હનુમાનદાદાની મૂર્તિની બન્ને બાજુએ ગીતાસારનું મોટું પોસ્ટર અને અર્જુનને ગીતાજ્ઞાન સાથે ઉપદેશ આપતા ભગવાન શ્રીકૃષ્ણનું વિરાટ પોસ્ટર મૂકીને ગીતાજયંતીની ઉજવણી થઈ : સંભવતઃ પહેલી વાર સારંગપુરના હનુમાન મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણનાં વિશાળ પોસ્ટર લાગ્યાં
સારંગપુરના હનુમાન મંદિરમાં દાદાની મૂર્તિની બે સાઇડે ગીતાસારનાં પોસ્ટરો તેમ જ અર્જુનને ઉપદેશ આપી રહેલા ભગવાન શ્રીકૃષ્ણનું વિશાળ પોસ્ટર.
સમગ્ર ગુજરાત સહિત ભારતમાં ગઈ કાલે ગીતાજયંતીની હર્ષભેર અને આધ્યાત્મિકતાના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાન મંદિર ખાતે ગીતાજયંતીની ઉજવણી અલગ રીતે કરવામાં આવી હતી. હનુમાન મંદિરમાં ગીતાજ્ઞાનનું મહિમાગાન કરીને ઉજવણી કરાઈ હતી.
ADVERTISEMENT
મંદિરમાં દર્શન કરી રહેલા દર્શનાર્થીઓ.
સારંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાન મંદિર ખાતે ગઈ કાલે એકાદશીની સાથે ગીતાજયંતીની ઉજવણી કરાઈ હતી અને મંદિર-પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. મંદિરની અંદર હનુમાનદાદાની મૂર્તિની બન્ને બાજુએ મોટાં પોસ્ટર પર ગીતાજ્ઞાનનો સાર લખવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંદિરની દીવાલ પર બે સાઇડે ભગવાન શ્રીકૃષ્ણનાં વિશાળ પોસ્ટર લગાવ્યાં હતાં, જેમાં એક પોસ્ટરમાં અર્જુનને ગીતાજ્ઞાન સાથે ઉપદેશ આપી રહેલા ભગવાન શ્રીકૃષ્ણ હતા તો બીજી તરફના પોસ્ટરમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ બનીને રથ હંકારતા જોવા મળ્યા હતા. હનુમાનદાદાની મૂર્તિ આગળ ગીતાનાં પુસ્તકો પણ મૂકવામાં આવ્યાં હતા. સંભવતઃ આવું કદાચ પહેલી વાર બન્યું હશે કે હનુમાન મંદિરની અંદર ભગવાન શ્રીકૃષ્ણનાં વિશાળ પોસ્ટર મુકાયાં હોય. એના દ્વારા ગીતાજ્ઞાનનો સંદેશ ભક્તજનોને પહોંચાડાયો હતો. આજે વહેલી સવારથી મંદિરમાં દર્શન કરવા આવેલા ભકતોએ હનુમાનદાદાનાં દર્શન કરવા સાથે ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.