કામ માટે શ્રીલંકાથી સાઉદી અરેબિયા આવેલા અનોજને માફી પણ માગી હતી, પરંતુ તેની કમેન્ટ્સની જાણ સાઉદી સત્તાવાળાઓને કરવામાં આવી હતી
અનોજન શિવરાસા
સાઉદી અરેબિયાની સુપ્રીમ કોર્ટે ઇસ્લામ અને પયગંબર મોહમ્મદ વિશે નિંદાપૂર્ણ કમેન્ટ કરવા બદલ ૨૪ વર્ષના શ્રીલંકન હિન્દુ વર્કર અનોજન શિવરાસાને ફટકારવામાં આવેલી મૃત્યુદંડની સજા રદ કરી છે. ભગવાન શિવ વિશે અપમાનજનક કમેન્ટ્સ ઑનલાઇન ફેલાયા બાદ તેણે આ ટિપ્પણી કરી હતી, જેને હવે ડિલીટ કરી દેવામાં આવી છે. કામ માટે શ્રીલંકાથી સાઉદી અરેબિયા આવેલા અનોજને માફી પણ માગી હતી, પરંતુ તેની કમેન્ટ્સની જાણ સાઉદી સત્તાવાળાઓને કરવામાં આવી હતી.
શું છે કેસ?
આ વર્ષના જૂનના અંતમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં એક મુસ્લિમ યુવાન હિન્દુ યાત્રાળુઓનો પીછો કરતા કૂતરાને લાત મારી રહ્યો હતો. આ વિડિયો પર શ્રીલંકાની એક મુસ્લિમ મહિલાએ શરૂઆતમાં ભગવાન શિવ સાથે જોડીને અશ્લીલ કમેન્ટ્સ કરી હતી. એના જવાબમાં અનોજન શિવરાસાએ પણ તામિલ ભાષામાં પયગંબર મોહમ્મદનું અપમાન કરતી કમેન્ટ્સ કરી હતી. જોકે શિવરાસાએ તરત જ કમેન્ટ્સ ડિલીટ કરી હતી અને માફી માગતો વિડિયો પોસ્ટ કર્યો હતો. જોકે તેની કમેન્ટ્સનો સ્ક્રીનશૉટ શ્રીલંકાના એક મુસ્લિમ પુરુષે સાઉદી અરેબિયન કંપનીને મોકલ્યો હતો જ્યાં શિવરાસા કામ કરવા ગયો હતો. એ પછી જુલાઈમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
