Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > હિમાચલ પ્રદેશની પાંચ પાવરફુલ શક્તિપીઠોમાંથી નૈનાદેવી મંદિરમાં સતી માતાનાં નયન પડ્યાં હતાં

હિમાચલ પ્રદેશની પાંચ પાવરફુલ શક્તિપીઠોમાંથી નૈનાદેવી મંદિરમાં સતી માતાનાં નયન પડ્યાં હતાં

Published : 21 December, 2025 03:05 PM | IST | Mumbai
Alpa Nirmal

આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં રાજ્યના ચીફ મિનિસ્ટરે શ્રી નૈનાદેવીજી ટેમ્પલ કૉમ્પ્લેક્સના બ્યુટિફિકેશન તથા ડેવલપમેન્ટ માટે ૧૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ જાહેર કરી છે.

પ્રકૃતિના ખોળે આવેલું મંદિર પરિસર.

તીર્થાટન

પ્રકૃતિના ખોળે આવેલું મંદિર પરિસર.


મા ચિત્તપુર્ણી, મા જ્વાલા, વ્રજેશ્વરીદેવી (કાંગડાદેવી), ચામુંડાદેવી અને નૈનાદેવી - હિમાચલ પ્રદેશની આ પાંચેય મહાદેવીઓ પ્રભાવશાળી હોવા સાથે તેમનું કનેક્શન પૌરાણિક કાળ સાથે છે. બિલાસપુર જિલ્લામાં બિરાજતાં શ્રી નૈનાદેવીજી માટે કહેવાય છે કે આ સ્થાન છે જ્યાં મહિષાસુરનો વધ કરવા આદિશક્તિ દુર્ગા ભવાની પ્રગટ થયાં હતાં

ગયા અઠવાડિયે ‘ધુરંધર’ ફિલ્મની સફળતા પછી ડિરેક્ટર આદિત્ય ધર અને ઍક્ટ્રેસ પત્ની યામી ગૌતમ શ્રી નૈનાદેવીજીનાં દર્શન કરવા ગયેલાં. વળી, ૧૬ અને ૧૭ ડિસેમ્બરે શ્રી નૈનાદેવીજી મંદિર ટ્રસ્ટનાં ૪૦ વર્ષ પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી પણ થઈ છે તો ત્યારે ચાલો આજે જઈએ કડકડતી ઠંડીમાં હિમાચલની ગોદમાં સ્થિત નૈનાદેવી માતાના શરણમાં. આદ્યશક્તિને સમર્પિત કોઈ પણ મઢ, મંદિર કે પીઠમાં દર્શન કરવાથી ભક્તોનાં તન-મનમાં આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થઈ જાય છે. અહીંની પૉઝિટિવ વાઇબ્સ એવી ચુંબકીય હોય છે કે શ્રદ્ધાળુઓ વારંવાર માઈનાં દર્શને ખેંચાઈ આવે છે. આવી શ્રદ્ધાનું જીવંત ઉદાહરણ છે હિમાચલ પ્રદેશની પાંચ શક્તિપીઠો. ગાત્રો ‌થિજાવી દે એવી ઠંડી હોય કે પહાડોનો તોફાની વરસાદ કે પછી ભક્તોની ભારી ભીડ; કોઈ પણ બાહ્ય પરિબળ દર્શનાર્થીઓને સ્પર્શતું નથી. તેમને શેરાંવાલી કા બુલાવા આવે એટલે બસ. અત્યારે બિલાસપુરમાં રાત્રે ૯ અને મધ્યાહને ૨૦ ડિગ્રી જેટલું ટેમ્પરેચર છે. એ તો ઠીક ધુમ્મસને કારણે ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ બસો દસે પહોંચી ગયો છે. હ્યુમિડિટી પણ હાઈ છે, છતાં સ્થાપના દિવસની ઉજવણીમાં બે હજારથી વધુ માણસો પહોંચી ગયા હતા અને આગામી દિવસોમાં નવરાત્રિના હિસાબે એ સંખ્યા ડબલ, ટ્રિપલ થવાની સંભાવના છે. ‘યે પ્યાર નહીં તો ક્યા હૈ માં?’ નૈનાદેવી પ્રત્યે ભક્તોની આસ્થા ખરા અર્થમાં ધુરંધર છે.




