મુંબઈથી ૩૦૦૦ કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં ૪૮ કલાકનું ઑપરેશન, ચાંચિયાઓ બોટનો ઉપયોગ મધર શિપ તરીકે કરે એવી શક્યતા હતી
ભારતીય નેવીએ ચાંચિયાઓને પકડીને છોડાવેલા જહાજના ક્રૂ-મેમ્બર્સ.
ભારતીય નૌસેનાએ સોમાલિયન ચાંચિયાઓના કબજામાંથી ઈરાની ફિશિંગ બોટ અઝિનીને છોડાવીને એના તમામ ૨૦ ક્રૂ-સભ્યોને સુરક્ષિત બચાવી લીધા હતા. મુંબઈથી આશરે ૩૦૦૦ કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં ૪૮ કલાક સુધી ચાલેલા આ ઑપરેશનમાં ભારતીય વાયુસેનાએ પણ નૌસેનાને સાથ આપ્યો હતો.
સોમાલિયન ચાંચિયાઓએ ૨૯ ઑક્ટોબરે ઉત્તર-પૂર્વ સોમાલિયાના બંદર બાયલા અને હફુન વચ્ચે અઝિનીનું અપહરણ કર્યું હતું. નૌસેનાના જણાવ્યા અનુસાર આ જહાજનો ઉપયોગ અન્ય વેપારી જહાજો પર હુમલા કરવા માટે ‘મધર શિપ’ તરીકે કરવામાં આવે એવી શક્યતા હતી. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નૌસેનાએ એક યુદ્ધજહાજ અને દરિયાઈ દેખરેખ માટેનું પ્લેન તહેનાત કર્યું હતું. સતત દેખરેખ બાદ જહાજને શોધી કાઢવામાં આવ્યું અને તેની હિલચાલ પર નજર રાખીને એને ભાગી ન શકે એ માટે જરૂરી પગલાં લેવાયાં હતાં. આ દરમ્યાન ભારતીય વાયુસેનાના સી-૧૭ પ્લેન મારફત મરીન કમાન્ડોને પણ ઉતારવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
રક્ષાપ્રધાન રાજનાથ સિંહે આ ઑપરેશનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે સશસ્ત્ર ચાંચિયાઓ પાસેથી ક્રૂ અને જહાજને સુરક્ષિત છોડાવવું નૌસેનાની ઊંચી ઑપરેશનલ તૈયારી દર્શાવે છે. નવી દિલ્હીસ્થિત ઈરાનના દૂતાવાસે પણ ભારતીય સશસ્ત્ર દળોના સાહસ, વ્યાવસાયિકતા અને અસરકારક સંકલનની પ્રશંસા કરી હતી.
