આ મંત્રને અનુસરીને મૌસમી કાપડિયાએ કોઈ પણ ગિલ્ટ અનુભવ્યા વગર પોતાનાં પૅશનને ફૉલો કર્યાં અને એમ કરીને પોતાના સ્પેશ્યલી એબલ્ડ દીકરાને પણ ગજબનો કૉન્ફિડન્સ આપીને તેને બિઝનેસમૅન બનાવી દીધો...
મૌસમી કાપડિયા
તમારું સ્ટ્રૉન્ગ થવું એટલે પણ જરૂરી છે કેમ કે સમાજ અથવા તો સોસાયટી એવી સ્ત્રીઓથી ડરે છે જે સ્ટ્રૉન્ગ છે આ લાઇનને પોતાના ઇન્સ્ટાપેજ પર વટથી લખીને મૌસમી કાપડિયા સમાજ દ્વારા સ્ત્રીઓ માટેના અને ખાસ કરીને એક માતા માટેના સીમિત કરવામાં આવેલા દાયરાને રોજ બદલવાની કોશિશ કરે છે. મૌસમી કાપડિયાના નામથી આજે મોટા ભાગના લોકો પરિચિત હશે. તેમની પડકારરૂપ લાઇફની કહાણી અનેક ન્યુઝપેપરો અને સોશ્યલ મીડિયામાં આવી ચૂકી છે. તેઓ મધર્સ ડે નિમિત્તે દરેક માતાને એક વિશેષ સંદેશ આપવા માગે છે.
દુનિયાની કોઈ પણ માતાને જ્યારે ખબર પડે કે તેનો દીકરો કે દીકરી એવી ગંભીર બીમારીનો સામનો કરી રહ્યાં છે જેનો કોઈ ઇલાજ નથી અને તેઓ કેટલું જીવશે એ પણ ચોક્કસ નથી ત્યારે તેના પગ નીચેથી જમીન ધસી જાય છે. આવી જ મનોદશાનો આજથી લગભગ ૧૭-૧૮ વર્ષ પહેલાં સામનો કરનારાં મૌસમી કાપડિયા ત્યારે રીતસર ડિપ્રેશનમાં ચાલ્યાં ગયાં હતાં. લગભગ ત્રણથી ૪ વર્ષ સુધી પોતાની જાત સાથે, સમાજે મા માટે બનાવેલી વ્યાખ્યા સાથે અને નસીબ સાથે લડીને એવી રીતે બહાર આવ્યાં કે દુનિયા જોતી જ રહી ગઈ. તેમણે પોતાના પર લાગેલા બિચારી મમ્મીના ટૅગને હટાવીને બ્રેવ મમ્મીનો ટૅગ લગાડ્યો અને સમાજને બતાવી આપ્યું કે એક માતાને તેની ફરજ અને પૅશનની વચ્ચે સમાનતાને જાળવતાં અને સમજતાં આવડે છે.
સેલ્ફ-કૉન્ફિડન્સ
સ્પેશ્યલ મૉમ, Tedx સ્પીકર, બાઇકર, ટ્રાવેલર, ટ્રેકર અને ઇન્ફ્લુએન્સર એવાં પચાસ વર્ષનાં મૌસમી કાપડિયા ‘મિડ-ડે’ને કહે છે, ‘મને જ્યારે મારા દીકરા વેદાંશની રિજિડ સ્પાઇન મસ્ક્યુલર ડિસ્ટ્રૉફી (RSMD) નામની નૉન-ટ્રીટેબલ બીમારી વિશે ખબર પડી ત્યારે હું પણ અન્ય માની જેમ ભાંગી પડી હતી. હું પણ અન્યોની જેમ વિચારવા લાગી કે મારે જ મારા દીકરાનું ધ્યાન રાખવાનું છે, હું જો નહીં કરી શકીશ તો તેનું શું થશે? આવા વિચારો મને ડિપ્રેશનમાં ધકેલી ગયા હતા. જોકે ત્યારે મારી મિત્ર મને મદદરૂપ થઈ અને કાઉન્સેલિંગ સેન્ટરમાં લઈ ગઈ. ત્યાર બાદ મારી દુનિયાને જોવાની અને મારી જાતને જોવાની દૃષ્ટિ બદલાઈ ગઈ હતી. મારે દરેક મમ્મીને એ જ કહેવું છે કે દરેક સ્ત્રીને નાનપણથી એમ જ કહેવામાં આવે છે કે તારે બલિદાન આપવાનું છે, તારે ચૂપ રહેતાં શીખવાનું છે, તારે સહન કરતાં શીખવાનું છે. એમાં પણ માતા માટે એક એવી વ્યાખ્યા બનાવી દેવામાં આવી છે કે જો કોઈ એ વ્યાખ્યામાં બંધ ન બેસે તો તેને વખોડી કાઢવામાં આવે છે. જોકે બધા ભૂલી જાય છે કે માતા પોતે પણ એક વ્યક્તિ છે. તેનું મા થવું એ તેની લાઇફનું એક ચૅપ્ટર છે, આખી બુક નથી. મા બન્યા પછી પણ તે એક હ્યુમન જ છે. તેને પોતાની સંભાળ રાખવાની પણ એટલી જ જરૂર છે, પોતાની જાતને ખુશ રાખવાની પણ એટલી જ જરૂર છે અને એમાં કંઈ ખોટું નથી. જોકે અમુક પરિસ્થિતિમાં તમને એવું થાય કે હવે તો મારે આ જ કરતા રહેવાનું છે, આ જ મારી લાઇફ છે. આવા વિચારો તમને અંદરથી તોડી નાખે છે અને તમે ગુસ્સે થવા લાગો છો. જો તમે એને દબાવી રાખશો તો પણ હેરાન થશો, ડિપ્રેશનમાં આવી જશો અને જો ગુસ્સાને બહાર કાઢશો તો એના આંટામાં સૌથી પહેલાં તમારાં બાળકો જ આવે છે જે સદંતર ખોટું છે.’
કાઉન્સેલિંગ ઇઝ મસ્ટ
આપણે ત્યાં કાઉન્સેલિંગની પરિભાષા સાવ જુદી છે એમ જણાવીને મૌસમી કાપડિયા કહે છે, ‘લોકો એમ જ માને છે કે જેઓ કાઉન્સેલર પાસે જાય છે તેઓ માનસિક રીતે પ્રૉબ્લેમ ધરાવતા હોય છે, પરંતુ એવું નથી. હું જ્યારે કાઉન્સેલર પાસે ગઈ અને ઘણાં સેશનમાં ભાગ લીધો પછી મને ખબર પડી કે આ કાઉન્સેલિંગ તો ખૂબ જ જરૂરી હતું. મને ધીરે-ધીરે સમજ પડવા લાગી કે હું જો ખુશ નહીં રહું તો બીજાને કેવી રીતે ખુશ રાખી શકીશ? એટલે મેં મારી જાતનું ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું. પેઇન્ટિંગ મને ગમતું હતું એ શરૂ કર્યું, મનગમતી પ્રવૃત્તિઓ કરવાની શરૂ કરી. મારું વજન ચિંતામાં ને ચિંતામાં ખૂબ જ વધી ગયું હતું એને ઘટાડવાની શરૂઆત કરી. આમ મેં જ્યારથી પોતાના પર ધ્યાન આપવાનું શરૂ કર્યું ત્યારથી મેં મારામાં ઘણા ફેરફાર થતા જોયા. મારો ગુસ્સો શાંત થવા લાગ્યો. મારા બાળક પર વધુ ધ્યાન આપવા માંડી. ત્યારે મને એવું લાગ્યું કે જો હું જ અંદરથી ખાલી હોઉં અને હું જ આત્મવિશ્વાસ ગુમાવી દેતી હોઉં તો પછી મારા દીકરાને હું શું આપી શકી હોત? એટલે મેં મારી જાતને વધુ ને વધુ મજબૂત કરવાની શરૂ કરી દીધી. આ બધું મારા દીકરાની નજર સમક્ષ થયું હતું. તેણે જોયું કે હું જમીન પર પડીને ફરીથી કેવી રીતે ઊભી થઈ ગઈ. એને લીધે તેનામાં પણ આત્મવિશ્વાસ વધ્યો, વિલપાવર વધ્યો. અમે બન્ને એકબીજાને રોજ પ્રોત્સાહિત કરવા માંડ્યાં. બસ, પછી મેં મારું એક પછી એક પૅશન પૂરું કરવા માંડ્યું. હું જેમ-જેમ સ્ટ્રૉન્ગ થતી ગઈ તેમ-તેમ તે પણ સ્ટ્રૉન્ગ થતો ગયો. એટલે જો તમે સ્ટ્રૉન્ગ હશો તો બીજાને સ્ટ્રૉન્ગ કરી શકશો. બાળકોને લેક્ચર આપીને મજબૂત નથી કરી શકાતાં, પરંતુ તમારે તેની સાથે સ્ટ્રૉન્ગ થવાનું છે અને તેને બતાવવાનું છે કે સ્ટ્રૉન્ગ કેવી રીતે થઈ શકાય.’
તમારાં બાળકો તમને જ ફૉલો કરે છે
જે છોકરા માટે ડૉક્ટરે એક વખત કહી દીધું હતું કે તે પાંચ વર્ષથી વધારે જીવી શકે એમ નથી તે આજે બાવીસ વર્ષનો થઈ ગયો છે અને બિઝનેસમૅન છે એમ જણાવીને મૌસમી કાપડિયા કહે છે, ‘વેદાંશ આઇસક્રીમ પાર્લર ચલાવે છે. તે રોજ પોતાના શરીર પર લગાવેલાં સાધનો લઈને બપોરથી રાત સુધી તેના આઇસક્રીમ પાર્લરમાં જાય છે અને બધું સંભાળે છે. જો મારામાં હિંમત જ ન હોત તો હું તેને આવું સાહસ કરવા માટે પ્રોત્સાહન આપી જ શકી ન હોત. જો હું ૧૭ વર્ષ પહેલાંની મૌસમી હોત તો આજે વેદાંશ ઘરના એક ખૂણામાં બેડ પર તેના મશીન સાથે પડી રહ્યો હોત અને હું તેની બાજુમાં બેસીને તેના નસીબને અને પરિસ્થિતિને દોષ આપીને રડી રહી હોત. આજે વેદાંશ એટલો સ્ટ્રૉન્ગ થઈ ગયો છે કે તે કોઈ પરિસ્થિતિમાં હાર માનતો નથી. આ કેસમાં જે શક્ય નથી એ તમામ વેદાંશ કરી રહ્યો છે. મારી સાથે ઇન્ટરનૅશનલ ટ્રિપ પર પણ તે આવે છે. અમે બહાર ફરવા પણ જઈએ છીએ, સાથે રીલ્સ પણ બનાવીએ છીએ. હવે હું તેને રોડ-ટ્રિપ પર લઈ જવાની છું. એક મા તરીકે આવા કેસમાં તમે તમારા સંતાનમાં ક્યાં તો ડર નાખી શકો, ક્યાં તો પ્રોત્સાહન આપી શકો છો, કેમ કે તમારું સંતાન બીજા કરતાં પહેલાં તમને જ ફૉલો કરે છે.’
મૉમ-ગિલ્ટ
એક માતા તરીકે સોસાયટી હંમેશાં તમારી પાસેથી એવી જ આશા રાખે છે કે તમે પોતાના માટે કંઈ ન કરો; એક સ્ત્રી, એક માતાની લાઇફ ફક્ત તેની જવાબદારીઓ ફરતે જ ફરતી હોવી જોઈએ એમ જણાવીને મૌસમી કાપડિયા કહે છે, ‘જો તમે તમારું વિચારશો તો સેલ્ફિશ કહેવાશો. હું ઘણી વખત મમ્મીઓને પૂછતી હોઉં છું કે તમને શું ગમે છે? તમારું પૅશન શું છે? તેમની પાસે એનો કોઈ જવાબ જ હોતો નથી, કેમ કે તેમની લાઇફ ફૅમિલી ફરતે જ ફર્યા કરતી હોય છે. હું એમ નથી કહેતી કે ફૅમિલીનું ધ્યાન રાખવું કે તેમને સમર્પિત થઈ જવું ખોટું છે; પરંતુ એની સાથે તમે પોતાની જાતને ભૂલી જાઓ એ ખોટું છે, તમારી ઇચ્છાઓને મારી નાખો એ ખોટું છે. જેમ કે મને ફરવું, ટ્રેકિંગ કરવું, બાઇક ચલાવવી વગેરે ગમે છે અને હું એ કરું તો મને આનંદ મળે છે અને હું સ્ટ્રેસમુક્ત ફીલ કરું છું. એ મારું મેડિટેશન છે અને એ મારા પરિવારના સદસ્યોને પણ ખબર છે એટલે તેઓ મને એ કરવા દે છે કેમ કે તેમને ખબર છે કે હું આ કરીશ તો ખુશ રહીશ, સ્ટ્રેસમુકત રહીશ અને બીજા પર વધુ ધ્યાન આપી શકીશ. તમે પણ તમારા પૅશન, શોખ, ઇચ્છાઓને દબાવી રાખવાને બદલે એની પરિવાર સાથે ખુલ્લા મને વાત કરો. નહીં તો તમે હંમેશાં એક ગિલ્ટમાં ફસાઈ રહેશો. એક મૉમ-ગિલ્ટ છે જે સોસાયટીએ બનાવેલું છે. એક મા જો તેની જવાબદારીમાંથી જરાય આઘીપાછી થઈ જાય તો તેને એમ ફીલ કરાવવામાં આવે છે કે મા થઈને તું આવું કેવી રીતે કરી શકે છે? છોકરાને મૂકીને જવાની તારી હિંમત કેવી રીતે થઈ શકે છે? વગેરે-વગેરે જેવા ટોણા તેને ગિલ્ટમાં ધકેલી દે છે. આપણે આ જ વસ્તુને તોડીને બહાર નીકળવાનું છે, કેમ કે મૉમ-ગિલ્ટ જેવું કંઈ હોતું જ નથી. હમણાં મેં એક રીલ જોઈ. એમાં એક માતા ઑક્સિજનનો માસ્ક પહેરીને તેના પરિવારના સદસ્યો માટે કુકિંગ કરી રહી છે. ખબર નહીં તેને શું પ્રૉબ્લેમ હતો, પરંતુ એ રીલની નીચે લોકો કમેન્ટ કરી રહ્યા હતા કે સચ અ બ્રેવ મૉમ... ઇન્સ્પાયરિંગ વિડિયો વગેરે. જોકે હું કહું છું કે આ વિડિયો પ્રાઉડ ફીલ કરવા જેવો નથી પરંતુ એક સ્ત્રી, એક મા તરીકે શરમજનક વિડિયો છે. જો આવી પરિસ્થિતિમાં પણ તેણે કુક કરીને ઘરના લોકોનું પેટ ભરવું પડતું હોય તો એ ઘરના લોકો માટે શરમજનક કહેવાય. એક સ્ત્રી, એક મા હોવાનો મતલબ એ નથી કે તમારે ગમે એવી સ્થિતિમાં અને પોતાની પરવા કર્યા વિના પણ તમારી જવાબદારી પૂરી કરવાની. સોસાયટી શું કહેશે એ દરેક વખતે જોવાની જરૂર નથી. દરેક વસ્તુ બધાને સમજાવવાની જરૂર પણ નથી. જે વસ્તુ આપણને અને આપણા લીધે આપણા લોકોને ખુશ કરે એ જ સૌથી વધારે મહત્ત્વની છે.’
