ઝારખંડના રાંચીમાં આવેલું પહાડી બાબાનું શિવમંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી. આઝાદી પહેલાં શહીદોની યાદમાં બનેલા આ મંદિરે 1947ની મધરાતે તિરંગો ફરકાવ્યો હોવાની સ્થાનિક પરંપરા છે અને આજે પણ 15 ઑગસ્ટ તથા 26 જાન્યુઆરીએ અહીં ધ્વજવંદન થાય છે.
આઝાદી પછી સૌથી પહેલાં અહીં લહેરાયો હતો ભારતનો ઝંડો
હજી પણ દર વર્ષે આ મંદિરના શિખરે ૧૫ ઑગસ્ટે તથા ૨૬ જાન્યુઆરીએ ત્રિરંગો ફરકાવીને ધ્વજવંદન થાય છે. ઇન ફૅક્ટ, પહાડી મંદિર તરીકે જાણીતી રાંચી શહેરની મધ્યમાં આવેલી આ ટેકરી અંગ્રેજોના સમયમાં ફાંસી કી ટુંગરી નામે ઓળખાતી હતી, કારણ કે અંગ્રેજોએ ટેકરીની ટોચે કેટલાક સ્વતંત્રતાસેનાનીઓને ફાંસી આપી હતી. આ શહીદોના સન્માનમાં ૧૯૪૭ની ૧૪ ઑગસ્ટ પૂરી થયા પછી મધરાતે જ રાંચીના કે. સી. દાસ નામના ફ્રીડમ-ફાઇટરે અહીં ત્રિરંગો ફરકાવ્યો હતો
ભારતની ભૂમિ અનેક સરપ્રાઇઝથી ભરેલી છે. અહીં દરેક ૧૦૦ કિલોમીટરે ભાતીગળ સંસ્કૃતિ શ્વસે છે, કહાનીઓ વેરાયેલી છે અને પ્રકૃતિ પણ અવનવા રૂપે પથરાયેલી છે. એ જ તરજ પર આ ઇન્ક્રેડિબલ ઇન્ડિયાનાં પૌરાણિક, પ્રાચીન, અર્વાચીન મંદિરોની પણ આગવી મહત્તા છે, પહેચાન છે, વિશેષતા છે. ક્યાંક સ્વયં ઈશ્વરે એ ભૂમિ પર પગલાં પાડી પોતાના હસ્તાક્ષર કર્યા છે તો કોઈ-કોઈ મંદિરનું અદ્ભુત અને અકલ્પનીય આર્કિટેક્ચર અભિભૂત કરી દે એવું સત્ત્વશાળી છે. વળી અમુક મંદિરોની અનોખી પૂજાપદ્ધતિ કે ખાસિયતો એ ધાર્મિક સ્થાનને ખાસ બનાવી દે છે.
ગઈ કાલે જ આપણે આઝાદી પર્વના લાડવા ખાધા એ નિમિત્તે આજે જઈએ ઝારખંડના પાટનગર રાંચીના એવા શિવાલયે જ્યાં આઝાદી મળ્યા બાદ દર સ્વતંત્રતાદિવસ અને પ્રજાસત્તાકદિવસે મંદિરના શિખરે ગૌરવવંતો ત્રિરંગો ફરકાવવામાં આવે છે. આપણાં રાષ્ટ્રીય પર્વોના દિવસે અનેક મંદિરોમાં ઝંડાના રંગો મુજબનું ડેકોરેશન થવું કે ભગવાનનો એવો શણગાર થવો કૉમન વાત છે, પરંતુ વિશ્વનાં માત્ર બે ધર્મસ્થળો જ્યાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાતો હોય એમાં રાંચીનું પહાડી બાબાનું શિવાલય સ્થાન પામે છે. શિવપર્વ અને આઝાદીપર્વના સહિયારા તહેવારે આજનું તીર્થાટન રાંચી નગરે.
