પાકિસ્તાને તૈયાર કરેલા ૪૫ દિવસના ટેમ્પરરી યુદ્ધવિરામના પ્લાન પર ડોનલ્ડ ટ્રમ્પ અને ઈરાન બન્નેએ અસહમતી દર્શાવી હતી, પરંતુ શાંતિવાર્તા હજીયે ચાલી રહી હોવાનો દાવો
આ ઈરાને મચાવેેલી તબાહી છે: ઇઝરાયલના શહેર રામાત ગનમાં ગઈ કાલે ઈરાની મિસાઇલોએ સર્જેલી ખાનાખરાબી.
છેલ્લા ૩૮ દિવસથી ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે પાકિસ્તાને પોતાને મધ્યસ્થ તરીકે રજૂ કરીને અસ્થાયી યુદ્ધવિરામનો પ્લાન બનાવ્યો હતો, પણ એના મિત્ર અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે એને ઝટકો આપ્યો છે. ઈરાનયુદ્ધ રોકવા માટે પાકિસ્તાન, ઇજિપ્ત અને ટર્કીએ રજૂ કરેલા ૪૫ દિવસના ટેમ્પરરી યુદ્ધવિરામના પ્લાન પર હસ્તાક્ષર કરવાનો ડોનલ્ડ ટ્રમ્પે ઇનકાર કરી દીધો છે.
ઈરાને પણ આ પ્રસ્તાવને ઠુકરાવી દેતાં પાકિસ્તાનને બેઉ દેશો તરફથી ઝટકો મળ્યો છે. જોકે ઈરાને પાકિસ્તાનના માધ્યમથી જ પોતાની પ્રપોઝલ મોકલી છે. ઈરાને પ્રસ્તાવિત કામચલાઉ યુદ્ધવિરામનો ઇનકાર કર્યો છે અને એને બદલે અમેરિકા અને ઇઝરાયલ પાસેથી લશ્કરી કાર્યવાહી કાયમી ધોરણે બંધ કરવાની પ્રતિબદ્ધતાની માગણી કરી છે. તેહરાને જણાવ્યું હતું કે યુદ્ધનો સ્થાયી અંત હોવો જોઈએ અને સાથે ઈરાનનાં હિતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. એવું જાણવા મળ્યું છે કે ઈરાને ૧૦ પૉઇન્ટમાં ડિમાન્ડ મૂકી છે જેમાં હોર્મુઝ સ્ટ્રેસના સેફ પૅસેજ માટે ચોક્કસ પ્રોટોકૉલ બનાવવાની, ઈરાન પર મૂકેલી સેન્ક્શન્સ હટાવવાની અને ઈરાનના રીકન્સ્ટ્રક્શનને લઈને કુલ ૧૫ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ઈરાની અધિકારીઓએ વચગાળાની વ્યવસ્થા સામે મજબૂત પ્રતિકારનો સંકેત આપ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘાઈએ જણાવ્યું હતું કે ‘તેહરાન કામચલાઉ વિરામને બદલે સંઘર્ષનો સંપૂર્ણ અંત ઇચ્છે છે. અમે યુદ્ધનો અંત લાવવા અને એના પુનરાવર્તનને રોકવા માટે હાકલ કરી રહ્યા છીએ.’
ઈરાને ૧૫ મુદ્દાની યાદીનો ઉલ્લેખ કરીને પાકિસ્તાન દ્વારા પહોંચાડવામાં આવેલી અમેરિકાની માગણીઓનો જવાબ તૈયાર કર્યો છે. જ્યારે જરૂર પડશે ત્યારે એ જવાબ જાહેર કરવામાં આવશે.
ટ્રમ્પના અલ્ટિમેટમ પહેલાં ઈરાન પર હુમલો સાઉથ પાર્સ ગૅસફીલ્ડ, ત્રણ ઍરપોર્ટ અને નેવી બેઝ ઉડાવ્યાં
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની વૉર્નિંગની ડેડલાઇન પૂરી થાય એ પહેલાં જ એણે સોમવારે તેહરાન પર જબરદસ્ત હુમલા કર્યા હતા. અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના સૌથી મોટા ગૅસફીલ્ડ સાઉથ પાર્સ નૅચરલ ગૅસ પાસે આવેલાં ઊર્જામથકોને નિશાન બનાવ્યાં હતાં. ઈરાને આ હુમલા માટે અમેરિકા અને ઇઝરાયલને દોષી ગણાવ્યાં હતાં. બીજી તરફ ઇઝરાયલે ઈરાનનાં ૩ ઍરપોર્ટ પર હુમલો કર્યો હતો. તેહરાન પાસેનાં ૩ ઍરપોર્ટ્સ પર પણ ભારે બૉમ્બમારો કરવામાં આવ્યો હતો. ઇઝરાયલે દાવો કર્યો હતો કે આ હુમલામાં અનેક ઍરક્રાફ્ટ્સ અને હેલિકૉપ્ટર નાશ પામ્યાં હતાં.
ઇઝરાયલના સંરક્ષણપ્રધાન ઇઝરાયલ કાટ્ઝે ગઈ કાલે અસલુયેહમાં સાઉથ પાર્સ પેટ્રોકેમિકલ પર હુમલાની પુષ્ટિ કરી હતી. ગયા માર્ચમાં પણ આ ઊર્જામથક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ અટૅક ઈરાનના એનર્જી સપ્લાય અને અર્થવ્યવસ્થાની કમર તોડી શકે છે.
અમેરિકન સેનેટર બર્ની સૅન્ડર્સે કહ્યું કે ટ્રમ્પ માનસિક રીતે અસ્થિર વ્યક્તિ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકીભરી પોસ્ટમાં અપશબ્દો લખ્યા હોવાથી અમેરિકામાં ઘણા લોકો નારાજ છે. અમેરિકન સેનેટર બર્ની સૅન્ડર્સે કહ્યું હતું કે આ એક ખતરનાક અને માનસિક રીતે અસ્થિર વ્યક્તિનો બકવાસ છે, કૉન્ગ્રેસે હવે કાર્યવાહી કરવી જોઈએ અને આ યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવામાં આવે અને એનો અંત લાવવામાં આવે.
ઈરાન સમર્થિત ઇરાકી જૂથની ડોનલ્ડ ટ્રમ્પને ધમકીઃ કોઈ તેલ કે ગૅસ-સુવિધાઓ નહીં છોડીએ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે આજ સુધીમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ઈરાનને મુદત આપી છે ત્યારે ઈરાન સમર્થિત ઇરાકી જૂથ કટૈબ હિઝબુલ્લાએ ચેતવણી આપી હતી કે ‘જો અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પર એની ધમકીનું પાલન કરશે તો હુમલા કરવામાં આવશે. જો તેઓ બળજબરીથી હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો પ્રયાસ કરશે તો કોઈ તેલ અને ગૅસ પ્લૅટફૉર્મ કે સુવિધાઓ બાકી રહેશે નહીં.’ આ ગ્રુપના નેતા અબુ હુસૈન અલ-હમીદાવીએ કહ્યું હતું કે ટ્રમ્પે એ જાણવું જોઈએ કે આ પ્રદેશમાં તેમના પાવરપ્લાન્ટ અમારા માટે કાયદેસર લક્ષ્યો છે.
