સંસદ ભંગ, વચગાળાની સરકાર બનશે, ભૂતપૂર્વ વડાં પ્રધાન ખાલેદા ઝિયાની જેલમાંથી મુક્તિ
ઇસ્કૉન મંદિરમાં લૉર્ડ જગન્નાથ, બળદેવ અને સુભદ્રાદેવીની મૂર્તિઓને બાળી મૂકવામાં આવી હતી
કી હાઇલાઇટ્સ
- મંદિરોમાં તોડફોડ
- ઇસ્કૉન મંદિરમાં મૂર્તિઓ સળગાવી દેવાઈ
- શેખ હસીનાને રાજકીય આશ્રય આપવા માટે તૈયાર નથી બ્રિટિશ સરકાર
બંગલાદેશમાં આરક્ષણવિરોધી પ્રદર્શનો થયા બાદ એક તરફ વડાં પ્રધાન શેખ હસીનાની ખુરસી છીનવાઈ ગઈ છે ત્યારે બીજી તરફ તેમણે દેશ છોડી દીધા બાદ ૨૪ કલાકમાં આ દેશમાં અરાજકતા ફેલાઈ ગઈ છે અને હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હિન્દુ મંદિરો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. ઇસ્કૉન મંદિરમાં મૂર્તિઓને તોડી નાખીને સળગાવી દેવામાં આવી છે.
ભારતે શેખ હસીનાને તાત્પૂરતું શરણ આપ્યું છે અને તેઓ લંડન જવા માગે છે, પણ બ્રિટન તેમને અત્યારે તો રાજકીય આશ્રય આપવા તૈયાર નથી. આમ ભારત માટે મુશ્કેલ અને કટોકટીનો સમય છે; કારણ કે એની સામે બંગલાદેશમાં રહેતા ભારતીયોને બચાવવાનો, ત્યાં ભણતા સ્ટુડન્ટ્સને પાછા લાવવાનો અને ૪૦૯૬ કિલોમીટર લાંબી સરહદ પરથી ઘૂસણખોરી ન થાય એનું ધ્યાન પણ રાખવાનો પડકાર છે.
ADVERTISEMENT
બંગલાદેશમાં સત્તાપરિવર્તન બાદ ભારત સામે મોટો સવાલ છે કે હવે શું કરવું જોઈએ. સોમવારે રાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટીની બેઠકનું નેતૃત્વ કર્યું હતું અને આવી પરિસ્થિતિમાં ભારતે શું કરવું જોઈએ એની ચર્ચા કરી હતી.
પાડોશી દેશમાં સત્તાપરિવર્તન અને ભારતતરફી વડાં પ્રધાન શેખ હસીનાની વિદાય થવી એ ભારત માટે મુશ્કેલ ઘડી છે. સરકારે હજી સુધી આ મુદ્દે કોઈ પ્લાન જાહેર નથી કર્યો.
શેખ હસીનાને ક્યાં સુધી ભારતમાં રહેવા દેવામાં આવે એ પણ સવાલ છે, કારણ કે બંગલાદેશમાં નવી સરકાર સાથે પણ ભારતે રાજકીય સંબંધ જાળવવાના છે, કારણ કે બંગલાદેશમાં આશરે એક કરોડ જેટલા હિન્દુઓ વસે છે અને તેમની સલામતી પણ જરૂરી છે.
૧૯૭૫માં બંગલાદેશમાં થયેલા સત્તાપરિવર્તન સમયે શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહમાન સહિતના પરિવારની હત્યા કરવામાં આવી ત્યારે ભારતે શેખ હસીનાને રાજકીય આશ્રય આપ્યો હતો. ૨૦૦૯થી શેખ હસીના બંગલાદેશમાં સત્તા પર આવ્યાં ત્યારથી તેઓ ભારતનાં મિત્ર રહ્યાં છે અને બે દેશ વચ્ચે સંબંધો વધુ ગાઢ બન્યા હતા અને અનેક મુદ્દે વિવાદોનું નિરાકરણ આવ્યું હતું.
હવે બંગલાદેશમાં જે નવી વચગાળાની સરકાર બનશે એમાં બંગલાદેશ નૅશનલિસ્ટ પાર્ટી અને જમાત-એ-ઇસ્લામી રહેશે જેમની ઓળખ ભારતવિરોધી તરીકેની છે. આ પક્ષોએ જ સ્ટુડન્ટ્સ આંદોલનને ટેકો આપ્યો હતો. ખાલેદા ઝિયાએ તો આરોપ લગાવ્યો હતો કે ભારત બંગલાદેશની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. જમાતને પાકિસ્તાન સાથે સારા સંબંધ છે. આ બન્ને પક્ષો ચીનતરફી ઝોક ધરાવે છે અને એ ભારત માટે ખતરાની ઘંટી છે.