સૌપ્રથમ વાત કરીએ ઝારખંડ રાજ્યની. પચીસ વર્ષ પહેલાં પૂર્વીય ભારતની આ ભૂમિ બિહાર રાજ્યનો એક ભાગ હતી અને અત્યંત બિછડા હુઆ ઇલાકા થી. આમેય બિહાર ગુંડાગીરી અને બેફામ ભ્રષ્ટાચારને કારણે કુખ્યાત હતું જ. એમાં રાજ્યનો આ ભૂમિભાગ તો સાવ જ ઉપેક્ષિત. એક કાળમાં સુવર્ણ ઇતિહાસ ધરાવતા આ પ્રદેશમાં ઇન્ડસ્ટ્રીના નામે ફક્ત ખનનકાર્ય થતું. ખેર, ૨૦૦૦ની સાલમાં અલગ સ્ટેટનો દરજ્જો પ્રાપ્ત કર્યા બાદ પણ નોંધપાત્ર કહી શકાય એવું ડેવલપમેન્ટ નથી થયું છતાં પરિસ્થિતિ પહેલાં કરતાં ઘણી-ઘણી બેટર છે.
હવે આવીએ અહીંની રાજધાનીએ. હેલિકૉપ્ટર શૉટ માટે પ્રખ્યાત કૅપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીના હોમટાઉન રાંચીની સ્થાપના આમ તો ૧૮૩૩માં થઈ, પરંતુ છેક ૧૪૦૦ વર્ષ પૂર્વેનાં માટી અને લાવામાંથી બનેલાં વાસણો તથા ઓજારો અહીંથી પ્રાપ્ત થયાં છે. એ પછી નદીઓ, જંગલો, વનરાઈ, જળપ્રપાતોથી સમૃદ્ધ આ વિસ્તાર અનેક રાજવંશોને આધીન રહ્યો. એ દરમ્યાન સોળમી સદીના અંતમાં અહીં જગન્નાથ મંદિર બન્યું. એ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની કલકત્તાથી આગળ વધીને આ પ્રદેશમાં આવી. ૧૮૪૩માં કૅપ્ટન વિલ્કિન્સને બાકાયદા આ ગામનું નામ રાંચી પાડ્યું. ફરી પચાસ વર્ષનો લાંબો ગાળો વીતી ગયો અને રાંચીમાં એક બ્રિટિશ જિયોલૉજિસ્ટની બદલી થઈ. આ ભૂસ્તર વૈજ્ઞાનિકને અહીં ભ્રમણ કરતાં-કરતાં એક પહાડી નજરે ચડી જેને સ્થાનિક લોકો રિચીબુરુ કહેતા. જોકે જંગલનો અંતરિયાળ વિસ્તાર અને વસ્તી નહીંવત્ એટલે અહીં કોઈ રહેતું નહોતું. જોકે પહાડીની ટોચે એક નાગબાબાનું નાનું મંદિર હતું અને એની પછીતે નાગબાબાની ગુફા હતી જેમાં ૧૧ જોડી પદચિહ્નો હતાં. જંગલમાં રહેતા આદિવાસીઓ, નાગવંશીય લોકો અહીં વારેતહેવારે દર્શન કરવા આવતા.
જિયોલૉજિસ્ટે સમથળ સપાટી પર રહેલી આ ડુંગરીના ભૂસ્તરની તપાસ કરી ત્યારે તેને ખબર પડી કે આ તો ખોંડાલાઇટ ચટ્ટાન છે જે ભૂમિગત હલનચલન દરમ્યાન આજુબાજુની જમીનથી ઊંચી ઊપસી આવી છે. ટેકરીની આ સ્પેશ્યલિટી જાણીને બ્રિટિશ કમિશનર પી. થૉમસને પાલકોટ રાજાની આ પ્રાઇવેટ પહાડી તેમની પાસેથી ખરીદી લીધી. પહાડી મંદિર વિકાસ સમિતિના ફાઉન્ડર મેમ્બર દયાશંકર શર્માજી ‘મિડ-ડે’ને કહે છે, ‘એ ટેકરી ખરીદ્યા પછી અહીં રહેતા અંગ્રેજ ઑફિસરો તથા જિયોલૉજિસ્ટ ઘોડેસવારી કરીને ટેકરીની ટોચે જતા અને દારૂ પીતા તથા શિકાર કરતા. નાગવંશીઓ માટે તો આ અત્યંત પૂજનીય જગ્યા હતી. ત્યાં આવું કાર્ય થતાં એ લોકોને બ્રિટિશરો સામે અત્યંત રોષ હતો. વળી અંગ્રેજ જિયોલૉજિસ્ટ ત્યાં હિલ-સ્ટેશન ડેવલપ કરી રહ્યો હતો જે પરદેશી ઑફિસરો માટે રેક્રીએશન સ્થળ બની રહે. જોકે તેનું સપનું પૂરું ન થયું, કારણ કે સ્થાનિક સમુદાયે એનો સખત વિરોધ કર્યો હતો.’
દયાશંકર શર્માજી આગળ કહે છે, ‘એ સમયે આ પ્રદેશમાં સ્વતંત્રતા મેળવવાની ચળવળ પુરબહારમાં ચાલતી હતી. દરેક યુવાન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ કાર્યમાં જોડાયેલો હતો. આઝાદી ઝંખતા આ યુવાનો અંગ્રેજ સરકારની આંખોમાં કણાની જેમ ખૂંચતા. તેમને ઢોરમાર મારવો, ફાંસીએ ચડાવવા સામાન્ય વાત હતી. અહીં એવા સેંકડો શહીદ સેનાનીઓ હતા જેમની નોંધ આપણા ઇતિહાસમાં ક્યાંય નથી.’
તો આ ડુંગરી ઉપર ફાંસીની સજા અપાતી હતી? એ પ્રશ્નના જવાબમાં દયાશંકરજી કહે છે, ‘જુઓ એનું કોઈ ડૉક્યુમેન્ટેશન નથી, પરંતુ લોકો કહે છે. વળી આ જગ્યાને ‘ફાંસી કી ટુંગરી’ કહેવાતી એટલે ફાંસી અપાઈ હોય એ વાત નકારી ન શકાય, પરંતુ પ્રમાણ ન હોવાથી સાબિત પણ ન કરી શકાય.’
ખરેખર, હજારો નામી-અનામી જુવાનિયાઓનાં રક્ત રેડાયાં છે, જાન લેવાયા છે ત્યારે આપણને આ સ્વતંત્રતા સાંપડી છે એમ જણાવીને દયાશંકર શર્માજી આગળ કહે છે, ‘તેમને દિલથી નમન કરી આપણે આગળ વધીએ મંદિર તરફ. ૧૯૪૫ની આસપાસ અંદરખાને નક્કી થઈ ગયું હતું કે હવે અંગ્રેજોએ બૅકફુટ થવું જ પડશે. એટલે સ્થાનિક સ્વતંત્રતાસેનાનીઓએ અહીંના શહીદોના માનમાં ફાંસી કી ટુંગરી પર મંદિર બનાવવાનું નક્કી કર્યું. એ માટે પૈસા તો હતા નહીં કે નહોતાં પૂરતાં સાધનો. આથી એ જૂથે ઘરે-ઘરે ફરીને દાન ઉઘરાવ્યું. કોઈએ સોનું આપ્યું તો કોઈએ ચાંદી, તાંબું, પિત્તળ. અરે, ઘણાએ શ્રમદાન કર્યું અને ૧૯૪૬ના અંતમાં અહીં મંદિર ઊભું થઈ ગયું. એ ભાવિકોએ જ મંદિરમાં ભોલેનાથને પ્રતિષ્ઠિત કર્યા. આ લિંગની નીચેનો ભાગ પથ્થરનો છે, જ્યારે લિંગ અષ્ટધાતુનું છે. એક અપેક્ષાએ આ શિવમંદિર ખરું, પણ અન્ય દૃષ્ટિએ એ દેશપ્રેમીઓનું મિલનસ્થળ બની ગયું હતું. દરરોજ સાંજે આઝાદીપ્રેમીઓ અહીં ભેગા થતા, કૈલાસપતિની પૂજા કરતા અને સાથે એ દિવસે દેશમાં શું થયું, આપણે શું કરીએ એ વિશે ચર્ચા કરતા. એમાં જ તેમને ૧૯૪૭ના મે મહિનામાં સમાચાર મળ્યા કે ૧૪-૧૫ ઑગસ્ટે ભારતદેશ સ્વતંત્ર થઈ જશે. એટલે અહીં તો ઉત્સવનો માહોલ ઊભો થઈ ગયો અને સ્થાનિકો આ નિમિત્તે આપણે શું કરીએ એની ચર્ચામાં લાગી ગયા. વિચારતાં-વિચારતાં અગ્રણીઓને આઇડિયા આવ્યો કે આપણે મંદિરના શિખરે તિરંગો ફરકાવીએ. પછી તો રેટિંયા વડે સૂતીનો ઝંડો કંતાયો. લીલી વનસ્પતિ અને પાન વડે એનો નીચેનો ભાગ લીલા રંગે અને સંતરાનાં છોતરાં, ફૂલો વડે ઉપરનો ભાગ કેસરી રંગે રંગાયો. બાજુના ગામમાંથી મોટો લોખંડનો સળિયો લઈ આવ્યા અને ૧૪ ઑગસ્ટની સાંજથી રાંચીમાં રહેતા બધા સમુદાયના લોકો વિવિધ વાદ્યો લઈ ભેગા થઈ ગયા અને જુલૂસરૂપે પહાડી પર ગયા. રેડિયો પર જેવા સમાચાર પ્રસારિત થયા એ જ ઘડીએ રાંચીના અગ્રેસર સ્વતંત્રતાસેનાની તેમ જ અન્ય પાંચ દેશપ્રેમીઓએ મળીને મંદિરના શિખર પર મધરાતે ત્રિરંગો લહેરાવ્યો અને રાષ્ટ્રગીતનું પઠન થયું.’
એ સમયે ટીવી તો હતાં જ નહીં. વળી રાંચીના અંતરિયાળ વિસ્તારમાં કાંડાઘડિયાળ હોવી પણ દુર્લભ કહેવાતું. એટલે ચોક્કસ સમયની ખબર નથી, પરંતુ ભારતનો તિરંગો પહેલવહેલો અહીં લહેરાયો એ પાકું છે, કારણ કે ઇતિહાસ નોંધે છે કે પહેલી વાર સાર્વજનિક રૂપથી ભારતીય ધ્વજ ૧૯૪૭ની ૧૫ ઑગસ્ટે સાંજે દિલ્હીના પ્રિન્સેસ પાર્કમાં ફરકાવાયો હતો અને લાલ કિલ્લા પર ૧૬ ઑગસ્ટની સવારે.
વેલ, રગ-રગમાં દેશદાઝ જગાવી દેતું આ પહાડી મંદિર આજે પણ એ જ સ્થળે છે. જોકે સમયે-સમયે એનો વિસ્તાર થયો છે. હવે અંદર નાગનાથ ઉપરાંત કાલીદેવી, હનુમાનજી, દુર્ગામાતા તેમ જ નૂતન નાગમંદિર છે. દરેક શિવમંદિરની જેમ અહીં મંગલા આરતી, શૃંગાર, ભોગ તથા શયન આરતી કરવામાં આવે છે. શિવરાત્રિ તથા શ્રાવણ મહિનામાં હજારોની સંખ્યામાં ભક્તો મહાકાલનાં દર્શનાર્થે આવે છે.
ADVERTISEMENT
પૉઇન્ટ્સ ટુ બી નૉટેડ
પહાડી મંદિર ૩૫૦ ફુટ ઊંચી ટેકરી પર છે અને ચડવા માટે પાકાં અને પહોળાં પગથિયાં છે. વળી રસ્તામાં વૉટરકૂલર, શેડ્સ તથા ટૉઇલેટ અને લાઇટની સુવિધાઓ છે એટલે એ ૪૫૦ દાદરા ચડવા સહેલા પડે છે.
