બુધવારથી જ ભારે વરસાદને લીધે અમુક વિસ્તારોમાં તો પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી
ફ્લૉરિડામાં ભારે વરસાદ
T20 વર્લ્ડ કપમાં ભારત તો એના ગ્રુપમાંથી સુપર-8 માટે ક્વૉલિફાય થઈ ગયું છે ત્યારે A ગ્રુપમાંથી બીજી કઈ ટીમ ક્વૉલિફાય થશે એ માટે પ્લેયરોના પર્ફોર્મન્સ કરતાં વધારે દારોમદાર મેઘરાજા પર છે. એનું કારણ છે ભારે વરસાદની આગાહી. હવે A ગ્રુપની બાકીની ત્રણેય મૅચ ફ્લૉરિડામાં રમાવાની છે અને ત્યાં બુધવારથી જ ભારે વરસાદને લીધે અમુક વિસ્તારોમાં તો પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી.
જે ત્રણ મૅચ બાકી છે એમાં આજે અમેરિકા અને આયરલૅન્ડ, આવતી કાલે ભારત અને કૅનેડા તથા રવિવારે પાકિસ્તાન અને આયરલૅન્ડ વચ્ચે છે. આ ત્રણેય દિવસમાં આજે મૅચ વખતે ૬૦ ટકા, આવતી કાલે ૮૬ ટકા અને રવિવારે ૮૦ ટકા વરસાદનો ચાન્સ છે. એને જોતાં ચાહકોએ તમામ મૅચ બીજે શિફ્ટ કરવાની માગ કરી છે. જો આગાહી મુજબ ત્રણેય મૅચમાં વરસાદ પડશે તો તમામ ટીમને એક-એક પૉઇન્ટ મળશે અને એવા સંજોગોમાં પાંચ પૉઇન્ટ સાથે અમેરિકા ક્વૉલિફાય થઈ જશે. પાકિસ્તાનના અત્યારે એક જીત સાથે બે પૉઇન્ટ જ છે.

