ગીરમાં બેબીસિયા રોગથી બે સિંહબાળનાં મોત અને રોગ પ્રસરે નહીં એ માટે વનવિભાગ બન્યો અલર્ટ
પ્રતીકાત્મક તસવીર
આખા વિશ્વના સહેલાણીઓ જે પ્રાણીને જોવા માટે ઉત્કંઠા સાથે ગીરના જંગલમાં આવે છે એ સિંહોના આરોગ્યને લઈને માઠા સમાચાર છે. ગીરમાં બેબીસિયા રોગને કારણે બે બાળસિંહનાં મોત થયાં છે જેને કારણે વનવિભાગ અલર્ટ બન્યો છે અને આ રોગ વનમાં વધુ પ્રસરે નહીં એ માટે પ્રયાસો શરૂ કર્યા છે.
ગુજરાતના વન અને પર્યાવરણપ્રધાન અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘માત્ર બે સિંહોનાં બેબીસિયા વાઇરસથી શંકાસ્પદ મૃત્યુ થયાં છે. જાણવા મળ્યું છે કે બાકીના જે સિંહોનાં મૃત્યુ થયાં છે એ ક્યાંક સંઘર્ષથી કે બીજાં કોઈ કારણોસર થયાં છે. શંકાસ્પદ સિંહોની ઓળખ કરવાની કાર્યવાહી ચાલુ છે. રોગ પ્રસરે નહીં એ માટે વનવિભાગ કામ કરી રહ્યો છે. બેબીસિયા વાઇરસ છે એ પશુઓમાં ઇતરડી નામની જીવાતથી પ્રસારિત થતો હોય છે. એને કારણે સિંહોમાં નબળાઈ આવે છે, નાકમાંથી પ્રવાહી નીકળે છે, ખાંસી આવે છે અને એને કારણે ક્યાંક મૃત્યુ પણ થતાં હોય છે. બેબીસિયા વાઇરસનો પ્રસાર અટકે એ માટે વનવિભાગના અધિકારીઓ અને વેટરિનરી ડૉક્ટરોની ટીમ સક્રિય છે અને આવા શંકાસ્પદ સિંહોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે. એમની ઓળખ કરી, સૅમ્પલ લઈને એ પ્રકારની સારવાર આપવાની ચાલુ છે.’
ADVERTISEMENT
ગીરમાં છેલ્લા એક વીકમાં પાંચ સિંહનાં મોત થયા છે. એમાં બે બાળસિંહનાં બેબીસિયા રોગથી મોત થયાં છે, બે સિંહનાં કુદરતી રીતે મોત થયાં છે અને એક સિંહનું અંદરોઅંદરની લડાઈમાં મોત થયું છે.
ગિરનારમાં બીજી જૂનથી ૯ દિવસ રોપવે બંધ
જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ગરવા ગઢ ગિરનાર પર મંદિરોમાં દર્શન કરવા માટે અગણિત શ્રદ્ધાળુઓ જતા હોય છે ત્યારે આગામી બીજીથી ૧૦ જૂન સુધી રોપવે એના વાર્ષિક મેઇન્ટેનન્સને કારણે બંધ રહેશે. યાત્રિકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને દર વર્ષે ટેક્નિકલ મેઇન્ટેનન્સ કરવામાં આવે છે. આ દિવસો દરમ્યાન રોપવેની તમામ સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં. ૧૧ જૂનથી રોપવે સેવા ફરી શરૂ થશે.
