અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં બનશે મૉલ, જ્યાં ઊભી કરાશે સ્વદેશી ઉત્પાદનોના વેચાણ માટે કાયમી અને આધુનિક બજાર-વ્યવસ્થા
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ગુજરાતમાં સ્વદેશી મેળાઓના આયોજન બાદ હવે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નમો સ્વદેશી અર્બન મૉલ બનાવવામાં આવશે. જ્યાં સ્વદેશી ઉત્પાદનોના વેચાણ માટે કાયમી અને આધુનિક બજાર-વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
ગુજરાત સરકાર શહેરી વિસ્તારોમાં સ્થાનિક કારીગરો અને નાના ઉદ્યોગકારોને મંચ આપવા માટે વિવિધ પહેલ અમલમાં મૂકી રહી છે ત્યારે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ અંતર્ગત ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે નમો સ્વદેશી અર્બન મૉલ યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. આ યોજનાનો હેતુ મહાનગરપાલિકાઓમાં સ્વદેશી ઉત્પાદનોના વેચાણ માટે કાયમી અને આધુનિક બજાર-વ્યવસ્થા ઊભી કરવાનો છે જેથી શહેરીજનો સ્વદેશી ઉત્પાદનો ખરીદવા પ્રોત્સાહિત થાય. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કાયમી ધોરણે બનનારા આ મૉલ સ્થાનિક કારીગરો, મહિલા સ્વસહાય જૂથો, શેરી-ફેરિયાઓ અને નાના ઉદ્યોગકારોને પોતાના સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરવા માટે એક સુવ્યવસ્થિત અને આધુનિક પ્લૅટફૉર્મ પૂરું પાડશે. આ મૉલનો ઉપયોગ સ્વદેશી મેળાઓ, હાટ અને વિવિધ પ્રદર્શનો માટે પણ કરી શકાશે. એના કારણે વોકલ ફૉર લોકલ અભિયાનને વેગ મળશે. ગુજરાત સરકાર દ્વારા ૨૦૨૬-’૨૭ના બજેટમાં આ મૉલ અને સ્વદેશી મેળાઓના આયોજન માટે ૪૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
