાય છે અને યાત્રા સુગમ બની રહે છે. છતાં વાતાવરણમાં ઑક્સિજનની કમીને કારણે બ્રેધલેસનેસ, ચક્કર આવવાં, માથું દુખવું, ઊલટી થવી સ્વાભાવિક છે.

ચાહે કોઈ પણ મહિનામાં જાઓ, અહીંની ઠંડી કાતિલ જ હોય છે. આથી ઠંડીથી બચાવે એવાં કપડાં જરૂરી છે. પોખરામાં જૅકેટ, શૂઝ, ગ્લવ્ઝ ઉપરાંત ઠંડીથી રક્ષણ કરે એવાં અન્ય સાધનો ભાડા પર મળે છે એ પણ લઈ શકાય. સૂરજદાદા પૂર્ણ પ્રકાશિત હોય, તડકો સોળે કળાએ ખીલ્યો હોય છતાં જૅકેટ, માસ્ક વગેરે પહેરવું હિતાવહ રહે છે. અન્યથા અહીંનો સૂકો પવન ચામડી ચીરી નાખે છે.


નરસિંહ ગોમ્પા

મુક્તિનાથ મંદિર અન્નપૂર્ણા સંરક્ષણ ક્ષેત્ર પરિયોજના (ACAP)માં છે. આથી અહીં જવા કાઠમાંડુ અથવા પોખરાથી પરમિટ લેવી આવશ્યક છે જે સહેલાઈથી મળી જાય છે. હવે ઑનલાઇન ઈ-પરમિટ પણ શરૂ થઈ છે.

આમ તો મુક્તિનાથ મંદિરની આસપાસ વધુ સમય વિતાવી શકાય એવી શારીરિક શક્તિ બહુ ઓછી વ્યક્તિઓની હોય છે. એટલે એની આજુબાજુમાં ફરવું શક્ય નથી હોતું. છતાં વિષ્ણુ મંદિર ઉપરાંત અહીં નરસિંહ ગોમ્પા છે જે બૌદ્ધ ગુરુ પદ્મસંભવને સર્મપિત છે તથા જ્વાલા માઈ મંદિર છે. આ મંદિરમાં પ્રાકૃતિક ગૅસથી નિરંતર બ્લુ રંગની જ્વાળા જલતી રહે છે. હિન્દુધર્મી આ જ્વાળાને બ્રહ્માજી દ્વારા અર્પિત ભેટ માને છે અને શ્રદ્ધાથી અહીં દર્શન કરવા આવે છે.

હેલિકૉપ્ટર કે જીપ દ્વારા મુક્તિનાથ દ્વાર સુધી આવ્યા બાદ પણ ૧૩૦ પગથિયાં ચડવાં પડે છે. જોકે એ માટે ડોલી પણ ઉપલબ્ધ છે.


જ્વાલા માઈ મંદિર

મુક્તિનાથની યાત્રા પહેલાંની સરખામણીએ સાવ સરળ બની ગઈ છે. તમે મુંબઈથી આજે જાઓ તો બીજા દિવસે ઘરે પાછા આવી શકો એવી ઝડપી યાત્રા થઈ શકે છે. જોકે માનવનો આ ફાસ્ટ-ફાસ્ટ કરવાનો સ્વાભાવ જ ત્યાંના વાતાવરણ અને પર્યાવરણ માટે જોખમી બની રહ્યો છે. ખેર, એ વિશે વધુ વાત ન કરતાં આપણે મુક્તિનાથ કઈ રીતે જવાય એ વાત કરીએ. જો તમે ભારતના કોઈ પણ શહેરથી હવાઈમાર્ગે જાઓ છો તો કાઠમાંડુ લેન્ડ થવું પડે છે. ત્યાંથી ૨૦૦ કિલોમીટરની પહાડી યાત્રા કરીને પોખરા પહોંચવાનું રહે છે. પોખરા મુક્તિનાથ માટેનું લેન્ડિંગ પૉઇન્ટ છે. ભારતની ઉત્તરીય સીમાથી બાય રોડ નેપાલમાં એન્ટર થનારા યાત્રાળુઓ ડાયરેક્ટ પોખરા જઈ શકે છે. પોખરાથી ચાર પ્રકારે મુક્તિનાથ જવાય છે : હેલિકૉપ્ટર, વિમાની સેવા, જીપ કે બસ અને પગપાળા. ઍડ્વેન્ચરના શોખીનો અને અનુભવીઓ પોખરાથી સાતથી ૧૦ દિવસનું પહાડી ચડાણ કરીને મુક્તિનાથબાબાનાં દર્શન કરે છે તો બજેટેડ યાત્રાળુઓ જીપ-બસ દ્વારા આઠથી ૧૦ કલાકની યાત્રા કર્યા બાદ મુક્તિનાથની તળેટીએ પહોંચે છે. પછી બીજા દિવસે લગભગ સાડાત્રણસોથી ૪૦૦ સીડી ચડી ભગવાન વિષ્ણુના દીદાર કરે છે. હેલિકૉપ્ટર તો તમને કાઠમાંડુ તેમ જ પોખરાથી સેમ ડે યાત્રા કરાવીને પાછા લાવી દે છે, પણ જો યાત્રાને અવિસ્મરણીય બનાવવી હોય તો પોખરાથી જોમસમ શહેરની ફ્લાઇટ લેવાય. ૧૮ સીટવાળું નાનું પ્લેન હિમાલયનાં એવાં સુંદર દર્શન કરાવે છે જે ક્યારેય ભૂલી નહીં શકાય. વળી જોમસમ ઍરપોર્ટ પર પ્લેનનું લેન્ડિંગ પણ રોમાંચક છે. જો શરીર અને પગ મજબૂત હોય તો અન્નપૂર્ણા ક્ષેત્રના લીલાછમ પહાડો, પહાડી ગામો, ગંડકી નદીનો વેરાન પટ, સમુદ્રની સપાટીથી ૧૩,૦૦૦ ફુટ ઊંચે આવેલા રણપ્રદેશનો લુત્ફ ઉઠાવતાં-ઉઠાવતાં એક-બે દિવસનું ટ્રેકિંગ કરી મુક્તિનાથના દ્વારે પહોંચી નાથને મત્થા ટેકવા જવાય. આ યાત્રા પ્રભુની નિકટ તો લાવે છે સાથે પ્રકૃતિનાં અવનવાં રૂપ અનુભવવાનો મોકો પણ આપે છે. જોમસમ, મુક્તિનાથ દ્વાર, ઘાસામાં નાની-મોટી હોટેલો અને હોમસ્ટે છે જેમાં ભારતીય તથા કૉન્ટિનેન્ટલ ખાવાનું મળી રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2026 12:20 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK