Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > શું આ વર્ષે તમારું બાળક શાળાએ જવાનું શરૂ કરવાનું છે? તો પહેલાં બાસર જઈને અક્ષરારંભ પૂજા કરી આવજો

શું આ વર્ષે તમારું બાળક શાળાએ જવાનું શરૂ કરવાનું છે? તો પહેલાં બાસર જઈને અક્ષરારંભ પૂજા કરી આવજો

Published : 18 January, 2026 02:35 PM | Modified : 18 January, 2026 02:50 PM | IST | Mumbai
Alpa Nirmal

ગામનું નામ વ્યાસ, બ્યાસ પરથી અપભ્રંશ થઈને બાસર પડ્યું છે. જોકે દક્ષિણ ભારતીયો દરેક શબ્દની પાછળ ‘આ’ સાઉન્ડ બોલે છે એટલે હિન્દી ભાષામાં બાસર લખાતું આ ટાઉન તેમના સ્વરે બાસરા સંભળાય છે.

શું આ વર્ષે તમારું બાળક શાળાએ જવાનું શરૂ કરવાનું છે? તો પહેલાં બાસર જઈને અક્ષરારંભ પૂજા કરી આવજો

તીર્થાટન

શું આ વર્ષે તમારું બાળક શાળાએ જવાનું શરૂ કરવાનું છે? તો પહેલાં બાસર જઈને અક્ષરારંભ પૂજા કરી આવજો


તેલંગણના નિર્મલ જિલ્લામાં આવેલા બાસરમાં શ્રી જ્ઞાન સરસ્વતી મંદિર છે. કહે છે કે મહાભારતના લેખક શ્રી વેદવ્યાસજીએ અહીં સરસ્વતી માતાની મૂર્તિ સ્થાપી છે. દક્ષિણ ભારતીય રાજ્યો તેમ જ મહારાષ્ટ્રના અનેક ભક્તો તેમનાં સંતાનોને શાળામાં બેસાડતાં પહેલાં અહીં દર્શનાર્થે ખાસ લઈ આવે છે

તેલંગણ રાજ્યનું ફૉર્મેશન હજી ૨૦૧૪માં જ થયું છે પણ સાઇઝની દૃષ્ટિએ એ ભારતનાં રાજ્યોમાં ૧૧મા નંબરે આવે છે. અરે, આ રાજ્ય દક્ષિણ ભારતના તામિલનાડુથીયે મોટું છે ને બિહાર, પંજાબ, કેરલા, ગોવાથી પણ લાર્જ છે. તીર્થાટનની આ કૉલમમાં તેલંગણના ક્ષેત્રફળની વાત કરવાનું કારણ એ કે અહીં અનેક પૌરાણિક, પ્રાચીન, મહત્ત્વનાં પૉપ્યુલર મંદિરો આવેલાં છે, જેમાંથી કમ સે કમ ૨૫ મંદિરો તો એવાં ઉત્કૃષ્ટ છે કે તીર્થાટન પ્રેમીઓએ લાઇફમાં એક વખત તો આ દેવાલયોનાં દર્શનાર્થે જવું જ જોઈએ.
વેલ, આ શુક્રવાર, મહા સુદ પાંચમે મા શારદાનો પ્રાગટ્ય દિવસ એટલે કે વસંતપંચમી છે ત્યારે આપણે જઈએ તેલંગણના નિર્મલ જિલ્લામાં આવેલા શ્રી જ્ઞાન સરસ્વતી મંદિરે.
શ્વેત વસ્ત્રોમાં શોભિત, કમળ પર બિરાજિત, વીણાધારી મા સરસ્વતી સનાતન ધર્મનાં પ્રમુખ દેવી છે. માનવને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢી જ્ઞાન તથા સત્યના સન્માર્ગે લઈ જતાં આ માતાના આશીર્વાદ વિના મનુષ્યનો વિકાસ સંભવ નથી. આથી જ આપણે શુભ પ્રસંગે આ જ્ઞાન તથા વિવેકનાં દેવીને યાદ કરીએ છીએ. એમાંય તેમના પ્રાગટ્ય દિવસ વસંતપંચમીએ માતાનું ખાસ પૂજન-અર્ચન કરીએ છીએ. વિદ્યાર્થીઓ, કળાકારો, શિક્ષકો, લેખકો, સંગીતકારો આદિ સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિઓ માટે સરસ્વતી માતાનું અદકેરું મહત્ત્વ છે. ફક્ત વયસ્ક વ્યક્તિઓ જ કેમ? આપણી સંસ્કૃતિમાં તો બાળકને જન્મથી જ વિદ્યાની દેવીનું સન્માન કરવાના સંસ્કાર અપાય છે. એમાંય તેલંગણ, દક્ષિણ મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટકમાં વસતા લાખો પરિવારો તો પોતાનાં સંતાનોને પ્રથમ વખત શાળાએ મોકલતાં પહેલાં અહીં ખાસ અક્ષરા અભ્યાસમની પૂજા કરાવવા લઈ આવે છે જે વસંતપંચમીના પવિત્ર દિવસે કરવાનું ખાસ મહાત્મ્ય  છે.
યસ, બાસર દરેક વર્ષની જેમ આ વસંતપંચમીએ પણ હજારો બાળકોના આવવાથી વાસંતિક થઈ જવાનું છે. એ દિવસે બાળકો માતા સરસ્વતીની સાથે પાટી, પેન (ચૉક) ને પુસ્તકની પૂજા કરશે  અને ગુરુના હાથે હળદરના પ્રસાદથી પોતાની જીભ પર ખાસ પ્રકારના અક્ષરો પડાવી વિદ્યારંભ કરશે.
પણ કેમ બાસર? અન્ય સરસ્વતી માતાના મંદિરે કેમ નહીં? આ પ્રશ્નનો ઉત્તર જાણવા તો મહાભારતના બાદના કાળમાં જવું પડે.
મહાભારતનું ભીષણ યુદ્ધ પૂર્ણ થયું ને પાંડવોની જીત થઈ. પાંચેય ભાઈઓને તેમનાં રાજ્યો પરત મળ્યાં ને ફરી એક વખત આખાય પ્રદેશમાં શાંતિ, અમન, ચેન છવાઈ ગયાં. રાજાઓના સુચારુ સંચાલનમાં પ્રજાજનો સુખી હતા અને ઋષિમુનિઓ પોતાની સાધનામાં મગ્ન હતા. કહે છે કે એ વખતે મહર્ષિ વેદવ્યાસ હિમાલયમાં ધ્યાન કરી રહ્યા હતા. ત્યારે સૃષ્ટિના નિર્માતા ભગવાન બ્રહ્માજીએ સ્વયં વેદવ્યાસજીને મહાભારત લખવા આદેશ કર્યો હતો. બ્રહ્માજી જ્ઞાત હતા કે આ વિરાટ કાર્ય કરવા માત્ર વેદવ્યાસ જ સક્ષમ છે. આ બાજુ મહર્ષિ વ્યાસને ખ્યાલ હતો કે સંપૂર્ણ મહાભારતમાં અનેક વ્યક્તિઓ પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે સંકળાયેલી છે. તે દરેકનું ચરિત્ર-નિરૂપણ કરવું એ ભગીરથ કાર્ય છે. એટલે જો એમાં કાબેલ વ્યક્તિની મદદ મળે તો આ જટિલ કાર્ય સુગમતાથી સંપન્ન થાય. ત્યારે બ્રહ્માજીએ શ્રી વેદજીને ગન્નુ બાપાની મદદ લેવાનું સૂચન કર્યું અને વ્યાસજીએ આહ‍્વાન કરતાં જ ગજાનન મહારાજ ત્યાં પ્રગટ થઈ ગયા. મહર્ષિએ મહાભારત મહાકાવ્ય જલદીથી લખાય એ માટે પાર્વતીપુત્ર સાથે બોલી કરી કે તેઓ ઝડપથી ઋચાઓ સંભળાવશે અને એટલી જ ઝડપથી ગણેશજીએ લખવું પડશે. સામે દુંદાળા દેવે પણ શરત રાખી કે જો મહર્ષિ બોલવામાં અટકી જશે તો પોતે લખવાનું બંધ કરી દેશે.



શ્રી જ્ઞાન સરસ્વતી મંદિરમાં વસંતપંચમી, મહાશિવરાત્રિ, વ્યાસ પૂર્ણિમા, આસો નવરાત્રિ ધામધૂમથી ઊજવાય છે


ભૌગોલિક દૃષ્ટિએ બાસરને ઉચ્ચ પ્રદેશ કહેવાય. ૧૧૦૦ ફીટની હાઇટ પર આવેલા આ પ્રદેશમાં અનેક પ્રકારના કુદરતી સૉલિડ સ્ટોન ફૉર્મેશન છે. એમાં વેદવતી શિલા (પથ્થર) નામે ઓળખાતો વિરાટ ખડક એક ઢોળાવમાં કોઈ સપોર્ટ વગર બૅલૅન્સ ટકાવીને ઊભો છે, જે અહીંનું જોવાલાયક સ્થળ છે. વળી અહીં દત્તાત્રેયનું મંદિર પણ છે. મહારાષ્ટ્રિયન ભક્તો અચૂક અહીં જાય છે. ગોદાવરીના કાંઠે સ્થિત મા સરસ્વતીની ૨૦/૨૫ ફીટ ઊંચી મૂર્તિ પણ આકર્ષણનું કેન્દ્ર છે.
બાસરમાં રહેવા માટે મંદિરના આવાસો, ગેસ્ટહાઉસ, હૉસ્ટેલ, હોટેલ છે ખરી. એ જ રીતે મંદિરમાં ભોજનાલય પણ છે. દર્શન માટે બે પ્રકારની સુવિધા છે. ફ્રી દર્શનમ્ અને પેઇડ દર્શન. જોકે અક્ષરારંભ પૂજાના ચાર્જ ભરવાના રહે છે. એમાંય વળી બે કૅટેગરી છે, સાદી અને VIP. આમ તો અહીં બારે મહિના ભક્તોનું આવાગમન રહે છે, એમાંય તહેવારો તેમ જ વીક-એન્ડ તથા જાહેર રજાના દિવસોએ ખાસ્સી ભીડ રહે છે.

માતા સરસ્વતીના આશીર્વાદથી વક્રતુંડ બેઉ હાથોથી લખી શકતા હતા. વ્યાસજીને થયું કે આ મહાકાયની લખવાની તેજ ગતિની સામે પોતે કઠિન ઋચાઓની રચના ઝડપથી કરી શકશે કે કેમ? અગેઇન, તેમણે બાપ્પા પાસે ઓર એક શરત રાખી કે પોતે એક વખતમાં મહાભારતનું મહાકાવ્ય રચીને પાઠ કરી જશે. ગણપતિએ પ્રત્યેક પંક્તિનો અર્થ સમજીને પછી લખવાનો. બેઉ પક્ષની શરતો એકમેકને માન્ય થતાં મહાભારતલેખનનું જંગી કાર્ય શરૂ થઈ ગયું. મહર્ષિ કઠિન રચનાઓ સંભળાવતા, એકદંત એ સમજતા અને લખતા અને એ ક્ષણિક સમયમાં વેદવ્યાસ નવા શ્લોકની રચનાઓ ઘડી કાઢતા.
કહેવાય છે કે શ્ળોકો રચવાનું અને લખવાનું કાર્ય ઝડપી ગતિથી ચાલતું હોવા છતાં મહાભારત કાવ્ય સંપૂર્ણ લખતાં ત્રણ વર્ષનો ગાળો લાગ્યો. હવે એ વિચાર કરો કે બાપ્પાની ઉપર તો ખરી જ, પરંતુ વેદવ્યાસજી ઉપર મા સરસ્વતીની કેવી અસીમ કૃપા હશે કે તેમણે અવિરત ત્રણ વર્ષ નવા શ્ળોકો, ઋચાઓની રચના કરી અને દ્વાપર યુગથી છેક કળિયુગમાં પણ વેદોનો, વેદિક ધર્મનો આધાર બનનારા મહાકાવ્ય મહાભારતની રચના થઈ. 
ઍન્ડ હિઅર કમ્સ મુખ્ય મુદ્દો. બાસર એ સ્થળ છે જ્યાં મહાભારતની રચના કર્યા બાદ મહર્ષિ વેદવ્યાસ અન્ય ઋષિગણ સાથે દંડકારણ્યમાં ગોદાવરી નદીના કાંઠાના આ શાંત સ્થળે આવ્યા. અહીં આવી તેમણે માતા સરસ્વતીની મૂર્તિની રચના કરી અને અગેઇન, તેમની સાધના કરી. જોકે એક મત કહે છે કે વેદવ્યાસજી અહીં મહાભારત ગ્રંથની રચના પૂર્વે આવ્યા હતા અને માતા શારદાની પ્રતિમા બનાવી તેમનું પૂજન, અર્ચન, ધ્યાન કરી માની કૃપાદૃષ્ટિ મેળવી હતી.


