તામિલનાડુના તિરુવલંચુઝીનું કબરદીશ્વરાર ટેમ્પલ ૩ પ્રકારે નાયાબ છે. પહેલું, આ શિવજી સ્વયંભૂ છે. બીજું, અહીં ક્ષીરસાગરના દૂધિયા ઝાગમાંથી બનેલા ૧૦ ઇંચના જમણી સૂંઢવાળા ગણેશજી છે અને પલાહની નામની પહેલી સદીમાં બનેલી પથ્થરની જાળી અહીંની ત્રીજી વિશેષતા છે
તિરુવલંચુઝી કબરદીશ્વરાર ટેમ્પલ.
દક્ષિણ ભારતની ભૂમિમાં અલૌકિક ચુંબકીય તત્ત્વ છે. તમે વિચાર કર્યો હોયને કે આ વખતની ટૂરમાં તો ચોક્કસ બે-ત્રણ મંદિરનાં જ દર્શન કરીશું, પરંતુ અહીંનાં ૩ રાજ્યોમાં ‘એક સે બઢકર એક’ એવાં અદ્ભુત મંદિરો છે કે એ બે-ત્રણ મંદિરની સાથે બોનસમાં તમને બીજાં બે-ત્રણ મંદિરોનાં દર્શન કરવાનો લહાવો સહેજમાં મળી જાય છે. જુઓને, આપણે પણ પંચમહાભૂતના જળતત્ત્વના અધિપતિ જંબુકેશ્વરનાથનાં દર્શન કરવા તામિલનાડુ ગયા અને ત્યાં એ મહાદેવજીનાં તો દર્શન કર્યાં, ઉપરાંત રૉકફોર્ટનાં પ્રાચીન મંદિરોનીયે જાત્રા કરી. હવે જાણવા મળ્યું કે મૅજિકલ સિટી તિરુચિરાપલ્લી (ત્રિચી)થી માત્ર ૬૯ કિલોમીટરના અંતરે ગંગાથારપુરમમાં શ્વેત વિનાયગર (તામિલમાં ગણેશજીનું નામ)નું મંદિર છે. લંબોદરનો વર્ણ સફેદ હોવો જ અનોખી વાત છે. વળી એ જેમાંથી નિર્માણ થયા છે એની કથા પણ ખાસ્સી અનોખી છે.
ચાલો તંજાવુર ડિસ્ટ્રિક્ટ
ADVERTISEMENT
તંજાવુર જિલ્લો દેશની અનેક અમૂલ્ય ધરોહરોનું નિવાસસ્થાન છે અને આજે આપણે જે મંદિરે જવાના છીએ એ પણ આ ટ્રેઝરમાંનું એક છે. જોકે મંદિર વિશે વાત કરતાં પહેલાં અહીંના શ્વેત વિનાયગરની કથા જાણીએ.
દ્વાપરયુગમાં પૃથ્વી પર હેરાંદર નામે ઋષિ હતા. તપસ્વી અને તેજસ્વી એવા ઋષિએ સાધનાથી એવી સિદ્ધિ હાંસલ કરી હતી કે તેઓ ગમે ત્યારે પૃથ્વીલોકથી દેવલોક તો જઈ શકે, પણ પૃથ્વીનું પેટાળ ચીરીને પાતાળલોકમાં પણ જઈ શકે. એક વખત તેમણે પાતાળલોકની યાત્રા કરવા સાથે એક અસાધારણ કાર્ય કર્યું. સૃષ્ટિના સંવર્ધન અર્થે તેઓ દિવ્ય નદી કાવેરીને પૃથ્વી પર લઈ આવ્યા, જે તામિલનાડુ અને કર્ણાટકના પ્રજાજનો માટે આજે પણ જીવનદાયિની છે. હા, તો એ પવિત્ર નદીએ પ્રગટ થયા બાદ એક સ્થાન પર એકદમ ઘુમાવદાર વળાંક લઈ લીધો, જેથી આ સ્થાનનું નામ પડ્યું તિરુવલંચુઝી. એનો અર્થ છે ‘પવિત્ર જમણો વળાંક’. આમ ઋષિ હેરાંદરની સાધનાભૂમિને આવું સુંદર નામ મળ્યું અને એ સ્થાન પૂજનીય તીર્થ બની ગયું. એ પણ સત્ય છે કે પૂજનીય સ્થાન હોવાથી જ ઇન્દ્ર મહારાજાએ પોતે બનાવેલા શ્વેત વિનાયગરને આ જ ધરતી પર સ્થાપ્યા.
હવે કહાની નંબર બે. આ કથાનું કનેક્શન સમુદ્રમંથનની ઘટના સાથે જોડાયેલું છે. એ તો સર્વેને વિદિત છે કે સમુદ્રમંથન કરવાનું કારણ શું અને એ પછી શું થયું? આપણી વાર્તા પણ આ મુખ્ય કહાનીની પેટાકથા જ છે. દેવ અને દાનવ વચ્ચે સમુદ્રમંથન કરવાનું નક્કી થઈ ગયું. શેના વડે આ ક્રિયા થશે? નીચે પાયામાં કોણ રહેશે? આદિ... ત્યારે પહેલાં તો દુંદાળા દેવની સલાહ લેવામાં આવી, પરંતુ કાર્યક્રમની શરૂઆત થઈ અને જ્યારે વસુંધરામાંથી એક પછી એક રત્નો નીકળ્યાં ત્યારે ગણપતિબાપ્પાને અવગણવામાં આવ્યા. એથી ભાલચંદ્રને ખરાબ લાગી ગયું અને તે ત્યાંથી જતા રહ્યા. અમુક ભક્તો માને છે કે સમુદ્રમંથનમાં તેમના પિતાજીને હળાહળ વિષ મળ્યું એથી તેઓ દુખી થઈ ત્યાંથી જતા રહ્યા. (આ લોકકથાનું કોઈ પ્રમાણ તો છે
નહીં. ભક્તો પોતાની ભક્તિ અને શક્તિ મુજબ ભિન્ન-ભિન્ન રીતે એક ઘટનાનું અર્થઘટન કરે છે.)
વેલ, વિઘ્નહર્તા આ સ્થળેથી નીકળી ગયા એથી સમુદ્રમંથનની બાકી રહેલી ક્રિયાઓ યોગ્ય રીતે નહોતી થતી અને સમુદ્રમંથન વખતે નીકળેલા અમૃતમાં વિષના થોડા અંશો પડી ગયા. હાજર રહેલા સર્વે દેવો અને દાનવો ગભરાઈ ગયા. તેમને મૂંઝવણ થઈ કે હવે અમૃત કેમનું પીવાશે? જોકે દેવોના દેવ ઇન્દ્ર ભગવાનને અંદેશો આવી ગયો કે આવી ગરબડ થવા પાછળનું કારણ એ છે કે દુખહર્તાની અહીં ગેરહાજરી છે. ત્યારે ઇન્દ્રે પોતાના સાર્મથ્યથી સમુદ્રનાં મોજાંઓમાંથી નીકળતા ફીણના ગોટાઓમાંથી પાર્વતીપુત્રની પ્રતિમા બનાવી અને તેમને તિરુવલંચુઝીમાં સ્થાપી તેમની પૂજા કરી અને માફી માગી. બડે દિલવાલે દુંદાળા દેવે બધાને માફ કરી દીધા અને સમુદ્રમંથનની આખીયે ક્રિયા પૂરી થઈ. એ પછી ઇન્દ્રદેવ પોતે ઘડેલી ગણપતિબાપ્પાની મૂર્તિનું વિર્સજન કરવા લાગ્યા ત્યારે એ ચમત્કારિક મૂર્તિ ત્યાં સ્થગિત થઈ હતી અને એને ઉપાડી જ ન શકાઈ.
નાઓ વાત કરીએ પહેલી સદીની. પ્રાગૈતિહાસિક કાળ કહેવાતા એ સમયગાળામાં આ પ્રદેશમાં ચૌલવંશીય રાજાઓનું રાજ્ય હતું. તત્કાલીન રાજવીને ગજાનનની આ અનોખી પ્રતિમા વિશે ખબર પડી એટલે મૂર્તિના રક્ષણ માટે તેમણે ‘પલાહની’ નામના પથ્થરની એક જાળીદાર બારી બનાવડાવી જેથી ભક્તો એમાંથી મોદકપ્રિયનાં દર્શન કરી શકે અને એ અલૌકિક પ્રતિમાનું રક્ષણ થાય. ‘પલાહની’ એ સદીનો પહેલો કારીગરી કરેલો માસ્ટર પીસ છે અને શ્વેત વિનાયગરની જેમ આજે પણ આ જાળી મજબૂત છે અને ભક્તો એના માધ્યમથી જ ગણપતિબાપ્પાનાં દર્શન કરે છે. ચૌલવંશીય રાજા પ્રથમે અહીં બનાવેલા આ સ્થાપત્ય પછી સોળમી સદી સુધી તેમના વંશજોએ મંદિરનું વિસ્તરણ, મરમ્મત તથા જીર્ણોદ્ધાર કરાવ્યાં. મંદિરનો પરિસર
જેમ-જેમ મોટો થતો ગયો એમ-એમ એમાં અન્ય પ્રભુજીની મૂર્તિઓ પણ પ્રતિષ્ઠિત થઈ. આજે અહીં ભૈરવજી, ક્ષેત્રપાલ દેવ, કબરદીશ્વરાર નામે શિવલિંગ, વિષ્ણુજી, વંડુવરકુઝલી અમ્મન (પાર્વતીમાતા), ઋષિ હેરાંદર આદિનાં મંદિરો છે. ૭ માળના ગોપુરમ તથા ૩ વિશાળ મંડપમ્ ધરાવતા આ મંદિરની આર્કિટેક્ચર શૈલી દ્રવિડિયન છે. અનપૉલિશ્ડ ગ્રેનાઇટ સાથે રંગીન પૌરાણિક કથાનું ચિત્રકામ બહુ સુંદર તાલમેલ સાધે છે. તામિલ ધાર્મિક ગ્રંથોમાં ૨૭૫ પાડલ પેટ્રા સ્થળની સૂચિમાં આવતા આ ટેમ્પલમાં પાંચ વખત પ્રત્યેક કાળ-વેળાએ વિવિધ પૂજાઓ થાય છે તથા વેદ ગ્રંથના પઠન ઉપરાંત નાગસ્વરમ, તવિલ જેવું વાદ્યવાદન પણ અચૂક થાય છે. પ્રત્યેક મહિનાની પૂર્ણિમા, અમાવસ્યા, ચર્તુથીના અહીં વિશેષ પૂજા કરવામાં આવે છે તો મહાશિવરાત્રિ, ગણેશોત્સવ તથા કાર્તિક દીપમ નામના પ્રમુખ તહેવારો વખતે આ મંદિરની રોનક અનેરી હોય છે.
ચેન્નઈથી ૨૮૭, ત્રિચીથી ૬૯ અને દક્ષિણના કુંભમેળાનું યજમાન શહેર કુંભકોણમથી ફક્ત ૭ કિલોમીટરના અંતરે આવેલા મંદિરની યાત્રા કરવા આવો ત્યારે કુંભકોણમમાં રહેવું વધુ સારું પડે છે. કુંભકોણમમાં અનેક હોટેલો, રેસ્ટોરાં, ગેસ્ટ હાઉસો છે અને ઢગલાબંધ પ્રાચીન-પૌરાણિક મંદિરો પણ.
વિનાયગારની મૂર્તિ પર અભિષેક કે કંકુ-પુષ્પની પૂજા કરાતી નથી. ફક્ત તેમની ધૂપપૂજા થાય છે.
સાગરની લહેરોમાં સર્જાતા ફીણમાંથી નિર્માયા હોવાથી અહીંના ગણપતિ સફેદ વર્ણના છે. સ્થાનિકો એમને વેલ્લઈ (શ્વેત) વિનાયગાર પણ કહે છે.
આ ગણપતિજીને થીનદાથા થીરૂમની પણ કહે છે. અર્થાત્ જેમને કોઈ મનુષ્યસ્પર્શ થયો નથી.
મંદિર પરિસરના દક્ષિણ-પૂર્વી ખૂણામાં વંલચુઝી વિનાયકારનું મંદિર પણ છે. આ મંદિર તંજાઈ નાયક રાજાઓએ બનાવડાવ્યું છે. આ ઉપરાંત અહીં બૌદ્ધ ધર્મના અવશેષો પણ છે. કહે છે કે આ સ્થળ બૌદ્ધ સાધુઓની તપોસાધના ભૂમિ પણ રહી છે.
