જૂની રંગભૂમિનાં ગીતો, વાદ્ય સંગીતની સાથે યોજાશે ૨૦ ફુટથી ઊંચા પપેટની પરેડ
ભદ્ર ફેસ્ટિવલ
વર્લ્ડ હેરિટેજ સપ્તાહ દરમ્યાન હેરિટેજ શહેર અમદાવાદમાં કલાપ્રેમીઓ માટે થશે વિશેષ કાર્યક્રમ: દેશ અને વિદેશના ૧૦૦થી વધુ કલાકારો ઐતિહાસિક સ્થાપત્યોના સાંનિધ્યમાં રજૂ કરશે કલાત્મક પ્રસ્તુતિ: ખાસ રજૂ થશે ભદ્રાખ્યાન: જૂની રંગભૂમિનાં ગીતો, વાદ્ય સંગીતની સાથે યોજાશે ૨૦ ફુટથી ઊંચા પપેટની પરેડ
અમદાવાદમાં આવેલા ઐતિહાસિક ભદ્ર કિલ્લા પાસે ૧૨ વર્ષ પછી ભદ્ર ફેસ્ટિવલ યોજાશે. વર્લ્ડ હેરિટેજ સપ્તાહ દરમ્યાન અમદાવાદમાં કલાપ્રેમીઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન થયું છે જેમાં દેશ-વિદેશના ૧૦૦થી વધુ કલાકારો ઐતિહાસિક સ્થાપત્યોના સાંનિધ્યમાં કલાત્મક પ્રસ્તુતિ રજૂ કરશે. કલા, સંસ્કૃતિ, પરંપરા, સ્થાપત્ય અને વારસાની સાંસ્કૃતિક રીતે ઉજવણી થશે જેમાં ૨૦ ફુટથી ઊંચા પપેટની પરેડ આકર્ષણનું કેન્દ્ર બનશે.
ADVERTISEMENT
ક્રાફ્ટ ઑફ આર્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા અમદાવાદમાં આવેલાં ઐતિહાસિક સ્થળો, ભદ્રનો કિલ્લો, ૩ દરવાજા અને જુદી-જુદી ૩ વાવમાં સંગીત અને નાટકના કાર્યક્રમ યોજાશે. ક્રાફ્ટ ઑફ આર્ટના સ્થાપક બિરવા કુરેશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૨ વર્ષ પછી ભદ્ર વિસ્તારમાં ૧૯ નવેમ્બરે ભદ્ર ફેસ્ટિવલ યોજાશે. આ ઉપરાંત પચીસ નવેમ્બરે વૉટર હેરિટેજ સિરીઝ કાર્યક્રમ યોજાશે. ભદ્ર ફેસ્ટિવલમાં ભદ્રના કિલ્લાથી લઈને ૩ દરવાજા સુધીના પરિસરમાં સંગીતસમારોહ યોજાશે. નગારાવાદન, રાવણહથ્થાની રજૂઆત, સીદી ગોમા ડાન્સ, નાટ્યસંગીત સહિતના કાર્યક્રમો રજૂ થશે. વીસથી ૨૫ ફુટ ઊંચા પપેટની પરેડ યોજાશે જેમાં વિશાળ પપેટનાં ૭ જેટલાં કૅરૅક્ટર્સ હશે. દાસ્તાન-એ-દરવાજા અને ભદ્રની કથાને ઉજાગર કરતી પરંપરાગત ગુજરાતી કથાપ્રસ્તુતિ ભદ્રાખ્યાન રજૂ કરવામાં આવશે. ભદ્રના ઇતિહાસ અને એની સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરતા આ ફેસ્ટિવલમાં વિશેષ પ્રદર્શન પણ યોજાશે. વૉટર હેરિટેજ સિરીઝ કાર્યક્રમમાં જેઠાભાઈની વાવ, અમૃતવર્ષિણી વાવ તેમ જ દાદાહરિની વાવમાં સંગીત, કવિતા અને નૃત્યના કાર્યક્રમ યોજાશે.’
