Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારત મારા પર ૧૦૦ ટકા ભરોસો કરી શકે છે, વડા પ્રધાનને ખબર છે કે જરૂર પડ્યે ક્યાં ફોન કરવાનો છે

ભારત મારા પર ૧૦૦ ટકા ભરોસો કરી શકે છે, વડા પ્રધાનને ખબર છે કે જરૂર પડ્યે ક્યાં ફોન કરવાનો છે

Published : 25 May, 2026 08:41 AM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડોનલ્ડ ટ્રમ્પે પોતાને નરેન્દ્ર મોદીના મોટા ફૅન ગણાવીને કહ્યું... ભારત મારા પર ૧૦૦ ટકા ભરોસો કરી શકે છે, વડા પ્રધાનને ખબર છે કે જરૂર પડ્યે ક્યાં ફોન કરવાનો છે

ડોનલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી

ડોનલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી


અમેરિકાની આઝાદીનાં ૨૫૦ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે નવી દિલ્હીમાં રવિવારે ભારત મંડપમ કન્વેન્શન સેન્ટરમાં થયેલા એક કાર્યક્રમમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કહ્યું હતું કે ‘જ્યારે પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ મારી સાથે વાત કરે છે ત્યારે સૌથી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે મને પૂછે છે. ભારત-અમેરિકાના સંબંધો નવા નથી, એ મજબૂત ભરોસા પર ટકેલા છે.’ આ કાર્યક્રમમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ટ્રમ્પને ફોન કરીને સ્પીકર ઑન કર્યું હતું. એ વખતે ટ્રમ્પે કહ્યું હતું કે ‘હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો બહુ મોટો ફૅન છું. ભારત મારા પર ૧૦૦ ટકા ભરોસો કરી શકે છે. તેમને ક્યારેય મદદની જરૂર પડે તો તેમને ખબર છે કે ક્યાં ફોન કરવાનો છે.’

અમે કંઈ ભારતને ટાર્ગેટ નથી કર્યું, પરંતુ ટ્રાન્ઝિશન પિરિયડને લીધે અડચણ આવી છે: વિદેશપ્રધાન એસ. જયશંકરે અમેરિકા સામે ઉઠાવ્યો વીઝાનો મુદ્દો



ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે રવિવારે અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયો  સમક્ષ ભારતીય નાગરિકો, વિદ્યાર્થીઓ અને IT પ્રોફેશનલ્સને અમેરિકાના વીઝા મેળવવામાં પડી રહેલી ગંભીર મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. બન્ને નેતાઓ વચ્ચેની મુલાકાતમાં જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે ભારત અને અમેરિકાના મજબૂત સંબંધોનો મુખ્ય આધાર ‘પીપલ-ટુ-પીપલ કનેક્ટ’ એટલે કે જનસંબંધો છે અને વીઝાના કડક નિયમોને કારણે કાયદેસરના પ્રવાસીઓને તકલીફ ન પડવી જોઈએ. વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે ‘અમે ગેરકાયદે અને અનિયમિત હિજરતને રોકવા માટે અમેરિકાને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છીએ, પરંતુ એની નકારાત્મક અસર કાયદેસરના પ્રવાસીઓ પર ન પડવી જોઈએ. આખરે આ વીઝા પ્રક્રિયા આપણા બન્ને દેશો વચ્ચેના વ્યાપાર, ટેક્નૉલૉજી અને સંશોધન સહયોગ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.’ J1, F1 અને H-1B વીઝા સહિતની વિવિધ શ્રેણીઓમાં અમેરિકા દ્વારા તાજેતરમાં કરાયેલા ફેરફારો વિશે વાત કરતાં અમેરિકી વિદેશપ્રધાન માર્કો રુબિયોએ ખૂબ જ સાવચેતીપૂર્વક જવાબ આપતાં કહ્યું હતું કે ‘વૉશિંગ્ટનના વીઝા નિયમોમાં કરવામાં આવેલો આ મોટો ફેરફાર ભારતને ટાર્ગેટ કરવા માટે નથી. આ એક એવી સિસ્ટમ છે જેને વૈશ્વિક સ્તરે લાગુ કરવામાં આવી રહી છે. હાલમાં અમે એક ટ્રાન્ઝિશન પિરિયડમાંથી પસાર થઈ રહ્યા છીએ અને કોઈ પણ મોટા ફેરફાર વખતે શરૂઆતમાં કેટલીક અડચણો આવતી જ હોય છે.’


ગ્રીન કાર્ડના નિયમોમાં બદલાવથી વધી મુશ્કેલીઓ
અમેરિકાના વીઝા નિયમોમાં થયેલા તાજેતરના ફેરફારોને કારણે ભારતીયો પર ગંભીર અસરો પડી રહી છે. ગ્રીન કાર્ડના નિયમો કડક થવાને કારણે અમેરિકામાં અસ્થાયી વીઝા પર કામ કરતા ભારતીયોએ હવે ગ્રીન કાર્ડની પ્રક્રિયા પૂરી કરવા માટે ફરજિયાત પોતાના વતન (ભારત) પાછા આવવું પડશે. આનાથી અમેરિકામાં વસતા હજારો ભારતીય પરિવારોમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે. નિયમોના ઉલ્લંઘન અથવા કડક સ્ક્રૂટિનીને કારણે હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વીઝા કૅન્સલ કરવામાં આવ્યા છે, જેમાં આશરે ૫૦ ટકા વિદ્યાર્થીઓ ભારતમાંથી છે.

ઇશારા-ઇશારામાં ભારતે અમેરિકાને કહી દીધું... રશિયા પાસેથી તેલ તો લેતા રહીશું


રશિયા પાસેથી તેલ ખરીદવા અને સંભવિત અમેરિકાના પ્રતિબંધોને લઈને ગઈ કાલે ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયોને વાત-વાતમાં કહી દીધું હતું કે ભારત ઊર્જાબજારમાં ઇન્ડિયા ફર્સ્ટની નીતિ અપનાવવામાં માને છે અને પોતાનાં આર્થિક અને ઊર્જા હિતોને પ્રાથમિકતા આપવા માટે રશિયા પાસેથી તેલ ખરીદતું રહેશે. માર્કો રુબિયો સાથેની વાતચીતમાં એસ. જયશંકરે કહ્યું હતું કે ‘ઊર્જાબજારને બજારની તાકાતો પર છોડી દેવું જોઈએ. ટ્રમ્પ પ્રશાસન જેમ અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવે છે એમ ભારતનો નજરિયો પણ 
ઇન્ડિયા ફર્સ્ટનો છે. કેટલાંક એવાં ક્ષેત્રો છે જ્યાં બન્ને દેશોએ સંતુલન બનાવીને ચાલવું પડશે.’ બીજી તરફ માર્કો રુબિયોએ ભારત સાથેના સંબંધો વિશે કહ્યું હતું કે ‘ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો નબળા નથી પડ્યા. આવનારાં વર્ષોમાં બે દેશોની ભાગીદારી વધુ મજબૂત થવાની છે.’

Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 08:41 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK