Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > વધતી જતી મોંઘવારી અને શિક્ષણના મુદ્દે વિરોધ-પ્રદર્શનમાં યુરોપમાં ૮ લાખ લોકો રસ્તા પર

વધતી જતી મોંઘવારી અને શિક્ષણના મુદ્દે વિરોધ-પ્રદર્શનમાં યુરોપમાં ૮ લાખ લોકો રસ્તા પર

Published : 19 October, 2026 02:30 PM | IST | Europe
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફ્રાન્સ, બેલ્જિયમ, ઇટલી, પોર્ટુગલ અને અલ્બેનિયા જેવા પાંચ યુરોપિયન દેશોમાં ફાટ્યો લોકોનો જબરદસ્ત ગુસ્સો ઃ સ્પેન, ગ્રીસ, જર્મની અને ઑસ્ટ્રિયામાં પણ ધીમી ગતિએ મોંઘવારી સામે દેખાવો શરૂ

ફ્રાન્સમાં લાખો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને  ઠેર-ઠેર આગ ચાંપી હતી.

ફ્રાન્સમાં લાખો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને ઠેર-ઠેર આગ ચાંપી હતી.


ફ્રાન્સ, ઇટલી, પોર્ટુગલ, અલ્બેનિયા અને બેલ્જિયમમાં વધતા જતા ફુગાવા, મોંઘાં રહેઠાણ, શિક્ષણ અને સરકારી નીતિઓ સામે શનિવારે મોટા પાયે વિરોધ-પ્રદર્શનો થયાં હતાં. ઘણી જગ્યાએ પોલીસ સાથે લોકોનાં ટોળાનું ભારે ઘર્ષણ થયું હતું. શનિવારે ફ્રાન્સે દાયકાઓનાં સૌથી તોફાની વિરોધ-પ્રદર્શનો પૈકીના એકનો સામનો કર્યો, જેમાં દેશભરમાં ૫,૫૦,૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. યુરોપના પાંચેય દેશોમાં થઈને લગભગ ૮,૦૦,૦૦૦ લોકો શનિવારે અને રવિવારે રસ્તા પર ઊતરી આવ્યા હતા. 
વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને નબળી સરકારી સેવાઓ સામે લોકોનો ગુસ્સો રસ્તાઓ પર હિંસામાં ભડકી ઊઠ્યો છે. આર્થિક બોજો, અફૉર્ડેબલ હાઉસિંગની સમસ્યા અને શિક્ષણના ખર્ચ જેવા મુદ્દાઓને લઈને હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા.  આ વિરોધ-પ્રદર્શનો પાછળ દરેક દેશની પોતાની વિશિષ્ટ ફરિયાદો હતી. જોકે જીવનનિર્વાહના ખર્ચ અને જાહેર સેવાઓ વિશેની ચિંતાઓ તમામ પ્રદર્શનકારીઓમાં સમાન હતી.

ફ્રાન્સમાં આગજની 
ફ્રાન્સની રાજધાની પૅરિસ સહિત લિમોજિસ, સ્ટ્રાસબર્ગ, લિયોન અને માર્સેલી સહિત અનેક ફ્રેન્ચ શહેરોમાં મોટા પાયે તોડફોડ, લૂંટફાટ અને આગ ચાંપવાની ઘટનાઓ નોંધાઈ છે. લિમોજેસમાં વિરોધીઓએ ૧૪૩ વર્ષ જૂના ઐતિહાસિક ટાઉન હૉલને આગ ચાંપી દીધી જેના કારણે આ બિલ્ડિંગનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો હતો.



પોર્ટુગલમાં પગારવધારો અને પેન્શન
પોર્ટુગલમાં રહેઠાણ અને ઓછું વેતન એ વિરોધ-પ્રદર્શનોના મુખ્ય મુદ્દા હતા, જ્યારે બેલ્જિયમમાં શિક્ષણના ખર્ચને લઈને વિદ્યાર્થીઓએ ચિંતા વ્યક્ત કરીને પ્રદર્શનો કર્યાં હતાં. ફ્રાન્સમાં વિરોધ-પ્રદર્શનો માત્ર જીવનનિર્વાહના ખર્ચ પૂરતા સીમિત ન રહેતાં એમાં સ્કૂલોની સ્થિતિ અને જાહેર ખર્ચ જેવા મુદ્દાઓ પણ સામેલ હતા, જ્યારે ઇટલીમાં થયેલાં વિરોધ-પ્રદર્શનોમાં હાલમાં ચાલી રહેલા


યુદ્ધોનો વિરોધ પણ જોવા મળ્યો હતો. 
પોર્ટુગલમાં જીવનનિર્વાહના વધતા ખર્ચ, ઓછો પગાર અને વધુ ગંભીર બનતી આવાસ કટોકટીના વિરોધમાં હજારો લોકોએ લિસ્બનમાં કૂચ કરી હતી. દેશના મુખ્ય ટ્રેડ યુનિયન સંગઠન દ્વારા એકત્ર કરાયેલા પ્રદર્શનકારીઓએ વધુ પગાર અને પેન્શનની માગણી કરી હતી. જોકે પોર્ટુગલના સંસદીય બાબતોના પ્રધાન કાર્લોસ એબ્રુ અમોરિમે જણાવ્યું હતું કે સરકાર રસ્તા પરનાં પ્રદર્શનોના દબાણ સામે ઝૂકશે નહીં; સરકાર રસ્તા પર થતા નારાઓ સામે નમશે નહીં.

બેલ્જિયમમાં શિક્ષણસુધારો 
બેલ્જિયમના બ્રસેલ્સમાં સેંકડો યુવાનો શિક્ષણ-ખર્ચમાં વધારો અને સુધારાઓનો વિરોધ કરતા હતા, તેમને ભય છે કે સુધારાઓના કારણે શિક્ષણ મોંઘું થઈ જશે.


ઇટલીમાં મોંઘવારી બની વિલન
ઇટલીમાં મિલાન અને બોલોગ્નામાં કોસ્ટ ઑફ લિવિંગના મુદ્દે પ્રદર્શનો શનિવારે હિંસક બન્યાં હતાં જેમાં વિરોધીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને ભીડને વિખેરવા માટે ટિયર ગૅસના શેલ છોડવામાં આવ્યા હતા. શનિવારે મિલાનમાં પ્રદર્શન કરનારા લોકોએ પીત્ઝાની રેસ્ટોરાં અને લક્ઝરી સ્ટોર્સ લૂંટીને એમાં આગ લગાવી દીધી હતી. 

રશિયા સામે લડવા યુક્રેને સાથી દેશો પાસેથી ૭૪૦૦ અબજ રૂપિયાની કરી માગણી
રશિયા સામે ચાલી રહેલા યુદ્ધમાં ટકી રહેવા માટે યુક્રેને તેના સાથી દેશો પાસે ઓછામાં ઓછા ૭૦ અબજ યુરો (આશરે ૭૪૦૦ અબજ રૂપિયા)ની આર્થિક સહાયની માગણી કરી છે. યુક્રેનના પ્રેસિડન્ટ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ આ માગણીને એકદમ વાસ્તવિક ગણાવી છે.

ફ્રાન્સમાં ૧૪૩ વર્ષ જૂના ટાઉન હૉલને આગ ચાંપવામાં આવી, લુઇ વિત્તોં અને ઍપલ જેવી લક્ઝરી બ્રૅન્ડ્સની શૉપ્સમાં લૂંટફાટ
૧૮૦૦ની અરેસ્ટ, ૧૫૦૦ દુકાનો સળગાવી દેવાઈ, વેપારીઓને કરોડોનું નુકસાન 

ફ્રાન્સમાં હિંસક વિરોધ-પ્રદર્શનોમાં અનેક શહેરોમાં લૂંટફાટ અને તોડફોડ થઈ હતી. લિમોજિસ શહેરમાં ૧૯મી સદીનું ટાઉન હૉલ આગમાં નાશ પામ્યું હતું. બેકાબૂ ટોળાએ એને આગ લગાડી હતી. બેફામ ટોળાએ સુપરમાર્કેટ્સ, ફાર્મસી, લક્ઝરી શૉપ્સ, બુટિક્સ, ઇલેક્ટ્રોનિક શો-રૂમ્સને તોડીને લૂંટફાટ કરી હતી. આશરે ૧૫૦૦ જેટલી દુકાનોને લૂંટીને આગને હલાવે કરવામાં આવી હતી. હિંસક ઘટનાઓના સંદર્ભમાં પોલીસે ૧૮૦૦થી વધુ લોકોની ધરપકડ કરી હતી. લિલી શહેરમાં લોકોએ ઍપલ સ્ટોરને લૂંટી લીધો હતો. સ્કૂલોની સ્થિતિ અને શિક્ષકોની અછત સહિતના અનેક કથિત મુદ્દાઓ પર વિદ્યાર્થીઓનાં અઠવાડિયાનાં વિરોધ-પ્રદર્શનો પછી આ અશાંતિ જોવા મળી હતી. પૅરિસ અને બોર્ડો, સ્ટ્રાસબર્ગ, નાઇસ તથા માર્સેઇલ સહિતનાં અન્ય શહેરોમાં ઘણી દુકાનો પર હુમલા કરવામાં આવ્યા હતા.  

Whatsapp-channel Whatsapp-channel

19 October, 2026 02:30 PM IST | Europe | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK