ઇમિગ્રેશન નીતિ પર ટ્રમ્પનું અપ્રૂવલ રેટિંગ માર્ચમાં ૫૦ ટકા હતું જે હવે ડિસેમ્બરના મધ્ય સુધીમાં ઘટીને ૪૧ ટકા જ રહ્યું છે.
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ૨૦૨૬માં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહી વધુ તીવ્ર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. દર વર્ષે ૧૦ લાખ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના દેશનિકાલનો તેઓ લક્ષ્યાંક રાખી રહ્યા છે. આ હેતુ માટે અબજો ડૉલર ફાળવવામાં આવ્યા છે અને હવે ખેતરો અને ફૅક્ટરીઓ પર દરોડા પાડવાનું પણ આયોજન છે. જોકે આવતા વર્ષની મધ્યસત્ર ચૂંટણી પહેલાં ટ્રમ્પની નીતિઓ સામે લોકોનો ગુસ્સો અને રાજકીય વિરોધ વધી રહ્યા છે.
તેમની કઠોર નીતિઓની તેમની લોકપ્રિયતા પર પણ અસર પડી રહી છે. ઇમિગ્રેશન નીતિ પર ટ્રમ્પનું અપ્રૂવલ રેટિંગ માર્ચમાં ૫૦ ટકા હતું જે હવે ડિસેમ્બરના મધ્ય સુધીમાં ઘટીને ૪૧ ટકા જ રહ્યું છે.
ADVERTISEMENT
આંકડા શું કહે છે?
ટ્રમ્પે દર વર્ષે ૧૦ લાખ ગેરકાયદે લોકોના દેશનિકાલ કરવાનું વચન આપ્યું હતું. જોકે આ વર્ષે તેઓ આ લક્ષ્યાંક પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા હોય એવું લાગે છે. જાન્યુઆરીથી આશરે ૬,૨૨,૦૦૦ ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવામાં આવ્યા છે. સરકારી આંકડા ટ્રમ્પના દાવાને ઉજાગર કરે છે કે તેઓ ફક્ત ગુનેગારોને દેશનિકાલ કરવાની વાત કરે છે. નવેમ્બરના અંત સુધીમાં ધરપકડ કરાયેલા ૫૪,૦૦૦ લોકોમાંથી ૪૧ ટકાનો કોઈ અગાઉનો ગુનાહિત રેકૉર્ડ નહોતો.


