ન્યુ યૉર્કના ઇતિહાસમાં પહેલી વાર મેયરે કુરાન પર હાથ રાખીને શપથ લીધા
બે કુરાન સાથે શપથ લઈ રહેલા ઝોહરાન મમદાની.
ભારતીય મૂળના ઝોહરાન મમદાની ગઈ કાલે ન્યુ યૉર્ક શહેરના પ્રથમ મુસ્લિમ મેયર બન્યા હતા. તેમણે ગઈ કાલે કુરાન પર હાથ રાખીને પદના શપથ લીધા હતા. અત્યાર સુધી ન્યુ યૉર્ક સિટીના મોટા ભાગના મેયરોએ બાઇબલ પર હાથ મૂકીને જ શપથ લીધા છે. સંવિધાન મુજબ કોઈ ચોક્કસ ધાર્મિક ગ્રંથના સોગંદ ખાવાનું અનિવાર્ય નથી. ૩૪ વર્ષના ડેમોક્રૅટ ઝોહરાન મમદાની પ્રથમ મુસ્લિમ, પ્રથમ દક્ષિણ એશિયન અને આફ્રિકામાં જન્મેલા પ્રથમ મેયર છે. ઝોહરાન મમદાનીએ બે વાર મેયર તરીકેના સોગંદ લીધા હતા. સૌપ્રથમ ન્યુ યૉર્કના સિટી હૉલની નીચે આવેલા એક બંધ પડેલા સબવે સ્ટેશનમાં શપથ ગ્રહણ કર્યા હતા, જે એક પ્રાઇવેટ સમારંભ હતો. એ પછી બપોરે સાર્વજનિક શપથગ્રહણ સમારોહ યોજાયો એમાં તેમણે બે કુરાન પર હાથ રાખીને પદના સોગંદ લીધા હતા. એક કુરાન તેમના દાદાનું હતું અને બીજું નાનું કુરાન પૉકેટ સાઇઝનું હતું જે ૧૮મી સદીના અંત કે ૧૯મી સદીની શરૂઆતમાં બન્યું હતું.


