રૅલીમાં ભાષણ દરમ્યાન તેમના પર થયેલા ફાયરિંગમાં એક ગોળી જમણા કાનને સ્પર્શીને લોહીલુહાણ કરી ગઈ : શૂટર ઠાર, સભામાં આવેલી એક વ્યક્તિનું પણ મોત, બે જણ ગંભીર રીતે ઘાયલ થયા
ડોનલ્ડ ટ્રમ્પને ગઈ કાલે ગોળી વાગી એ પછી સીક્રેટ સર્વિસે તરત તેમને ઘેરી લઈને નીચે બેસાડી દીધા હતા. ટ્રમ્પે ત્યાર બાદ જોકે ઊભા થઈને ફાઇટિંગ સ્પિરિટનો પરચો આપ્યો હતો.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પર શનિવારે પેન્સિલ્વેનિયાના બટલરમાં યોજાયેલી એક ચૂંટણી-રૅલીમાં યંગ શૂટરે ઉપરાઉપરી અનેક ગોળીઓ છોડી હતી અને તેમની હત્યા કરવાની કોશિશ કરી હતી, પણ તેઓ એમાંથી ઊગરી ગયા હતા. એક ગોળી તેમના જમણા કાનને સ્પર્શીને જતી રહી હતી. નવેમ્બરમાં યોજાનારી પ્રેસિડન્ટપદની ચૂંટણીમાં તેઓ રિપબ્લિકન પાર્ટી વતી ઉમેદવારી નોંધાવે એના થોડા દિવસ પહેલાં જ આ હુમલો થયો છે.
બટલર ટાઉનમાં ખુલ્લામાં યોજાયેલી રૅલીને ૭૮ વર્ષના ટ્રમ્પ સંબોધી રહ્યા હતા ત્યારે અચાનક તેમના પર ગોળીબાર થયો હતો. એનાં વિડિયો-ફુટેજમાં જોવા મળે છે કે તેમના પર ગોળીઓ છોડાઈ ત્યારે તેમણે કાન પકડી લીધો હતો. એ સમયે ત્યાં ઉપસ્થિત ભીડે જોરદાર ચીસાચીસ કરી મૂકી હતી અને એ સમયે કોઈકે ‘નીચે ઊતરો, નીચે ઊતરો’ એવી બૂમો પાડી હતી અને એ જ સમયે સીક્રેટ સર્વિસના એજન્ટોએ ટ્રમ્પને ચારે તરફથી ઘેરી લઈને નીચે બેસાડી દીધા હતા. ગોળીબારને કારણે લોકોમાં નાસભાગ થઈ હતી અને લોકો બહાર નીકળવાના ગેટ તરફ દોડવા માંડ્યા હતા.
ADVERTISEMENT
ટ્રમ્પના કાનમાંથી લોહી વહી રહ્યું હોવાથી તેમને તાત્કાલિક સ્ટેજની નીચે લાવવામાં આવ્યા હતા. જોકે એ સમયે પણ તેમણે મુઠ્ઠી વાળીને લોકો તરફ દર્શાવીને ‘આપણે લડી લઈશું’ કહ્યું હતું. ત્યાર બાદ તેમને પીટ્સબર્ગની એક હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.
શૂટર ઠાર, એકનું મૃત્યુ, બે ઘાયલ
આ ગોળીબારમાં એક જણનું મૃત્યુ થયું હતું, જ્યારે બે જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ગોળીબારની તપાસ ટ્રમ્પની હત્યાના પ્રયાસ તરીકે ચાલી રહી છે. ટ્રમ્પ પર હુમલો કરનારા યંગ પુરુષ શૂટરને સીક્રેટ સર્વિસના એજન્ટોએ ઠાર કર્યો હતો. ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ આ શૂટરની ઓળખ બેથેલ પાર્કના ૨૦ વર્ષના થોમસ મૅથ્યૂ ક્રુક્સ તરીકે કરી છે. તેણે રિપબ્લિકનના મતદાર તરીકે પોતાને રજિસ્ટર કરાવ્યો હતો.
