હેલ્થ કૅર સબસિડી પર હજી સહમતી નથી સધાઈ, પરંતુ ૩૧ જાન્યુઆરી સુધીનું ફન્ડિંગ પાસ થઈ ગયું
બુધવારે ઓવલ ઑફિસમાં ફન્ડિંગ બિલ પર સાઇન કરીને મીડિયાને દેખાડતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ.
બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે એક સરકારી ફન્ડિંગ બિલ પર સાઇન કરી હતી અને ૪૩ દિવસથી ચાલી રહેલા શટડાઉનને પૂરું જાહેર કર્યું હતું. આ બિલ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે ૨૨૨-૨૦૯ના અંતરથી પાસ કર્યું હતું. અલબત્ત, ઓબામા હેલ્થ કૅર પ્રોગ્રામના મુખ્ય મુદ્દા પર હજી સહમતી હજી નથી સધાઈ. ઓબામા કૅર સબસિડીના પ્રીમિયમ ટૅક્સ ક્રેડિટને વધારવાનો કોઈ વાયદો પણ નથી કરવામાં આવ્યો. ટ્રમ્પે ફન્ડિંગ બિલ પર સાઇન કરતી વખતે કહ્યું હતું, ‘દેશ માટે આનાથી બહેતર ક્ષણ બીજી કોઈ નથી. આ બહુ ખાસ દિવસ છે.’
આ બિલ સરકારને ૩૧ જાન્યુઆરી સુધીનું ફન્ડિંગ ઉપલબ્ધ કરાવશે. આ બિલથી ફેડરલ એજન્સીઓ પર ૩૦ જાન્યુઆરી સુધી કર્મચારીઓની છટણી કરવાનું અટકાવવામાં આવ્યું છે. લોકો આ બિલને ફેડરલ વર્કર યુનિયનોની મોટી જીત ગણાવે છે કેમ કે એનાથી ટ્રમ્પના ફેડરલ વર્કફોર્સને ઘટાડવાના અભિયાન પર બ્રેક મુકાશે.
ADVERTISEMENT
શટડાઉન સમાપ્ત થયું છે એને પગલે ૧૪ લાખ સરકારી કર્મચારીઓને ૪૩ દિવસ પછી પગાર મળશે. બીજી તરફ ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓએ ઓબામા કૅર સબસિડીની ટૅક્સ ક્રેડિટ વધારવા માટેની લડાઈને ચાલુ રાખવાનું એલાન કરતાં કહ્યું હતું, ‘અમારો વિરોધ હજી ખતમ નથી થયો. અમે આજે લડીશું, આવતી કાલે લડીશું, આ અઠવાડિયે લડીશું, આ મહિને લડીશું, અમે ત્યાં સુધી લડતા રહીશું જ્યાં સુધી અમેરિકાના લોકો માટેની આ લડાઈ જીતી નહીં લઈએ.’
લોકોને ઑપ્શન આપવો જોઈએ: ટ્રમ્પ
ટ્રમ્પે તેમના દ્વારા શરૂ થયેલા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર ઓબામા કૅર સબસિડીને હેલ્થ ઇન્શ્યૉરન્સ કંપનીઓ માટે નફાખોરીનું માધ્યમ અને અમેરિકાના લોકો માટે મોટી આપદા હોવાનું ગણાવ્યું હતું. એના ઉકેલ તરીકે ટ્રમ્પે કહ્યું હતું, ‘સરકાર ખૂલતાં જ સાથે મળીને હું આ સમસ્યાના સમાધાન માટે તૈયાર છું. સબસિડીને બદલે લોકોને સીધા પૈસા આપીને તેમની પસંદનો ઇન્શ્યૉરન્સ ખરીદવાની સુવિધા આપવી જોઈએ.’