૨૭ જિલ્લામાં હિન્દુઓનાં ઘર અને મંદિરોને નિશાન બનાવવામાં આવ્યાં
હિંસા અને આગ ચાંપવાની ઘટનાઓ વચ્ચે બંગલાદેશમાં લઘુમતી હિન્દુ કોમને નિશાન બનાવવામાં આવી રહી છે અને પ્રદર્શન કરનારાઓનાં ટોળાં હિન્દુ ઘર અને મંદિરોને નિશાન બનાવી રહ્યાં છે. આશરે ૨૭ જિલ્લામાં હિન્દુ મંદિરો અને ઘરો પર હુમલા થઈ રહ્યા છે, હિન્દુઓની દુકાનોને લૂંટવામાં આવી રહી છે. બંગલાદેશમાં કાલીમાતા મંદિર અને ઇસ્કૉન મંદિર સહિત ચાર મોટાં મંદિરો પર હુમલો કરવામાં આવ્યો છે અને એમાં તોડફોડ કરવામાં આવી છે.
ઇસ્કૉનના પ્રવક્તા યુધિષ્ઠર ગોવિંદ દાસે જણાવ્યું હતું કે બંગલાદેશના ખુલના ડિવિઝનમાં મેહેરપુરમાં આવેલા ઇસ્કૉન સેન્ટરના મંદિરમાં પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી હતી અને આગ ચાંપી દીધી હતી. મંદિરમાં લૉર્ડ જગન્નાથ, બળદેવ અને સુભદ્રાદેવીની મૂર્તિઓને બાળી મૂકવામાં આવી હતી. જોકે મંદિરમાંના ત્રણ ભાવિકો માંડ-માંડ ત્યાંથી બચીને નાસી જવામાં સફળ રહ્યા હતા.
ચિત્તાગોંગમાં ત્રણ મંદિરો પર ખતરો તોળાઈ રહ્યો છે. હિન્દુ ભાવિકો તેમના મુસ્લિમ મિત્રોની મદદથી આ મંદિરોની સુરક્ષા કરી રહ્યા છે. જોકે પોલીસ કે આર્મીની સુરક્ષા મળતી નથી. બુદ્ધિસ્ટ સેન્ટરોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.
બ્રિટિશ સરકાર રાજકીય આશ્રય આપવા તૈયાર નથી
બંગલાદેશથી ભાગીને ભારત આવી પહોંચેલાં શેખ હસીના ભારતથી લંડન જવાનાં હતાં, પણ બ્રિટિશ સરકારે તેમના આ પ્લાન પર ઠંડું પાણી રેડી દીધું છે. બ્રિટનની કીર સ્ટાર્મરની લેબર પાર્ટીના વિદેશ-વિભાગે સ્પષ્ટ કર્યું છે કે બ્રિટિશ ઇમિગ્રેશન વ્યક્તિગત લોકોને બ્રિટનમાં પ્રવાસ કરીને તાત્પૂરતું શરણ આપવા કે રાજકીય આશ્રય આપવાની પરવાનગી આપતું નથી. રાજકીય આશ્રય લેવા માગતા લોકોએ પહેલાં એક સલામત દેશમાં જવું જોઈએ. યુનાઇટેડ કિંગડમ ઘણા લોકોને તેમનો જીવ બચાવવા માટે રાજકીય આશ્રય આપે છે, પણ કોઈને રાજકીય આશ્રય કે ટેમ્પરરી શરણ લેવું હોય તેને પરવાનગી આપતું નથી. જોકે શેખ હસીનાની રાજકીય આશ્રયની વિનંતી વિશે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
શેખ હસીનાની બહેન રેહાના યુનાઇટેડ કિંગડમની નાગરિક છે અને તેમની ભત્રીજી ટ્યુલિપ સિદ્દીક લેબર પાર્ટીની સંસદસભ્ય છે એથી આગામી દિવસોમાં એ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવે એવી શક્યતા છે. શેખ હસીનાની દીકરી સાઇમા વાઝેદ દિલ્હીમાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની રીજનલ હેડ છે. શેખ હસીના ઢાકાથી ભાગ્યાં ત્યારે તેમની બહેન સાથે જ હતી.
અવામી લીગના નેતાની હોટેલ સળગાવી દેવાઈ, ૨૪ વ્યક્તિનાં મૃત્યુ
બંગલાદેશના જેસ્સોરમાં આવેલી અવામી લીગના મહામંત્રી શાહીન ચાકલદારની માલિકીની ઝબીર ઇન્ટરનૅશનલ હોટેલને પ્રદર્શનકોરોએ સળગાવી દીધી હતી. એ હોટેલમાં ઇન્ડોનેશિયાના એક નાગરિક સહિત ૨૪ જણનાં મૃત્યુ થયાં હતાં. તમામ લોકો જીવતા બળી ગયા હતા અને તેમને બહાર નીકળવાનો મોકો મળ્યો નહોતો. હોટેલમાં વધુ મૃતદેહો હોય એવી આશંકા છે.
બંગલાદેશની પરિસ્થિતિ વિશે વિવિધ અપડેટ્સ
શેખ હસીના બંગલાદેશ છોડીને ભારત આવ્યાં ત્યારે સોમવારે બપોરે ૩ વાગ્યે બંગલાદેશ તરફથી શેખ હસીનાનું વિમાન ભારતીય હવાઈ પટ્ટામાં પ્રવેશ્યું ત્યારે બે રફાલ ફાઇટર જેટ વિમાનોએ એને સુરક્ષા પૂરી પાડી હતી. આ ફાઇટર જેટ હિંડન ઍરબેઝ સુધી શેખ હસીનાના વિમાનને સુરક્ષા આપી રહ્યાં હતાં.
ભારત અને બંગલાદેશ વચ્ચે દોડતી મૈત્રી એક્સપ્રેસ, બંધન એક્સપ્રેસ અને મિતાલી એક્સપ્રેસને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે.
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના નેતા શુબેન્દુ અધિકારીએ શંકા વ્યક્ત કરી હતી કે બંગલાદેશથી એક કરોડ હિન્દુ શરણાર્થીઓ ભારત આવી શકે છે.
શેખ હસીનાના નિકટવર્તીઓએ અને તેમની પાર્ટીના નેતાઓએ ભારતમાં શરણ માગ્યું છે.
બંગલાદેશમાં શેરપુર જિલ્લામાં પ્રદર્શનકારીઓએ જેલ પર હુમલો કર્યો હતો અને એમાં વ્યાપક તોડફોડ કરી હતી. આ ગેરવ્યવસ્થાનો લાભ લઈને આશરે ૫૦૦થી વધુ કેદીઓ જેલમાંથી નાસી છૂટ્યા છે.
બંગલાદેશના હિન્દુઓ સામે હિંસાના સમાચાર મળી રહ્યા છે એથી ૪૦૯૬ કિલોમીટર લાંબી સરહદ પરથી ગમે ત્યારે શરણાર્થીઓનાં ધાડાં ભારતમાં આવે એવી શક્યતા છે.
પ્રેસિડન્ટ મોહમ્મદ શહાબુદ્દીને પ્રદર્શનકારીઓની માગણીને પગલે સંસદ ભંગ કરી દીધી હતી.
ખાલેદા ઝિયાને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યાં
બંગલાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ખાલેદા ઝિયાને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યાં છે. તેઓ બંગલાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (BNP)નાં ચીફ છે અને તેઓ ભારતવિરોધી અને પાકિસ્તાનતરફી નીતિઓ માટે કુખ્યાત છે. તેમનો દીકરો તારિક રહમાન પણ બંગલાદેશ પહોંચી રહ્યો છે. તારિક સામે પણ ઘણા કેસ ચાલી રહ્યા હતા એટલે તે વિદેશ રહેતો હતો.
નોબેલ વિજેતા ડૉ. મોહમ્મદ યુનુસ વચગાળાની સરકારનું નેતૃત્વ કરશે
નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મોહમ્મદ યુનુસ બંગલાદેશમાં રચવામાં આવનારી વચગાળાની સરકારનું નેતૃત્વ કરવા માટે તૈયાર થઈ ગયા છે. ૮૪ વર્ષના યુનુસે જણાવ્યું હતું કે ‘બંગલાદેશને મારી જરૂર હોય તો હું આ પદ સંભાળવા તૈયાર છું, હું મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા માગું છું.’
બંગલાદેશમાં સત્તાપરિવર્તન માટે આંદોલન કરનારા ગ્રુપે ડૉ. મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારનું નેતૃત્વ કરવાની વિનંતી કરી હતી.
સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં રાહુલ ગાંધીએ પૂછ્યા ત્રણ સવાલ
બંગલાદેશના મુદ્દે ભારત સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ત્રણ સવાલ પૂછ્યા હતા. રાહુલ ગાંધીએ ઢાકા સાથે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાની નીતિના મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. આ મુદ્દે એસ. જયશંકરે કહ્યું હતું કે પરિસ્થિતિ પળેપળ બદલાઈ રહી છે એથી કેન્દ્ર સરકાર પરિસ્થિતિ પર હાલમાં ધ્યાન આપી રહી છે.
રાહુલ ગાંધીએ પૂછ્યું હતું કે બંગલાદેશમાં સત્તાપરિવર્તન પાછળ વિદેશી હાથ અને ખાસ કરીને પાકિસ્તાનનો હાથ હોઈ શકે છે. આ મુદ્દે કેન્દ્ર સરકારે જવાબ આપ્યો હતો કે આ મુદ્દે તપાસ થઈ રહી છે.
રાહુલ ગાંધીએ પૂછ્યું હતું કે બંગલાદેશમાં આવું કાંઈ થશે એવી કોઈ ધારણા સરકારને હતી કે નહીં. એના જવાબમાં વિદેશપ્રધાને કહ્યું હતું કે ભારત સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યું છે.
આ બેઠકમાં કૉન્ગ્રેસ સહિત વિપક્ષોએ મોદી સરકાર જે પગલાં લેશે એને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે.
વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે શેખ હસીનાને સત્તા પરથી દૂર કરવા માટે જ આરક્ષણ વિરોધી આંદોલન કરવામાં આવ્યું હતું, શેખ હસીનાને બંગલાદેશમાં બનેલી ઘટનાઓથી જોરદાર ધક્કો લાગ્યો છે અને તેમને ભવિષ્યના પ્લાન વિચારવા માટે થોડો સમય જોઈએ છે.