તેમનો કૉફી પીતો વિડિયો પણ ફેક હોવાના દાવા વચ્ચે પહાડીઓમાં ફરતો નવો વિડિયો શૅર કર્યો, જેરુસલેમની જે કૅફેમાં કૉફી પીધી એ કૅફેએ પણ પુરાવો આપ્યો
મોતની અફવા પછી બેન્જામિન નેતન્યાહુએ ફરી પોતાના જીવતા હોવાનો પુરાવો આપવા માટે ૯૦ સેકન્ડનો વિડિયો પોસ્ટ કર્યો છે
એક તરફ અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ચરમસીમા પર છે ત્યારે એક અઠવાડિયાથી ઇઝરાલયના વડા પ્રધાન નેતન્યાહુ જાહેર અને ઑફિશ્યલ મીટિંગોમાંથી ગાયબ થઈ ગયા હોવાથી જાતજાતની અટકળો છેલ્લા બે દિવસથી ચાલી રહી છે. છ આંગળીવાળા વિડિયોને કારણે શરૂ થયેલો ઇઝરાયલના વડા પ્રધાનની હત્યાનો દાવો ખોટો છે એ સાબિત કરવા માટે રવિવારે ખુદ તેમણે કૉફી પીતો વિડિયો શૅર કર્યો હતો. જોકે જ્યારે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના પ્લૅટફૉર્મ ગ્રોકને આ વિડિયો વિશે પૂછવામાં આવ્યું તો ગ્રોકે કહ્યું હતું કે એ વિડિયો પણ નકલી અને ડીપફેક હોઈ શકે છે. ગ્રોકના આ જવાબનો સ્ક્રીનશૉટ વાઇરલ થતાં ફરી નેતન્યાહુના મૃત્યુ બાબતે કન્ફ્યુઝન થયું હતું.
જોકે એ પછી જે કૅફેમાં નેતન્યાહુએ કૉફી પીધી હતી એ કૅફેએ તેમનો વિસ્તૃત વિડિયો શૅર કર્યો હતો. એમાં તેઓ કૅફેની સર્વિસ-ડેસ્ક પર વેઇટર સાથે વાત કરી રહ્યા છે અને ત્યાંથી કૉફીનો કપ ઉપાડી રહ્યા છે. આ કૅફેનું નામ છે The Sataf cafe.
ADVERTISEMENT
વધુ એક વિડિયો
મોતની અફવા પછી બેન્જામિન નેતન્યાહુએ ફરી પોતાના જીવતા હોવાનો પુરાવો આપવા માટે ૯૦ સેકન્ડનો વિડિયો પોસ્ટ કર્યો છે. એ પણ રવિવારે જ લેવાયો હોવાનો દાવો થઈ રહ્યો છે. આ વિડિયોમાં તેઓ જેરુસલેમની જે કૉફીશૉપમાં હતા એની નજીકના કોઈ પહાડી વ્યુ પૉઇન્ટ પાસે લોકો સાથે વાતચીત કરવા જોવા મળે છે. વિડિયોમાં તેઓ કહી રહ્યા છે કે ‘ઘરની બહાર નીકળીને થોડીક તાજી હવા લેવાનું જરૂરી છે. અહીં સૌથી નજીકમાં સુરક્ષિત શેલ્ટર ક્યાં છે?’
