શું તમને પણ વૉટ્સઍપ પર આવો મેસેજ આવે છે? તો સાવચેત થઈ જજો અને લાલચમાં આવી જતા નહીં. આવી લાલચ ફસાઈને ઘાટકોપરના કચ્છી યુવાને પોતાનાં લગ્ન અને ફ્યુચર માટે રાખેલા ૮.૩૪ લાખ ગુમાવ્યા

પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : ઘાટકોપરમાં રહેતા ૨૯ વર્ષના કચ્છી યુવાનને વૉટ્સઍપ પર પાર્ટટાઇમ કામ કરીને પૈસા કમાવાનો મેસેજ આવ્યો હતો. ફરિયાદી યુવાને વધુ માહિતી લીધા પછી તેને ટાસ્ક સોંપવામાં આવ્યો હતો જે પૂરો કર્યા બાદ પૈસા આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. દરમિયાન યુવકે આ ટાસ્કમાં પોતાનાં લગ્ન અને ફ્યુચર માટે રાખેલા આશરે ૮.૩૪ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરી દીધા હતા. ત્યાર બાદ પણ પોતાના નફો અને મુદ્દલ પૈસા પાછા ન આવતાં અંતે પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં તેણે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.
ઘાટકોપર-વેસ્ટના અસલ્ફા વિસ્તારની એક સોસાયટીમાં રહેતા અને ઐરોલીની એક કંપનીમાં નોકરી કરતા જિજ્ઞેશ કટારિયાએ કરેલી ફરિયાદ અનુસાર ૧૭ મેએ તેને વૉટ્સઍપ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. એમાં પાર્ટટાઇમ કામ કરીને પૈસા કમાવાની માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ ટેલિગ્રામ ગ્રુપ તૈયાર કરીને ટાસ્ક આપવામાં આવ્યો હતો. એ પૂરો કર્યો પછી પ્રૉફિટના પૈસા આપવામાં આવશે એવો વાયદો કરવામાં આવ્યો હતો. એ માટે પહેલાં પૈસા ઇન્વેસ્ટ કરવાનું જણાવવામાં આવતાં તેણે ધીરે-ધીરે કરીને ૮.૩૪ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા. ત્યાર બાદ તે પોતાના પૈસા કાઢવા જતાં એ નીકળ્યા નહોતા. અંતે પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં તેણે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઘાટકોપર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદીએ પોતાની બે બૅન્કમાંથી પૈસા ટાન્સફર કર્યા હતા. પાર્ટટાઇમ નોકરી કરીને પૈસા કમાવાની લાલચ આપીને છેતરપિંડી થઈ છે. આ ઘટનામાં જે અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે એની માહિતી કાઢવામાં આવી રહી છે.’
જિજ્ઞેશ કટારિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી વર્ષોની બચતની મેં એફડી કરી રાખી હતી. આ પૈસા મેં મારાં લગ્ન અને ભવિષ્ય માટે રાખ્યા હતા. ધીરે-ધીરે કરીને મેં મારા તમામ પૈસા ગુમાવી દીધા છે.’