કારમાંથી મળી આવ્યાં બિઅરનાં ૬ ટિન : કાર એટલી સ્પીડમાં હતી કે ફુટપાથ પાસેની દીવાલ તૂટી ગઈ : નશાની હાલતમાં રહેલા ડ્રાઇવરને પકડીને લોકોએ પોલીસને સોંપ્યો
ફુટપાથ પર ચડી ગયેલી કાર. તસવીર : જનક પટેલ
અમદાવાદના નિકોલ વિસ્તારમાં સોમવારે રાતે નશાની હાલતમાં એક કાર-ડ્રાઇવરે બેફામ કાર ચલાવીને ફુટપાથ પર ચડાવી દેતાં અકસ્માત થયો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે કારના ડ્રાઇવરે ૪ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં માતા અને પુત્રનાં મોત થયાં હતાં. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કારના ડ્રાઇવર વિરલ ચૌધરીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અમદાવાદ નજીક આવેલા નાના ચિલોડામાં રહેતો વિરલ ચૌધરી પીધેલી હાલતમાં સોમવારે રાતે બેફામ રીતે કાર હંકારીને જઈ રહ્યો હતો ત્યારે તેણે કાર ફુટપાથ પર ચડાવી દીધી હતી. કાર એટલી સ્પીડમાં હતી કે એની ટક્કરથી ફુટપાથ પરની દીવાલ પણ તૂટી ગઈ હતી. આ ઉપરાંત ફુટપાથ પર ૪ લોકોને અડફેટે લીધા હતા. એમાં ફુટપાથ પર ચણિયાચોળી વેચવા બેઠેલાં પૂનમ નગવાડિયા અને તેમના ૧૫ વર્ષના દીકરા સાગરનાં મોત થયાં હતાં, જ્યારે કાર્તિક વસોયા અને તેની પત્ની સ્નેહલ વસોયાને ઈજા થતાં તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં હતાં. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા લોકોએ વિરલ ચૌધરીને પકડીને માર્યો હતો અને પોલીસને બોલાવીને એને સોંપ્યો હતો. પોલીસની તપાસમાં કારના ડ્રાઇવરે નશાકારક વસ્તુઓ લીધી હોય એવો પૉઝિટિવ રિપોર્ટ આવ્યો છે. કારમાંથી બિઅરનાં ૬ ટિન મળી આવ્યાં હતાં.
