ફ્લાઇંગ પેન્ટાગૉન તરીકે જાણીતું વાયુસેનાનું આ સૌથી રહસ્યમય અને શક્તિશાળી વિમાન પરમાણુ યુદ્ધ કે રાષ્ટ્રીય કટોકટીમાં સરકાર અને સેનાની કમાન સંભાળવા માટે બનાવવામાં આવ્યું છે
‘ડૂમ્સ ડે’ પ્લેન
અમેરિકાની સેનાનાં સૌથી રહસ્યમયી વિમાનોમાં સામેલ બોઇંગ E-4B નાઇટવૉચ, જેને સામાન્ય રીતે ‘ડૂમ્સ ડે’ પ્લેન કહેવાય છે એ દાયકાઓ પછી અચાનક દુનિયા સામે આવ્યું છે. આ વિમાન તાજેતરમાં અમેરિકાના નેબ્રાસ્કાના બેઝ પરથી મૅરિલૅન્ડ પહોંચ્યું હતું જે વૉશિંગ્ટનથી ખૂબ નજીક છે. ૫૧ વર્ષના ઇતિહાસમાં બહુ ગણ્યાગાંઠ્યા મોકાઓ છે જેમાં આ વિમાન ખુલ્લેઆમ આ રીતે મૂવમેન્ટ કરતું દેખાયું હોય.
થોડા સમય પહેલાં અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો હતો અને રશિયાના એક જહાજને પણ જપ્ત કર્યું હોવાથી વૈશ્વિક તનાવ વધેલો છે ત્યારે આ વિમાનનું દેખાવું કંઈક વધુ ગંભીર થવા જઈ રહ્યું હોવાનાં એંધાણ છે. સત્તાવાર રીતે અમેરિકા તરફથી કોઈ કટોકટીની ઘોષણા કરવામાં નથી આવી, પરંતુ આ વિમાનની હાજરી માત્ર એનો સંકેત છે કે અમેરિકા દરેક પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર છે.
ADVERTISEMENT
ડૂમ્સ ડે પ્લેન શું છે?
E-4B નાઇટવૉચ નૅશનલ ઍરબૉર્ન ઑપરેશન સેન્ટર તરીકે કામ કરે છે. આ એક ફ્લાઇંગ કમાન્ડ પોસ્ટ છે જે ન્યુક્લિયર વૉર માટે તેમ જ અમેરિકાની ધરતી પરથી થતા ખતરનાક હુમલાને કારણે ગ્રાઉન્ડ કમાન્ડ સેન્ટર નષ્ટ થાય તો એ વખતે પણ અમેરિકન સરકાર કામ કરતી રહે એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. એમાં મિલિટરીના ન્યુક્લિયર કમાન્ડ, કન્ટ્રોલ અને કમ્યુનિકેશન સિસ્ટમનો એક મુખ્ય હિસ્સો છે જેનાથી સિનિયર લીડર્સ દરેક હાલતમાં ન્યુક્લિયર ફોર્સને મૅનેજ કરી શકે છે.