મા નૈનાદેવીજીના પિંડની સાથે મા કાલીની મૂર્તિ.


નાઓ, લેટ્સ લૅન્ડ ઍટ નૈનાદેવી ટેમ્પલ. (૧૨૧૯ મીટરની ઊંચાઈએ શિવાલિક પર્વતમાળાના ત્રિકોણીય પર્વત પર આવેલા આ મંદિરે જવા તળેટીથી રોપવે છે અને ગોન્ડોલાની કાર્ટ ઉપર પહોંચે એને કર્મચારી ઉડન ખટોલા લૅન્ડ હુઆ એમ જ કહે છે.) જોકે સફેદ દૂધ જેવા આરસ પહાણમાંથી નિર્મિત આ મંદિર પરિસર જવા પૂર્વે નૈનાદેવીની કથા જાણી લઈએ. ૫૧ શક્તિપીઠ સાથે સંકળાયેલું હોય એટલે માતા સતી અને શિવજીનો ઉલ્લેખ થાય જ. જોકે એ વાત આપણે ટૂંકમાં જ કહીએ. દેવી ભગવતીપુરાણમાં માતા સતીના પિતા રાજા દક્ષ અને તેમના જમાઈ શંકર વચ્ચેના સંઘર્ષની સંપૂર્ણ કથા આલેખાઈ છે. એ અનુસાર જોગી જેવો અવતાર અને સ્મશાનની રાખથી રગદોળાયેલા ભૂતનાથને પરણેલી દીકરીથી પિતા દક્ષ અતિ નારાજ હતા. તેમણે પુત્રી સાથે તમામ સંબંધ કાપી નાખ્યા હતા. કોઈ બોલચાલ નહીં, કોઈ આવન-જાવન નહીં. એક વખત રાજા દક્ષે પોતાના રાજ્યમાં મહાયજ્ઞનું આયોજન કર્યું. દરેક લોકમાંથી દેવી-દેવતાઓ, મહર્ષિઓ, સાધુઓને નિમં‌યા. આ વાતની જાણ મા સતીને થઈ. સતી માતાને નોતર્યાં નહોતાં તોય તેઓ પતિ ભોલે ભંડારીને લઈ પિતાના ઘરે ગયાં. પરંતુ ત્યાં પિતાએ પતિદેવની કરેલી અવગણનાથી સતીદેવીને એટલું ખરાબ લાગ્યું કે તેમણે ત્યાં જ યજ્ઞના અગ્નિમાં કૂદીને પોતાના પ્રાણ ત્યાગી દીધા. આ જોઈ રુદ્રનાથ અત્યંત ક્રોધિત થઈ ગયા અને પત્નીનું અર્ધ બળેલું શરીર લઈ સમગ્ર સૃષ્ટિ પર તાંડવ કરવા લાગ્યા. એ અગ્નિજાળના તાંડવથી સૃષ્ટિ પણ સળગવા લાગી ત્યારે વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શન ચક્રથી માતા સતીના દેહના ૫૧ ટુકડાઓ કર્યા અને એ અંગો ધરતી પર જ્યાં-જ્યાં પડ્યાં એ બની શક્તિ પીઠ. એ નાતે હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં આવેલા ત્રિકુટ પર્વત પર માતાનાં ચક્ષુ પડ્યાં. જોકે એની જાણ હજારો-હજારો વર્ષો પછી થઈ. કેવી રીતે? હવે કરીએ એ વાત.
સમય છે આઠમી શતાબ્દીનો. આ પહાડી ક્ષેત્રમાં રાજકુમાર વીરચંદનું રાજ્ય હતું. હેમાળાના હિમાચ્છાદિત શિખરોની શૃંખલાઓ, પર્વતમાળામાંથી વહેતાં નાનાં-મોટાં ઝરણાંઓ-નદીઓ, ઊંચા-ઊંચા પહાડી વૃક્ષો સાથે ઘાસ આચ્છાદિત વિશાળ મેદાનો અને ૫૦૦ ટકા ઑક્સિજન ધરાવતી શુદ્ધ આબોહવા. ઇન શૉર્ટ પ્રકૃતિ અહીં સોળે કળાએ ખીલી હતી અને આ પ્રકૃતિના ખોળે નાના-નાના અનેક કસબાઓ આવેલા હતા. એવા એક ગામડામાંથી નૈના નામક કન્યા જે પોતાની ગાયોને વગડામાં ચરાવવા લઈ જતી અને એમાંથી દરરોજ એક ગાય એક પથ્થર પર ઊભી રહેતી અને ઑટોમૅટિકલી તેના આંચળમાંથી દૂધની ધારા વહેતી રહેતી. આ કાર્યક્રમ ઘણો સમય ચાલ્યો. પછી ગ્રામવાસીઓએ આ વાત રાજાને કરી અને એ જ રાત્રે રાજવીને સ્વપ્નમાં પિંડી રૂપે માતાજીનાં દર્શન થયાં. પછી તો રાજાએ એ પિંડી હતી એ સ્થાને ભવ્ય મંદિરની સ્થાપના કરી.


નવરાત્રિ દરમ્યાન અહીં મહાઉત્સવ થાય છે. 


અન્ય મત પ્રમાણે નૈના નામે કન્યા નહીં પણ કિશોર હતો અને એ કિશોરને જ માતારાનીએ સ્વપ્નમાં દર્શન આપી પોતાની સ્થાપના કરાવવાનું સૂચન કર્યું હતું. વેલ, આ તો થઈ નૈનાદેવીના પ્રાગટ્યની કથા. હવે નૈના મહિષામર્દિનીની કથા જાણીએ. વામન પુરાણ કહે છે કે પ્રાચીન કાળમાં પૃથ્વી પર રંભ અને ક્રમ્ભ નામક બે ક્રૂર અને શક્તિશાળી રાક્ષસો નિવાસ કરતા હતા. આ બેઉ અસુરો નિઃસંતાન હતા. પુત્રપ્રાપ્તિ અર્થે તેમણે આજના પંજાબની ભૂમિ પર અતિ કઠિન તપસ્યા કરી. દૈત્યોની મકસદ જાણી દેવરાજા ઇન્દ્રએ તેમને મારવાના પ્રયત્નો કર્યા જેમાં ક્રમ્ભ તો મરણ પામ્યો પણ રંભ બચી ગયો અને સ્વયં પવિત્ર અગ્નિમાં સમર્પિત થઈ ગયો. ત્યારે અગ્નિદેવ પ્રગટ થયા અને રંભ પર ખુશ થઈ વરદાન માગવાનું કહ્યું. નૅચરલી, રંભ પુત્ર જ માગે ને અગ્નિદેવે તેમને વર આપ્યું કે રંભ જે પણ નારી જાતિથી આકર્ષિત થશે તેનાથી તેમને પુત્ર થશે. ને રંભ એક ભેંસ (મહિષી)થી આકર્ષાયા અને તેમને ભેંસ જેવું અસીમ બળ ધરાવતો મહિષાસુર નામે પુત્ર થયો. આ મહિષાસુરે પણ બ્રહ્માજીની કઠોર સાધના કરી ને બ્રહ્માજીએ પ્રસન્ન થઈ તેને વરદાન આપી દીધું કે તેને કોઈ મનુષ્ય, દેવ, રાક્ષસ નહીં મારી શકે. ફક્ત અજન્મી સ્ત્રીના હાથે જ મરશે. આ વરદાન મેળવી મહિષાસુર ભાઈએ તો પૃથ્વી પર ઉત્પાત મચાવવાનું શરૂ કરી દીધું. દેવો, ઋષિઓ, મનુષ્યો દરેકને હેરાન કરવા લાગ્યો. ઍઝ યુઝ્અલ દેવગણ મહિષાસુરની ફરિયાદ લઈ કૈલાસપતિ પાસે ગયા અને શંભુનાથ, બ્રહ્માજી તથા અન્ય દેવતાઓ સાથે વિષ્ણુજી પાસે. મહિષાદૈત્યનાં કરતૂતો સાંભળી ત્રિદેવોએ મળી સતલજ નદીના કિનારે આદિશક્તિની પૂજા શરૂ કરી અને દુર્ગા ભવાની પ્રગટ થયાં. દરેક દેવતાએ મા ભવાનીને પોતાનાં શસ્ત્રો તથા શક્તિ આપી અને જય મા નૈના, જય મા નૈનાનો ઉદ્ઘોષ કર્યો. ૫૦૦૦ વર્ષ પહેલાંનું એ સ્થાન એ આજનો બિલાસપુર જિલ્લો.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

  • આસો, ચૈત્ર નવરાત્રિ ઉપરાંત રક્ષાબંધન, હોળી, નવું વર્ષ, જન્માષ્ટમી અને અન્ય પ્રમુખ તહેવારો પર અહીં વિશેષ પૂજા, જગરાતા વગેરેનું આયોજન કરવામાં આવે છે. ૪૦મા સ્થાપના દિવસ અંતર્ગત અહીં ખેલ મહોત્સવ તેમ જ ભજન સંધ્યા આદિ કાર્યક્રમો યોજાયા છે.
  • મંદિરની એક બાજુએથી ગોવિંદ સાગર તળાવ તેમ જ બીજી બાજુ ભાખરા બંધ દેખાય છે જે દૃશ્ય મનોરમ્ય હોવા સાથે અવિસ્મરણીય પણ છે.
  • હિમાચલ પ્રદેશનો બિલાસપુર જિલ્લો અનેક ખૂબસૂરત મંદિરોની ભૂમિ છે. નૈનાદેવી મંદિરની નજીક બાબા બાલકનાથ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, રુક્મિણી કુંડ જેવાં સ્થળો છે તો પંજાબના સરહદી શહેર આનંદપુરસાહિબ ગુરદ્વારા સિખો માટે કાશી-મથુરા જેવું મહત્ત્વ ધરાવે છે.
  • અહીં ૧૨૦૦ વર્ષોથી યજ્ઞશાળા ચાલે છે. સિખોના ગુરુ ગોવિંદસિંહજીએ સવા વર્ષ સુધી સતત અહીં હવન કર્યા બાદ, અહીં આવનાર ભક્તો શ્રદ્ધા અનુસાર યજ્ઞ કરાવે છે. કહે છે કે પર્વના દિવસોમાં અહીં એટલા હવનો થાય છે કે ૫થી ૬ કિલો રાખ ભેગી થઈ જાય છે.
  • દરેક માતાના મઢમાં હોય એ રીતે અહીં પણ માતાજીને ચૂંદડી ચડાવવાની પરંપરા છે. એ ઉપરાંત ભક્તો ગજાનનને મોદક તેમ જ હનુમાનજીને ભોગરૂપે સિંદૂર અને લંગોટ પણ ચડાવે છે.
  • મંદિર પરિસરમાં એક ગુફા પણ છે. આ ગુફાના પથ્થરો અનેક મહાત્મા, સાધુસંતોની સાધનાના સાક્ષી રહ્યા છે. ગુફાનાં દર્શન કરવા માટે ભક્તો લાંબી કતાર લગાવે છે.
  • ૨૦૦૮ની સાલમાં આ મંદિરમાં યાત્રાળુઓની નાસભાગ થવાને કારણે લગભગ ૧૪૫ ભાવિકોનાં મૃત્યુ થયાં હતાં. ત્યાર બાદ રવિવાર તેમ જ તહેવારોના દિવસે પંજાબનાં અનેક સેવાભાવી સંસ્થાનોના યુવકો અહીં નિઃસ્વાર્થ ભાવે વ્યવસ્થા જાળવવા આવે છે.


દરેક માતાના મઢમાં હોય એ રીતે અહીં પણ માતાજીને ચૂંદડી ચડાવવાની પરંપરા છે.

બૅક ટુ ટેમ્પલ. સુવર્ણજડિત શિખર અને ગર્ભગૃહમાં શ્રી નૈનાદેવી પિંડી રૂપે છે જેમાં બે મોટા નયન (આંખો) ઉકેરી ગઈ છે. પિંડીની જમણી બાજુમાં કાલી માતાની પ્રતિમા છે. કહે છે એ દ્વાપર યુગમાં પાંડવોએ સ્થાપિત કરી છે. ડાબી બાજુ ગણપતિ બાપ્પા બિરાજમાન છે. હાલનું મંદિર નવું છે અને એમાં સમયાંતરે ઘણા સુધારા-વધારા થયા છે. મંદિરના પ્રવેશદ્વાર પર એક પદ ભૈરવજી છે. આ મૂર્તિ પણ પ્રાચીન છે. એ જ રીતે બાજુમાં આવેલા પીપડાના વૃક્ષમાંથી નીકળેલાં ત્રણ ઊપસેલાં મૂળને બ્રહ્મા, વિષ્ણુ, મહેશનાં પ્રતીક માનવામાં આવે છે. લક્ષ્મીનારાયણજી, શાલિગ્રામ, મહાકાલી દેવી, શંકર ભગવાન સાથે અહીં શ્વેત બટુકજીની સ્થાપના કરાઈ છે. ગુંબદુમા શૈલીમાં બનેલું આ નાનું મંદિર ગર્ભગૃહ કાચના રંગીન ટુકડાઓથી સજાવેલું છે. ભક્તો અહીં નવ દુર્ગાઓના રૂપમાં નવ કન્યાઓ સાથે આ બટુકજીની પણ પૂજા પ્રેમભાવથી કરે છે.
તળેટીથી મંદિર સુધી જવા રોપવે ઉપરાંત પૈદલ રસ્તો પણ છે જેમાં છાપરા સહિત પાણી, સૅનિટેશનની સુવિધાઓ પણ છે. અનેક ભક્તો આ દોઢ કિલોમીટરની ચઢાઈ દંડવત કરતાં-કરતાં કરે છે. તો ઘણા ભાવિકો ઢોલ-ત્રાંસા સાથે ભજન લલકારતાં માતાના દરબારે આવે છે. મંદિર, નવરાત્રિ દરમિયાન મિડનાઇટ બે વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી એકધારું ખુલ્લું રહે છે અને બાકીના દિવસોમાં સવારે ૪થી રાત્રે ૧૦ સુધી મંદિરનાં દ્વાર ખુલ્લાં રહે છે. વર્ષના ૩૬૫ દિવસ અહીં ભક્તોનું આવાગમન રહે છે. ભક્તો રાત્રે ને વહેલી સવારે કોઈ ભય વગર પહાડ ચડી માતાના ચરણે પહોંચી જાય છે. હા, કેબલ કારનો સમય સવારે ૭થી સાંજે ૭ સુધીનો છે અને એય જો દિવસ ચોખ્ખો હોય તો જ ચાલે છે. 

શ્રી નૈનાદેવી મંદિરે જવા મુંબઈગરા માટે ડાયરેક્ટ ટ્રેન નથી પરંતુ પંજાબ કે જમ્મુ જતી ટ્રેનમાં લુધિયાણા અથવા ચંડીગઢ ઊતરી આનંદપુર સાહેબ સ્ટેશન માટે ઇન્ટરસિટી એક્સપ્રેસ લઈ શકે છે. આનંદપુરસાહિબથી નૈનાદેવી મંદિરનું ડિસ્ટન્સ ૨૦ કિલોમીટર છે ને લુધિયાણાથી ૧૩૫ કિલોમીટર અને ચંડીગઢથી ૧૦૦ કિલોમીટર છે જે રાજ્ય પરિવહન બસ તેમ જ ટૅક્સી દ્વારા પૂર્ણ કરી શકાય છે. હા, જો ઝડપથી માના દરબારે પહોંચવું હોય તો ફ્લાય, મુંબઈ ટુ ચંડીગઢ. રહેવા માટે નૈનાદેવી ટેમ્પલ ટ્રસ્ટની ચાર ઍવરેજ ધર્મશાળાઓ છે. ચંડીગઢથી મનાલી જતા હાઇવે પર આવતા બિલાસપુરની નજીક મંદિરથી પાસેના હાઇવે પર પણ અનેક ઍવરેજ હોટેલ મળી જાય છે. મંદિર તરફથી કાયમ માટે દિવસ-રાત લંગર સેવા ચાલે છે જેમાં પ્રસાદરૂપે ટેસ્ટી જમવાનું મળી રહે છે. અન્યથા તળેટી પાસે અનેક ઢાબા, રેસ્ટોરાં પણ છે.

Whatsapp-channel Whatsapp-channel

21 December, 2025 03:05 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK