Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધીએ પૂછ્યું કે નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી ચૂંટણી કેમ નથી લડતા?

બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધીએ પૂછ્યું કે નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી ચૂંટણી કેમ નથી લડતા?

05 May, 2024 10:55 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૫૬ ઇંચની છાતી છે તેમની, પણ એક આલોચના નથી સાંભળી શકતા

પ્રિયંકા ગાંધીની સભામાં ઊમટેલા ગ્રામજનો.

પ્રિયંકા ગાંધીની સભામાં ઊમટેલા ગ્રામજનો.


કૉન્ગ્રેસનાં જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ ગઈ કાલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના લાખણીમાં જાહેર સભામાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શહેનશાહ ગણાવીને પ્રશ્ન ઉઠાવી આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘ગુજરાતે નરેન્દ્ર મોદીને માન-સન્માન આપ્યું, સ્વાભિમાન આપ્યું, તેમને આગળ વધાર્યા, સત્તા આપી તો તેઓ ગુજરાતથી કેમ ચૂંટણી નથી લડતા? આટલે દૂર વારાણસીમાં જઈને કેમ ચૂંટણી લડે છે? કેમ કે તમારાથી સંપર્ક કપાઈ ગયો છે, તમારાથી ફાયદો કાઢી લીધો છે, તમે સત્તા આપી મુખ્ય પ્રધાન બનાવ્યા, કેટલીયે વાર બનાવ્યા. અહીં તેમને સત્તા મળી, નામ મળ્યું, તમારા સમર્થનથી તેમને સન્માન મળ્યું. અહીંથી વડા પ્રધાન બન્યા અને તમને ભૂલી ચૂક્યા છે.’

બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડતાં ગેનીબહેન ઠાકોર તેમ જ અન્ય ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણીસભા સંબોધવા આવેલાં પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદી પર અને ભારતીય જનતા પાર્ટી  (BJP)ની સરકાર પર વાક્પ્રહાર કરીને મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે મોદી સરકારને ઘેરીને આક્ષેપ કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ બીજું શું-શું કહ્યું એ જાણીએ...



તેઓ મારા ભાઈને શહઝાદા બોલે છે. હું તેમને બતાવવા માગું છું કે આ શહઝાદા ૪૦૦૦ કિલોમીટર પગપાળા ચાલ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી તમારી સમસ્યા સાંભળવા ચાલ્યા છે. બહેનો, ભાઈઓ, ખેડૂતો, શ્રમિકોને મળીને પૂછ્યું છે કે તમારા જીવનમાં શું સમસ્યા છે? એને કેવી રીતે હલ કરી શકીએ. બીજી તરફ તમારા શહેનશાહ નરેન્દ્ર મોદીજી મહેલોમાં રહે છે. તમે ટીવી પર તેમનો ચહેરો જોયો છે?


એકદમ સાફસૂથરો સફેદ કુરતો, એક દાગ નથી ધૂળનો. એક વાળ પણ આમથી તેમ નથી થઈ રહ્યો. તે ક્યાંથી સમજશે તમારી મજૂરીને, તમારી ખેતીને કેવી રીતે સમજી શકશે. કેવી રીતે સમજી શકશે કે મોંઘવારીમાં તમે દબાઈ ગયા છો.

અહીં રાજપૂત સમાજની મહિલાઓનું કેટલું અપમાન કરવામાં આવ્યું. મોદીજીએ શું કર્યું? શું હટાવ્યા તે ઉમેદવારને? તમારી માગણી શું હતી કે તે ઉમેદવારને હટાવે. મોદીજીએ તમારી વાત સાંભળી? હું તમને વાયદો કરું છું કે જો અમને મોકો મળશે તો તમારી વાત દેશભરમાં ફેલાવીશું અને બતાવીશું અને આવું અપમાન તમારી સાથે નહીં થવા દઈએ.


ઑલિમ્પિક્સની મેડલિસ્ટ મહિલાઓ જે દેશ માટે લડી અને મેડલ લાવી તો મોદીજીએ તેમની સાથે ફોટો પડાવ્યા. બધા કહે મોદી હૈ તો મુમકિન હૈ, મોદીજીના કારણે આ મેડલ લઈને આવી છે. એ જ મહિલા સડક પર ઊતરી, કેમ કે તેમની સાથે અત્યાચાર થયો હતો. મોદીજીએ તેમની મદદ ન કરી. આ છે નરેન્દ્ર મોદી સરકારની અસલિયત.

છેલ્લાં ૧૦ વર્ષમાં નરેન્દ્ર મોદીજીએ સૌથી મોટું કામ કર્યું હોય તો એ જનતાના અધિકારોને કમજોર કરવાનું કામ કર્યું છે. અમૂલ, બનાસ ડેરી કોણે ઊભી કરી? કૉન્ગ્રેસના જમાનામાં આ સેક્ટર ઊભું થયું. આજે પ્રયાસ શું થઈ રહ્યો છે, BJPના નેતા એનો કબજો કરવાની કોશિશ કરે છે. આ તમારી સંપત્તિ છે. આ તમારા માટે સેક્ટર બનાવ્યું છે, અહીંના ખેડૂત આગળ વધે.

દેશમાં સ્થિતિ એ છે કે ૧૦ વર્ષમાં રોજગાર બનાવવાનું કામ નથી કરવામાં આવ્યું. આજે ૭૦ કરોડ નવજવાનો આપણા દેશમાં બેરોજગાર છે. કહે છે કે કૉન્ગ્રેસે ૭૦ વર્ષમાં શું કર્યું? હું તેમને પૂછવા માગું છું કે તમે ૧૦ વર્ષમાં શું કર્યું? અમે IIM, IIT બનાવી, ભાખરાનાંગલ ડૅમ બનાવ્યો, તમારું અમૂલ બનાવ્યું, તમે શું બનાવ્યું?

તમે ફૂટ પડાવી, લોકો વચ્ચે નફરતનું બીજ વાવ્યું. એ નફરતના બીજીથી તેમની સત્તા વધશે. તમારી પાસે જ્યારે ચૂંટણી સમયે આવે છે તો શું વાત કરે છે? બે-ત્રણ દિવસ પહેલાં આવ્યા હતા. ચૂંટણી છે ભારતમાં અને વાત થઈ રહી છે પાકિસ્તાનની.

નરેન્દ્ર મોદીનું જૂનું રટણ ચાલી નથી રહ્યું, કેમ કે દેશની જનતા જાગી રહી છે. જનતા કહી રહી છે કે મંચ પર આવો તો કામની વાત કરો. આજે દેશની જનતા કહી રહી છે અમને આ ચૂંટણી હિન્દુ-મુસ્લિમ પર નથી લડવી, અમને આ ચૂંટણી વીજળી, પાણી, રોજગાર, મોંઘવારી પર લડવી છે. આજે દેશની જનતા કહી રહી છે કે બહુ જ થઈ ગયું મોદીજી, બહુ જોઈ લીધી તમારી નૌટંકી, બહુ સાંભળી લીધાં તમારાં ભાષણ, પણ તમારાં ભાષણમાં એક શબ્દ પણ અમારા માટે નથી રહ્યો.

બહુ મોટી-મોટી વાતો કરી. ‘સબકા સાથ, સબકા વિકાસ’ આવી વાતો કરી. તો કોનો વિકાસ થયો? ૫૬ ઇંચની છાતી છે તેમની, પણ એક આલોચના નથી સાંભળી શકતા. સચ્ચાઈ શું છે, તમારું જીવન સચ્ચાઈ છે. સચ્ચાઈના આધારે વોટ આપો. દરેક ચૂંટણીમાં તમને ગુમરાહ કરે છે. દરેક ચૂંટણીમાં ધર્મની વાત, જાતિની વાત અને તમે ગુમરાહ થઈ જાઓ છો અને એના આધારે વોટ આપી દો છો, પણ હું અહીં કહેવા આવી છું કે તમારા માટે તમારો વોટ આપો. પોતાની સમસ્યાના આધાર પર વોટ આપો. કોઈ નેતાને ન જુઓ, પાર્ટીને ન જુઓ. એ જુઓ કે મારા જીવનમાં તરક્કી કેવી રીતે થશે. આજે અમે નવી ચેતના સાથે તમારી સામે આવ્યા છીએ, કેમ કે અમે જોઈ રહ્યા છીએ કે દેશમાં જે થઈ રહ્યું છે એ ખોટું છે.

Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 10:55 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK