વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું...
જૈન અગ્રણીઓએ મેમેન્ટો આપીને અમિત શાહનું સ્વાગત કર્યું હતું.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુરુવારે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ પર દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં કહ્યું હતું કે ‘આ મંત્ર મનુષ્યના જીવનને એક ઉન્નત રસ્તા તરફ લઈ જાય છે, આપણી ચેતના જગાવે છે અને સારા ઇરાદાઓને મજબૂત કરે છે. દુનિયામાં અત્યારે શાંતિની બહુ જરૂર છે ત્યારે નવકાર મંત્રનો સામૂહિક જાપ માહોલને શુદ્ધ કરવામાં અને મનને શાંત કરવામાં મદદ કરે છે. એનાથી પરસ્પર વચ્ચે સમજણ, સદ્ભાવ અને સંવેદનશીલતા પણ મજબૂત થશે. આ પરંપરા હજારો વર્ષોથી ચાલી આવે છે. આપણા ઋષિઓએ પેઢીઓ સુધી અથાગ તપસ્યા કરીને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે આવા મંત્રોની રચના કરી છે. આપણે એને પૂરી શ્રદ્ધા સાથે અપનાવવા જોઈએ.’
