Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > બપોરે ૧.૩૮ વાગ્યે ટેક-ઑફ અને બે મિનિટમાં ખલ્લાસ

બપોરે ૧.૩૮ વાગ્યે ટેક-ઑફ અને બે મિનિટમાં ખલ્લાસ

Published : 13 June, 2025 01:24 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રૅશ થયેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171માં કુલ ૨૩૦ મુસાફરોમાં ૨૧૭ પુખ્ત વયના હતા, જ્યારે ૧૧ બાળકો અને બે નવજાત બાળકો હતાં.

અમદાવાદથી લંડન જતી ફ્લાઇટે બી. જે. મેડિકલ કૉલેજની હૉસ્ટેલ પર ક્રૅશ થયા પછી ધ્વસ્ત બિલ્ડિંગમાં વિમાનના અંશો.

અમદાવાદથી લંડન જતી ફ્લાઇટે બી. જે. મેડિકલ કૉલેજની હૉસ્ટેલ પર ક્રૅશ થયા પછી ધ્વસ્ત બિલ્ડિંગમાં વિમાનના અંશો.


કી હાઇલાઇટ્સ

  1. ૨૩૦ પ્રવાસી, ૧૦ ક્રૂ મેમ્બર અને બે પાઇલટ સહિતના ૨૪૨ લોકોમાંથી માત્ર એક જણનો ચમત્કારિક બચાવ
  2. દીકરીના ઘરે લંડન જઈ રહેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નિધન
  3. મૃતદેહોની ઓળખ માટે ગુજરાત સરકારે પરિવારજનો પાસે DNAના નમૂના માગ્યા

ગુરુવારે ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 અમદાવાદથી લંડનના ગૅટવિક માટે રવાના થઈ હતી અને ટેક-ઑફ થયાની માત્ર બે મિનિટમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પાસે મેઘાણીનગરમાં ક્રૅશ થઈ ગઈ હતી. આ વિમાનમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત કુલ ૨૪૨ લોકો હતા. એમાં ૧૦ ક્રૂ-મેમ્બર્સ, બે પાઇલટ અને ૨૩૦ મુસાફરોનો સમાવેશ થતો હતો. ૨૪૨ પ્રવાસીઓમાં માત્ર એક જ પ્રવાસીનો ચમત્કારિક બચાવ થયો હતો. વિમાનની સીટ-નંબર 11-A પર બેસેલો ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસકુમાર આ દુર્ઘટનામાં બચી ગયો હતો. દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન બોઇંગ કંપનીનું B-787 ડ્રીમલાઇનર હતું.

ફ્લાઇટ અમદાવાદ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પરથી બપોરે ૧.૩૮ વાગ્યે ટેક-ઑફ થઈ હતી. રનવે પરથી ઉપર ઊઠતાં જ પાઇલટે ઍર ટ્રાફિક કન્ટ્રોલને સંદેશો મોકલ્યો હતો કે પૂરતું થ્રસ્ટ નથી મળી રહ્યું. એ પછી ગણતરીની સેકન્ડમાં જ તેણે ‘મે ડે’ કૉલ આપ્યો હતો.



૬૨૫ ફુટ પરથી ક્રૅશ થયું


ઍર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક-ઑફ થયાની થોડી જ ક્ષણોમાં ક્રૅશ થઈ ગઈ હતી અને અને જબરજસ્ત આગની જ્વાળા ધમાકો થયો હતો. રડાર-ડેટા દર્શાવે છે કે વિમાન દુર્ઘટના પહેલાં માત્ર ૬૨૫ ફુટ ઉપર ચડ્યું હતું. વિમાન બી. જે. મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલના હૉસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. ટેક-ઑફની એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં ઍર ટ્રાફિક કન્ટ્રોલ સાથેનો વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો.

ડૉક્ટર હૉસ્ટેલ બિલ્ડિંગ સાથે ટકરાયું


અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાન બી. જે. મેડિકલ કૉલેજની હૉસ્ટેલના ચોથા બિલ્ડિંગ સાથે અથડાયું હતું, જેમાં રેસિડન્ટ ડૉક્ટરો રહેતા હતા. બપોરના ભોજન સમયે હૉસ્ટેલમાં ૫૦-૬૦ ઇન્ટર્ન ડૉક્ટરો હાજર હતા. એમાંથી મોટા ભાગના મેસમાં બપોરનું ભોજન કરી રહ્યા હતા. વિસ્ફોટની અસર એટલી બધી હતી કે અંદર હાજર ડૉક્ટરોના મૃતદેહ પણ ટુકડાઓમાં વિખેરાઈ ગયા હતા.