ટ્રમ્પે બયાન કરી હકીકત
ટ્રુથ સોશ્યલ નામના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર કરેલી પોસ્ટમાં ટ્રમ્પે ઘટના વખતે શું થયું અને તેમને કેટલી ઈજા થઈ છે એની માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે ‘એવો વિશ્વાસ નથી થતો કે આપણા દેશમાં આવા પ્રકારની કોઈ ઘટના બની શકે છે. આ લખું છું ત્યારે એ ખબર નથી કે શૂટર કોણ હતો, પણ તે મૃત્યુ પામ્યો છે. મારા પર જે ગોળીઓ છોડાઈ હતી એમાંથી એક બુલેટ મારા જમણા કાનના ઉપરના ભાગને વીંધીને જતી રહી હતી. મને ત્યારે લાગ્યું કે કંઈક ખોટું થઈ રહ્યું છે અને મને એકાએક અવાજ અને શૉટ સંભળાયો હતો. મને તરત લાગ્યું કે ગોળી મારી ચામડીને અડીને જતી રહી છે. ઘણો રક્તસ્રાવ થયો એટલે મને સમજાયું કે આ શું થઈ રહ્યું છે. ગૉડ બ્લેસ અમેરિકા.’
જો બાઇડને ટ્રમ્પ સાથે વાત કરી
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને ટ્રમ્પ પર હુમલો થયા બાદ વાતચીત કરી હોવાનું વાઇટ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું હતું. જોકે તેમની વચ્ચે શું વાતચીત થઈ એની જાણકારી આપવામાં આવી નહોતી.
ટ્રમ્પ પરના અટૅક પછી અમેરિકાના અલાબામામાં બે સ્થળે ગોળીબારની ઘટનામાં ૭નાં મોત
અમેરિકાના અલાબામા રાજ્યમાં ગઈ કાલે બે અલગ-અલગ શૂટિંગની ઘટનાઓમાં ૭ લોકોનાં મૃત્યુ થયાં હતાં. શનિવારે રાતે ૧૧ વાગ્યે બર્મિંગહૅમની એક નાઇટક્લબમાં થયેલા ગોળીબારની ઘટનામાં બે મહિલાઓ સહિત ૪ લોકોનાં મૃત્યુ થયાં હતાં. બીજી તરફ શનિવારે સાંજે ૫.૨૦ વાગ્યે બર્મિંગહૅમના ઇન્ડિયન સમર ડ્રાઇવ પર એક ઘરની બહાર થયેલા ગોળીબારમાં એક બાળક સહિત ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ટ્રમ્પના સ્ટેજની પાછળથી શૂટરે ગોળી મારી, એક ફોટોગ્રાફમાં ગોળી સ્પષ્ટ નજરે પડી
પેન્સિલ્વેનિયાના બટલરમાં ટ્રમ્પ જે પોડિયમ પર ઊભા રહીને સ્પીચ આપી રહ્યા હતા એની પાછળથી શૂટરે ગોળીબાર કર્યો હતો અને ન્યુ યૉર્ક ટાઇમ્સના ફોટોગ્રાફર ડગ મિલ્સે હુમલાની થોડી સેકન્ડો પહેલાં લીધેલા એક ફોટોગ્રાફમાં ગોળી ટ્રમ્પના ગાલની નજીક જોવા મળી રહી છે. ટ્રમ્પના જમણા કાનના ઉપરના ભાગને વીંધીને ગોળી જતી રહી હતી. આ ફોટોગ્રાફમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ટ્રમ્પ લોકો તરફ જોઈને બોલી રહ્યા છે ત્યારે પાછળથી આવેલી એક ગોળી તેમના ગાલની એકદમ પાસેથી નીકળી રહી છે. શૂટરે ધડાધડ ગોળીઓ છોડી હતી જે પૈકી એક ગોળી આ ફોટોગ્રાફમાં નજરે પડે છે.
ઇવાન્કા ટ્રમ્પે શું કહ્યું?
ટ્રમ્પની દીકરી ઇવાન્કા ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું હતું કે ‘મારા પિતા અને પેન્સિલ્વેનિયાના બટલરમાં આજે થયેલા હુમલાનો ભોગ બનેલા અન્ય પીડિતો માટે તમારો પ્રેમ અને પ્રાર્થના બદલ આભાર. સીક્રેટ સર્વિસના એજન્ટોએ તાત્કાલિક પગલાં લઈને મારા પિતાને બચાવી લીધા હતા એ માટે તેમનો પણ આભાર. હું મારા દેશ માટે પણ પ્રાર્થના કરું છું. આઇ લવ યુ ડૅડ, આજે અને હંમેશાં.’
નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ પરના અટૅકને વખોડ્યોઃ રાજકારણમાં હિંસાને સ્થાન નથી
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વખોડી કાઢ્યો હતો અને જણાવ્યું હતું કે ‘રાજકારણમાં હિંસાને કોઈ સ્થાન નથી. ઍક્સ પરની એક પોસ્ટમાં વડા પ્રધાન મોદીએ લખ્યું હતું કે મારા મિત્ર, ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાથી ખૂબ ચિંતિત છું અને આ ઘટનાની સખત નિંદા કરું છું. રાજકારણ અને લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નથી. તેઓ ઝડપથી સાજા થઈ જાય એવી શુભેચ્છા આપું છું. અમારા વિચારો અને પ્રાર્થનાઓ મૃતકોના પરિવાર, ઘાયલ થયેલા લોકો અને અમેરિકાના લોકો સાથે છે.’
કેવી રીતે શૂટર આટલો નજીક આવી ગયો એ સંદર્ભમાં સીક્રેટ સર્વિસે શરૂ કરી તપાસ
અમેરિકાની સીક્રેટ સર્વિસ હવે એ તપાસમાં લાગી ગઈ છે કે ૨૦ વર્ષનો શૂટર કેવી રીતે ટ્રમ્પની આટલી નજીક પહોંચી ગયો અને તેણે માત્ર ૨૦૦થી ૩૦૦ ફૂટ દૂરથી AR સ્ટાઇલની રાઇફલમાંથી ધડાધડ ગોળીઓ છોડી. આ ઘટનાને સીક્રેટ સર્વિસની ડ્યુટીમાં નિષ્ફળતા તરીકે જોવામાં આવી રહી છે. આ છત પર ઊભા રહીને કોઈ પણ શૂટર આસાનીથી કોઈ માણસને ટાર્ગેટ કરી શકે એમ છે. શૂટરને સીક્રેટ સર્વિસના એજન્ટોએ તાત્કાલિક ઠાર કર્યો હતો. આ સંદર્ભમાં સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવેલા એક વિડિયોમાં દેખાય છે કે ટ્રમ્પની રૅલી જ્યાં યોજાઈ હતી એ ગ્રાઉન્ડની ઉત્તર તરફમાં એક મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટની છત ઉપર એક યુવાનનો નિશ્ચેતન મૃતદેહ પડ્યો છે.
US સીક્રેટ સર્વિસ હેડે રાજીનામું આપવું જોઈએ : ઇલૉન મસ્ક
ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પર ગઈ કાલે પેન્સિલ્વેનિયામાં યોજાયેલી એક રૅલીમાં થયેલા ગોળીબારની ઘટના બાદ ટેસ્લાના માલિક અને વિશ્વની સૌથી ધનાઢ્ય વ્યક્તિ ઇલૉન મસ્ક તેમના સમર્થનમાં આવ્યા છે અને ડોનલ્ડ ટ્રમ્પનું સમર્થન કરવા માટે તેમણે પોતાની માલિકીના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે અમેરિકાના સીક્રેટ સર્વિસના અધ્યક્ષે રાજીનામું આપી દેવું જોઈએ. આ ઘટના વિશે સવાલ કરતાં મસ્કે કહ્યું હતું કે ‘એક રાઇફલધારી વ્યક્તિને ફુલ કિટ સાથે ભૂતપૂર્વ પ્રેસિડન્ટની આટલી નજીક કઈ રીતે જવા દેવામાં આવી? એવું લાગે છે કે સીક્રેટ સર્વિસ અક્ષમ હતી અથવા આ હુમલો જાણીજોઈને કરવામાં આવ્યો હતો. કોઈ પણ રીતે સિક્યૉરિટી સર્વિસના અધ્યક્ષે રાજીનામું આપી દેવું જોઈએ. હું ડોનલ્ડ ટ્રમ્પનું સમર્થન કરું છું અને તેઓ જલદી સાજા થાય એવી પ્રાર્થના કરું છું.’

