સિડનીના બૉન્ડી બીચ પર યહૂદીઓના એક ધાર્મિક મેળાવડા પર બે ટેરરિસ્ટોનો અંધાધૂંધ ગોળીબાર, ૧૨ જણનાં મોત, એક હુમલાખોરનો પણ ખાતમો
અંધાધૂંધ ગોળીબાર થવાથી સિડનીના બૉન્ડી બીચ પર નાસભાગ મચી હતી.
ઑસ્ટ્રેલિયાના સિડની શહેરના બૉન્ડી બીચ પર ગઈ કાલે સાંજે હજારોની સંખ્યામાં યહૂદીઓ પોતાના એક તહેવાર નિમિત્તે એકઠા થયા હતા ત્યારે તેમના પર બ્લૅક ટી-શર્ટ પહેરીને આવેલા બે જણે આડેધડ ગોળીબાર કર્યો હતો જેમાં ૧૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે બેઉ હુમલાખોરોને શૂટ કરીને પકડી લીધા હતા, જેમાંથી એકે દમ તોડી દીધો હતો. ઑસ્ટ્રેલિયાના પ્રેસિડન્ટે આને આતંકવાદી ઘટના ગણાવી હતી.
ઑસ્ટ્રેલિયાના સિડનીમાં બૉન્ડી બીચ પર સ્થાનિક સમય મુજબ સાંજે ૬.૪૫ વાગ્યે ગોળીબાર થયો ત્યારે લગભગ ૨૦૦૦ લોકો હાજર હતા. આ ઘટના બની ત્યારે યહૂદીઓ ઉજવણી કરી રહ્યા હતા. હુમલાખોરોએ એક બ્રિજ પર ચડીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. તેમણે એક ઊંચા બ્રિજ પરથી બીચ પર ઉત્સવ મનાવી રહેલા લોકો પર ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર થતાં જ લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા માટે બીચ છોડીને ભાગવા લાગ્યા હતા.
ADVERTISEMENT
બેકાબૂ હુમલાખોરો પર પોલીસે સામો ગોળીબાર કર્યો હતો એમાં બન્ને હુમલાખોરો ઘાયલ થઈ ગયા હતા. ઘાયલ અને બેહોશ થઈ ગયેલા હુમલાખોરોને પોલીસે કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન (CPR) આપીને બચાવવાની કોશિશ કરી હતી. ન્યુ સાઉથ વેલ્સની પોલીસે કહ્યું હતું કે એક હુમલાખોરનું પાછળથી મૃત્યુ થયું હતું અને એક ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં છે. એક આતંકવાદીની ઓળખ નવીદ અકરમ તરીકે થઈ હતી જે ૨૪ વર્ષનો છે.
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની ઍલ્બનીઝે બૉન્ડી બીચ પર થયેલા હુમલાને આતંકવાદી હુમલો ગણાવીને એને વખોડતાં કહ્યું હતું કે ‘આ ઑસ્ટ્રેલિયાના જ્યુઇશ લોકોને ટાર્ગેટ કરતું પૂર્વગ્રહિત કૃત્ય છે. દેશ ક્યારેય વિભાજન, હિંસા અને ઘૃણા ફેલાવતાં કૃત્યો આગળ ઝૂકશે નહીં. બૉન્ડી બીચ પર જે ઘટના ઘટી એ અત્યંત ક્રૂર દુઃસ્વપ્ન જેવી છે.’

આતંકવાદી નવીદ અકરમ.
ઇઝરાયલે શું કહ્યું?
ઇઝરાયલના પ્રેસિડન્ટ આઇઝૅક હર્ઝોગે સિડનીમાં યહૂદી સમુદાય પર થયેલા હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. આ હુમલામાં ઇઝરાયલ-ઑસ્ટ્રેલિયાના યહૂદી પરિષદના અધ્યક્ષ આસેન ઓેસ્ટ્રોવ્સ્કી પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને માથા પર ગંભીર ઇજા થઈ છે. તેમણે કહ્યું હતું કે ‘આ ક્ષણે ઑસ્ટ્રેલિયાના સિડનીમાં અમારાં ભાઈઓ અને બહેનો પર ઘૃણાસ્પદ આતંકવાદીઓ દ્વારા ક્રૂર હુમલો કરવામાં આવ્યો છે, જેઓ બૉન્ડી બીચ પર સમૂહમાં મીણબત્તી પ્રગટાવવા ગયાં હતાં. અમારા વિચારો તેમની સાથે છે. આ સમયે સમગ્ર ઇઝરાયલ રાષ્ટ્રનું હૃદય દુ:ખી છે. અમે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ અને જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના માટે પ્રાર્થના કરીએ છીએ.’
એક બહાદુરે હુમલાખોરને પાછળથી ઝડપી લીધો
સોશ્યલ મીડિયામાં એક એવો વિડિયો વાઇરલ થયો છે જેમાં એક બહાદુર વ્યક્તિ હુમલાખોરના હાથમાંથી રાઇફલ છીનવી લે છે. આ વિડિયોમાં દેખાય છે કે બ્લૅક ટી-શર્ટ પહેરેલો શૂટર હાથમાં રાઇફલથી કેટલાંક વાહનોની પાસે ઊભા રહીને ખુલ્લેઆમ ગોળીબાર કરી રહ્યો છે. લોકોમાં નાસભાગનો માહોલ છે અને લોકો જીવ બચાવવા માટે આમતેમ ભાગી રહ્યા છે. એ સમયે સફેદ ટી-શર્ટ પહેરેલી એક બુઝુર્ગ વ્યક્તિ શૂટર તરફ જાય છે અને તેને પાછળથી પકડી લે છે. થોડી સેકન્ડો માટે તેમની વચ્ચે ઝપાઝપી થાય છે, પણ આ વ્યક્તિ શૂટરની રાઇફલ ઝૂંટવી લે છે અને તેની સામે જ તાકી દે છે. તે ગોળી ચલાવે છે પણ શૂટરને વાગતી નથી અને તે શૂટરને પીછેહઠ કરવી પડે છે. જોકે એ સમયે બીજો શૂટર ફાયરિંગ કરતો જોવા મળે છે.
અમે ઑસ્ટ્રેલિયા સાથે ઊભા છીએ: નરેન્દ્ર મોદી
ઑસ્ટ્રેલિયાના બૉન્ડી બીચ પર થયેલા ભયાવહ આતંકવાદી હુમલાની અમે કડક નિંદા કરીએ છીએ. ભારત તરફથી હું એ પરિવાર પ્રત્યે ઘેરી સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના પ્રિયજનોને ખોયા છે. દુ:ખની આ ક્ષણે અમે ઑસ્ટ્રેલિયાના લોકોની એકજુટતા સાથે ઊભા છીએ. ભારત આતંકવાદ પ્રત્યે બિલકુલ સહનશીલતા નથી રાખતું અને આતંકવાદનાં તમામ રૂપો અને અભિવ્યક્તિઓ વિરુદ્ધ લડાઈને સમર્થન આપે છે.