તેલંગણના વારંગલમાં પણ સરસ્વતી મંદિર છે

હૈદરાબાદથી બાવન કિલોમીટરના અંતરે આવેલા વારંગલમાં પણ એક સરસ્વતી માતાનું મંદિર છે. કાંચી શંકર મઠ દ્વારા નિર્મિત આ મંદિર ૧૯૯૨માં બન્યું છે. અહીં માતા શારદાની સાથે લક્ષ્મી-ગણપતિ, શિવજી, શનિદેવનાં મંદિરો છે. અહીં પણ (અધિગમ સમારોહ) અક્ષર અભ્યાસમની વિધિ થાય છે. વળી નવરાત્રિ દરમ્યાન આવતા મૂળ નક્ષત્રમાં પણ આ સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે.

ખેર, સત્ય જે હોય તે. એટલું ખરું છે કે ભક્તોને અમીટ શ્રદ્ધા છે કે નાનાં બાળકોને મહર્ષિ વેદવ્યાસજીએ નિર્માણ કરેલી આ માતાની મૂર્તિનાં દર્શન કરાવવાથી, વિદ્યાપ્રાપ્તિમાં માતાના શુભાશિષ પ્રાપ્ત થાય છે. દક્ષિણ ભારતીય શૈલીનું સફેદ પથ્થરોથી નિર્મિત આ મંદિર ચાલુક્ય વંશીય રાજાઓએ બનાવડાવ્યું છે. મંદિરના ગર્ભગૃહમાં પદ્માસનમાં બેઠેલાં મા સરસ્વતીની ૪ ફુટની પ્રતિમા છે. તેમની બાજુમાં મા લક્ષ્મીજીનાં પણ બેસણાં છે. માન્યતા પ્રમાણે આ મૂર્તિ પણ વ્યાસજીએ બનાવી છે. મંદિર નાનું છે, પણ એની પૉપ્યુલારિટી વધતાં પરિસરનો વ્યાપ વધારાયો છે અને ટેમ્પલ કૉમ્પ્લેક્સમાં અન્ય ભગવાનોની મૂર્તિઓ પણ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. મંદિરનો ગોપુરમ, પરિક્રમા માર્ગ સુંદર છે પરંતુ મંદિરની બહારની બાજુએ રહેલો ઊંચા પથ્થરનો એક સ્તંભ અનુઠો છે. આ સ્તંભના પરિઘના દરેક ભાગમાંથી અલગ-અલગ સાત સૂર સંભળાય છે. મંદિરથી થોડે દૂર બાસર ગામમાં ૮ તળાવો છે જેમાં વાલ્મીકિ તીર્થ, વિષ્ણુ તીર્થ, ગણેશ તીર્થ, પૃથા તીર્થ નામક ૪ તળાવો અતિ પવિત્ર છે. એ જ રીતે દક્ષિણ ભારતની ગંગા કહેવાતી ગોદાવરી નદી પણ નજીકમાં જ વહે છે. અનેક ભક્તો એમાં સ્નાન કર્યા બાદ મા સરસ્વતી તેમ જ નજીક આવેલા પ્રાચીન શિવાલયનાં દર્શન કરે છે. એમ તો અહીં કાલીમાતાનું મંદિર પણ પ્રાચીન છે. હા, મા સરસ્વતીના મંદિરની નજીકમાં આવેલા વ્યાસ ગુફા અને શ્રી વેદવ્યાસ મહર્ષિ ટેમ્પલમાં જવું બાસરની યાત્રાનું અન્ય મુખ્ય એલિમેન્ટ છે તો બે કાંઠે વહેતી મા ગોદાવરીમાં નૌકાયાન જબરદસ્ત શાંતિ અને સુકૂનનો અહેસાસ કરાવે છે.
મોટા ભાગે આસ્થાળુઓ બાસરની વન-ડે યાત્રા જ કરે છે. હૈદરાબાદના કાસરગુડા રેલવે-સ્ટેશનથી તમે ટ્રેનમાં બેસો એટલે બે કલાકમાં બાસર સ્ટેશન. અહીં જ ઊતરવાનું અને ત્યાંથી રિક્ષામાં ત્રણ કિલોમીટરની જર્ની કરો એટલે મા શારદાના સાંનિધ્યમાં.

શું છે અક્ષરારંભ પૂજા?

સનાતન ધર્મની પ્રણાલી અનુસાર દરેક બાળકના જન્મથી લઈ મૃત્યુ સુધી ૧૬ સંસ્કાર થાય છે જેમાં વિદ્યારંભ સંસ્કાર પણ અતિ મહત્ત્વ ધરાવે છે. બાસરમાં માતા સરસ્વતીના સાંનિધ્યમાં ખાસ અક્ષરારંભ પૂજા થાય છે જેમાં માતા-પિતા બાળકને સ્નાન આદિ કરાવી નવાં વસ્ત્રો, આભૂષણો આદિ પહેરાવે છે અને તેના હસ્તે સરસ્વતી માતાના શણગારની પૂજા કરાવાય છે. ભોગ ધરાવાય છે. એ જ રીતે પાટી (સ્લેટ)ની પૂજા કરી એમાં પૂજારી કે ગુરુનો હાથ પકડી બાળક પાસે ઓમ કે શુભ અક્ષર લખાવાય છે. એ પછી ગુરુ માતા સરસ્વતીને લગાવાયેલી હળદરનું મિશ્રણ બાળકની જીભ પર ચટાડે છે અથવા એ મિશ્રણથી જીભ પર ખાસ અક્ષર પાડે છે. વસંતપંચમી તો આવી પૂજા માટે પાવન દિવસ છે પણ હવે અહીં બારે મહિના આ પ્રકારની પૂજા થાય છે.

હૈદરાબાદથી બાસર ૨૦૮ કિલોમીટર છે. બાય રોડ પણ અહીં આવી શકાય. તો નિઝામાબાદ બાસરથી ૩૪ કિલોમીટર અને જિલ્લો મુખ્યાલય નિર્મલ ૭૩ કિલોમીટરના ડિસ્ટન્સ પર છે. એમ તો મુંબઈથીય બાસરની વન-ડે જર્ની કરી શકાય. છત્રપતિ શિવાજી ટર્મિનસથી દરરોજ રાત્રે સાડાનવે ઊપડતી દેવગિરિ એક્સપ્રેસ પકડો જે સવારે ૧૧ વાગે ડાયરેક્ટ બાસર ઉતારી દે છે. ને સ્ટેશન પર જ ક્લોક રૂમ, વેઇટિંગ રૂમ સુવિધાઓ છે. જમવા માટે મંદિરની આજુબાજુ સાઉથ ઇન્ડિયન સ્નૅક્સ, ભાણું પીરસતી રેસ્ટોરાંઓ છે. તથા માતા માટે શણગાર, પુજાપો, અક્ષરારંભ પૂજા માટેની સામગ્રી (પાટી, પેન, પુસ્તક વગેરે) વેચતી ઘણી દુકાનો પણ છે.

Whatsapp-channel Whatsapp-channel

18 January, 2026 02:50 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK