ભારતમાં પરિવારે વિડિયો કૉલ પર સ્વજનોને ડૂબતા જોયા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના જળગાવના ચાર મેડિકલ સ્ટુડન્ટ્સનાં રશિયાની વોલ્ખોવ નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થવાની ચોંકાવનારી ઘટના ગુરુવારે બની હતી. પાંચ સ્ટુડન્ટ્સ નદીના કિનારે ચાલી રહ્યા હતા ત્યારે અચાનક નદીમાં જતાં ડૂબી ગયા હતા. એક સ્ટુડન્ટને બચાવી લેવામાં આવી હતી, જ્યારે બાકીના ચારેયનાં મૃત્યુ થયાં હતાં. ઝીશાન અશફાક પિંજરી નામનો સ્ટુડન્ટ તેના પરિવાર સાથે
વિડિયો-કૉલ પર વાત કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. પરિવાર બેબસ થઈને વિડિયો કૉલ પર ચાર જણને ડૂબતાં, નદીમાંથી બહાર આવવાની નાકામ કોશિશ કરતાં જોતો રહી ગયો હતો. જીવ ગુમાવનારા સ્ટુડન્ટ્સમાં ઝીશાન પિંજરી, તેની બહેન જિયા, અનંતરાવ દેસલે અને ગુલામગૌસ મોહમ્મદ યાકુબનો સમાવેશ છે. બચી જનાર સ્ટુડન્ટનું નામ નિશા સોનાવણે છે. તેનો હૉસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે.