વિમાનની પૂંછડીની પાંખ હૉસ્ટેલ કમ્પાઉન્ડમાં

ઍર ઇન્ડિયાનું વિમાન અમદાવાદમાં ડૉક્ટર્સ હૉસ્ટેલ સાથે અથડાયું હતું. વિમાનનો આગળનો ભાગ સંપૂર્ણપણે બળી ગયો છે, પણ હૉસ્ટેલ પરિસરમાં વિમાનની પૂંછડી તૂટેલી જોવા મળે છે.

૧૬૯ ભારતીય, ૬૧ વિદેશી નાગરિકો

ઍર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટમાં કુલ ૨૩૦ મુસાફરો હતા જેમાં ૧૬૯ ભારતીય અને ૬૧ વિદેશી નાગરિકો હતા. વિદેશી નાગરિકોમાં ૫૩ બ્રિટનના, ૭ પોર્ટુગલના અને એક કૅનેડાનો હતો.

DNA માટે સૅમ્પલ ક્યાં આપવાં?

વિમાનમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓના મૃતદેહોની ઓળખ કરવા માટે ગુજરાત સરકારે પરિવારજનો પાસે DNA (ડીઑક્સિરીબૉ ન્યુક્લેઇક ઍસિડ)ના નમૂના માગ્યા છે. ગુજરાત સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘બી. જે. મેડિકલ કૉલેજમાં DNA ટેસ્ટ માટે સૅમ્પલ કલેક્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોના પરિવારો અને નજીકના લોકો, ખાસ કરીને તેમનાં માતા-પિતા અને બાળકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સ્થળ પર તેમના નમૂનાઓ સબમિટ કરે જેથી જીવ ગુમાવનારા પ્રવાસીઓની ઓળખ શક્ય એટલી વહેલી તકે થઈ શકે.’

ફ્લાઇટમાં ૨૧૭ ઍડલ્ટ, ૧૧ બાળકો અને બે નવજાત

ક્રૅશ થયેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171માં કુલ ૨૩૦ મુસાફરોમાં ૨૧૭ પુખ્ત વયના હતા, જ્યારે ૧૧ બાળકો અને બે નવજાત બાળકો હતાં.

સ્ટ્રેચર ખૂટી પડ્યાં

અમદાવાદ વિમાન-દુર્ઘટના બાદ અકસ્માતનો ભોગ બનેલા લોકોને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા હતા ત્યારે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં સ્ટ્રેચર ખૂટી પડ્યાં હતાં તેથી મૃતદેહોને હાથગાડીઓ પર લાવવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં O નેગેટિવ લોહીની અછત ઊભી થઈ હતી.

જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને - કરોડ રૂપિયાની સહાય જાહેર કરી તાતા ગ્રુપે

બી. જે. મેડિકલ હૉસ્ટેલનું બિલ્ડિંગ ફરી ઊભું કરવાનો ખર્ચ પણ ઉઠાવશે

અમદાવાદ-લંડન પ્લેન ક્રૅશની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારજનોને તાતા ગ્રુપ તરફથી એક કરોડ રૂપિયાની સહાય કરવાની જાહેરાત તાતા ગ્રુપના ચૅરમૅન એન. ચંદ્રશેખરને કરી હતી. ઉપરાંત ઈજાગ્રસ્તોની સારવાર સારી રીતે થાય એની કાળજી રાખીને તેમની સારવારનો ખર્ચ પણ તાતા ગ્રુપ કરશે. પ્લેન ક્રૅશ થઈને બી. જે. મેડિકલ હૉસ્ટેલના જે બિલ્ડિંગ પર પડ્યું હતું એ બિલ્ડિંગને ફરી ઊભું કરવાનો ખર્ચ પણ તાતા ગ્રુપ દ્વારા ઉપાડવાની જાહેરાત કરવામાં આવી છે. એન. ચંદ્રશેખરને ઘટના માટે દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘આ દુ:ખ વ્યક્ત કરવા માટે શબ્દો જ નથી. જેમણે પોતાના પ્રિયજન ગુમાવ્યા છે અને જેઓ ઈજાગ્રસ્ત છે તેમના માટે પ્રાર્થના કરીએ છીએ.’ 

Whatsapp-channel Whatsapp-channel

13 June, 2025 01:24 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK