ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન પામ્યું ભારતીય સનાતન સંસ્કૃતિનું ગૌરવગાન, પ. પૂ. મહંત સ્વામી મહારાજને બહુમાનપત્ર અર્પણ કરવામાં આવ્યું
૯૨મી જન્મજયંતીના સમારોહમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજ, હિન્દુ ગ્રંથના સૌથી વિરાટ સમૂહગાન બદલ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા સર્ટિફિકેટ મળ્યું.
ગઈ કાલે વડોદરાના અટલાદરામાં પ.પૂ. મહંત સ્વામી મહારાજના ૯૨મા જન્મજયંતી મહોત્સવની ઉજવણી ધામધૂમથી અનેરા ભક્તિભાવથી કરવામાં આવી હતી. આ અવસરે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવનું બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (BAPS) સંસ્થાના વરિષ્ઠ સંતોએ સ્વાગત કર્યું હતું.
આ મહોત્સવમાં ઇંગ્લૅન્ડથી પધારેલા ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના અધિકારી દ્વારા પ. પૂ. મહંત સ્વામી મહારાજનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિન્દુ ગ્રંથનું સૌથી વિરાટ સમૂહગાન યોજાયું હતું અને એ બદલ BAPSની ઇન્ટરનૅશનલ ચિલ્ડ્રન્સ ફોરમને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ તરફથી સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
પ. પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી BAPS સંસ્થાનાં ૩ વર્ષથી ૧૩ વર્ષની વય સુધીનાં ૧૫,૦૦૦ કરતાં વધુ બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથનો એક વર્ષમાં સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો હતો. મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત ૩૧૫ શ્લોકો ધરાવતો સત્સંગદીક્ષા ગ્રંથ ઉન્નત આધ્યાત્મિક, નૈતિક, સામાજિક, વ્યાવહારિક જીવનની પ્રેરણા પૂરી પાડે છે.
કોઈ એક સંસ્કૃત ગ્રંથનો એ ગ્રંથના રચયિતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ૧૫,૬૬૬ જેટલાં બાલ-બાલિકાઓએ માત્ર એક વર્ષમાં સંપૂર્ણ ગ્રંથનો એટલે કે ૩૧૫ શ્લોકોનો મુખપાઠ કર્યો હોય અને સમૂહગાન કર્યું હોય એવી આ ઐતિહાસિક વિરલ ઘટના છે.
સમગ્ર કાર્યક્રમના અંતે લાખો દીવડાઓ દ્વારા સમૂહઆરતી વખતે હૃદયંગમ વાતાવરણ સર્જાયું હતું. આ જન્મજયંતી સમારોહમાં BAPS સંસ્થાના ૮૦૦ સંતો તેમ જ અંદાજે બે લાખ જેટલા ભક્તો-ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય આયોજન માટે ત્રણ મહિનાથી વધુ સમયથી વ્યાપક આયોજન અને તૈયારીઓ ચાલી રહી હતી જેમાં બી.એ.પી.એસ.ના સેંકડો સંતો તથા ૩૪ સેવા વિભાગના ૧૪,૦૦૦ સ્વયંસેવકોએ અવિરત સેવા આપી હતી.