એક સમયે નિર્જન ગણાતો આ વિસ્તાર હવે શહેરની મધ્યમાં થઈ ગયો છે. આથી અહીં વહેલી સવારથી રાત સુધી ભક્તોનું આવાગમન ચાલુ રહે છે. મંદિર સવારે પાંચથી એક અને બપોરે બે વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લું રહે છે.
એક સમાચારપત્રના રિપોર્ટ મુજબ શિવરાત્રિએ અહીં લાખો લોકો આવે છે. એ દિવસ ઉપરાંત દરરોજ અહીં દેશી-વિદેશી ફૂલો વડે શિવલિંગનો અદ્વિતીય શણગાર થાય છે.
કેવી રીતે જવાય?
મુંબઈથી રાંચી જવા ડાયરેક્ટ ફ્લાઇટ અને ટ્રેન છે. ઍરપોર્ટથી મંદિરનું ડિસ્ટન્સ ૮ કિલોમીટર છે અને રેલવે-સ્ટેશન પાંચ કિલોમીટરના અંતરે છે. રાંચી ટૉપ ટેન સ્માર્ટ સિટીની સૂચિમાં આવ્યું હોવાથી છેલ્લા દાયકામાં શહેરમાં દરેક બજેટની અનેક હોટેલો અને રેસ્ટોરાં ખૂલ્યાં છે એટલે રહેવાનો અને જમવાનો કોઈ પ્રૉબ્લેમ નથી. રાચીનાં અન્ય મંદિરોમાં ચુટિયા રામ અને શિવમંદિર તથા જગન્નાથ મંદિર ૪૦૦ વર્ષ પ્રાચીન છે તો મા દેવરી મંદિર અને કાલી મંદિર ખૂબ સુંદર છે. એ ઉપરાંત અહીંનું સન ટેમ્પલ, શ્રી શ્યામ મંદિર, શ્રી પંચમુખી મંદિર પ્રખ્યાત હોવા સાથે લોકપ્રિય પણ છે.
રાંચીમાં એક શહીદચોક પણ છે
ઇતિહાસકારો નોંધે છે કે પહાડી મંદિરથી દોઢ કિલોમીટર દૂર આવેલા શહીદચોક પર પણ અનેક સ્વતંત્રતાસેનાનીઓને ફાંસી અપાઈ છે. શૂળીએ ચડાવ્યા બાદ અંગ્રેજો શહીદોના મૃત શરીરને ચોકની બાજુમાં આવેલા કૂવામાં ફેંકી દેતા. એ કૂવો આજે પણ મોજૂદ છે. વળી એમાં પાણી પણ છે.
પહાડી મંદિરની પાછળની બાજુએ આવેલી ગુફામાં રહેલાં પગલાંના પથ્થરનું કાર્બન ડેટિંગ કરતાં એ ૧ લાખ ૮૪ હજાર વર્ષ પૂર્વેનાં જણાઈ આવ્યાં છે.
ફ્લૅગ-હૉઇસ્ટિંગની પરંપરા આજે પણ એ જ રીતે થાય છે. કોઈ રાજકીય વ્યક્તિ નહીં પણ મંદિરના કમિટી મેમ્બરો, કાર્યકરો અને ભક્તો દ્વારા ધ્વજવંજન કરવામાં આવે છે. સવારના સૂર્યોદય સમયે થતી આ વિધિમાં ભારતીય ધ્વજ મંદિરના મુખ્ય શિખર પર ધર્મધ્વજની બાજુમાં લહેરાવવામાં આવે છે અને સંવિધાનના નિયમ મુજબ સૂર્યાસ્ત પહેલાં સન્માનપૂર્વક ઉતારી લેવામાં આવે છે. સેંકડો શિવભક્તો અને દેશભક્તો આ સમારોહમાં ઉપસ્થિત રહે છે.
