ગુજરાતમાં ડાકોર, શામળાજી, દ્વારકા, અમદાવાદમાં ભાડજ ખાતે ઇસ્કૉન હરેકૃષ્ણ મંદિર સહિત ગુજરાતમાં આવેલાં શ્રીકૃષ્ણનાં મંદિરોમાં હર્ષોલ્લાસ સાથે ગઈ કાલે જન્માષ્ટમી પર્વની ઉજવણી થઈ હતી.
ડાકોર મંદિરમાં ભગવાન રણછોડરાયજીનાં દર્શન, અમદાવાદના ઇસ્કૉન હરેકૃષ્ણ મંદિરમાં શ્રીકૃષ્ણનાં દર્શન.
ગુજરાતમાં ડાકોર, શામળાજી, દ્વારકા, અમદાવાદમાં ભાડજ ખાતે ઇસ્કૉન હરેકૃષ્ણ મંદિર સહિત ગુજરાતમાં આવેલાં શ્રીકૃષ્ણનાં મંદિરોમાં હર્ષોલ્લાસ સાથે ગઈ કાલે જન્માષ્ટમી પર્વની ઉજવણી થઈ હતી. લાખ્ખો દર્શનાર્થીઓ વહેલી સવારથી શ્રીકૃષ્ણનાં દર્શન માટે ઊમટ્યાં હતાં. ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલકી’ના ગુંજારવથી યાત્રાધામો ગુંજી ઊઠ્યાં હતાં અને ભક્તજનોએ ભજન-કીર્તનથી બાળગોપાળને લાડ લડાવ્યાં હતાં. અમદાવાદના સીમાડે આવેલા ભાડજમાં ઇસ્કૉન હરેકૃષ્ણ મંદિરમાં ભક્તિભાવપૂર્ણ રીતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી થઈ હતી. ઇસ્કૉન હરેકૃષ્ણ મંદિર દ્વારા જન્માષ્ટમીની ઉજવણી અને અેના આધ્યાત્મિક સંદેશને સમાજના વિવિધ વર્ગ સુધી પહોંચાડવા અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતનાં વિવિધ શહેરોમાં ‘સ્વાગતમ્ કૃષ્ણ’ કાર્યક્રમ યોજાયો હતો. ઇસ્કૉન હરેકૃષ્ણ મંદિરમાં પૂજાપાઠ ઉપરાંત ભક્તિ સંગીત સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. મંદિરમાં બાળગોપાળનાં દર્શન માટે અગણિત ધાર્મિકજનો ઊમટ્યાં હતાં અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ડાકોરમાં વહેલી સવારથી રાજા રણછોડરાયજીનાં દર્શન માટે ગુજરાત ઉપરાંત સમગ્ર ભારતમાંથી દર્શનાર્થીઓ ઊમટ્યા હતા. તો શામળાજીમાં પ્રભુ શામળિયાનાં દર્શન માટે ભક્તજનોએ લાઇન લગાવી હતી. આ નાનકડા નગરમાં શામળિયાજી પ્રભુની શોભાયાત્રા નીકળી હતી. નગરમાં ઠેર-ઠેર આસોપાલવનાં તરણો બાંધવામાં આવ્યાં હતાં. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરીને ભાવિકજનો ધન્ય બન્યા હતા. મંદિર પર બાવન ગજની ધ્વજા લહેરાવી હતી.
