રાજ ઠાકરેને બિઝનેસમૅન સુશીલ કેડિયાની ખુલ્લી ચૅલેન્જ : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ આ મામલે આખરે મૌન તોડીને કહ્યું, ભાષાના મુદ્દે કોઈ ગુંડાગીરી કરશે તો એ નહીં જ ચલાવી લેવાય
સુશીલ કેડિયા
મીરા-ભાઈંદરની મીઠાઈ અને ફરસાણની દુકાનના દુકાનદારને મરાઠી આવડતું ન હોવાથી તેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ મારઝૂડ કરી હતી. એ પછી વેપારીઓએ પણ એકતા બતાવી MNSના આ વલણને વખોડીને મોરચો કાઢ્યો હતો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે હવે આ જ મુદ્દે એક મારવાડી બિઝનેસમૅન સુશીલ કેડિયાએ મેદાનમાં ઝંપલાવીને રાજ ઠાકરેને પડકાર્યા છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર તેમણે ટ્વીટ કરી છે એટલું જ નહીં, એ ટ્વીટમાં રાજ ઠાકરેને પણ ટૅગ કરીને લખ્યું છે, ‘ધ્યાન આપો રાજ ઠાકરે, હું છેલ્લાં ૩૦ વર્ષથી મુંબઈમાં રહું છું છતાં મને મરાઠી બરાબર નથી આવડતી. જોકે હવે તમારા કાર્યકરોનું ગેરવર્તન જોતાં મેં નક્કી કર્યું છે, હું પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી તમે અને તમારા આવા માણસો જેઓ મરાઠી માણૂસનો પક્ષ લેવાનો ઢોંગ કરશે ત્યાં સુધી હું મરાઠી નહીં જ શીખું. ક્યા કરના હૈ બોલ?’
સુશીલ કેડિયાને ત્યાર બાદ ધમકીઓ મળવા માંડી હતી. ધમકીઓ મળવા માંડતાં સુશીલ કેડિયાએ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પણ સવાલ કર્યો હતો કે રાજ ઠાકરે દ્વારા બિનમરાઠીઓ પર હુમલા થઈ રહ્યા છે અને ધમકીઓ આપવામાં આવી રહી છે ત્યારે શું તમે ચૂપચાપ જોયા કરશો?
ADVERTISEMENT
સુશીલ કેડિયાએ મુંબઈ પોલીસ અને મુખ્ય પ્રધાનને પણ ટૅગ કરીને લખ્યું હતું કે ‘મહેરબાની કરીને ધ્યાન આપો. રાજ ઠાકરેના કાર્યકરો દ્વારા મને મારવાની ખુલ્લી ધમકીઓ આપવામાં આવી રહી છે, મને સંરક્ષણ પૂરું પાડો. એક ભારતીય તરીકે મહારાષ્ટ્રમાં આત્મસન્માન અને સુરક્ષાનો અધિકાર છે કે નહીં? આ એક સવાલ છે. આપણા કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ પણ એ વિશે કહી શકે.’
ધમકીઓથી બાજી વધુ બગડશે
રાજ ઠાકરેને ઉદ્દેશીને સુશીલ કેડિયાએ એમ પણ લખ્યું કે ‘શ્રી રાજ ઠાકરે, તમારા ૧૦૦ જેટલા કાર્યકરો પણ મને મરાઠી શીખવવાનો પ્રયાસ કરશે તો પણ મને કડકડાટ મરાઠી બોલતાં નહીં આવડે. જ્યારે મને મરાઠી બોલવા પર જ ભરોસો નથી ત્યારે જો આવી ધમકીઓ મળશે તો એનાથી ડરીને જે થોડા શબ્દો આવડતા હશે એ પણ બરાબર નહીં બોલી શકું. એનાથી બાજી વધુ બગડશે, મારઝૂડ થશે. સમજો, પ્રેમથી લોકોને એકસાથે આવવા સમજાવી શકાય, નફરતથી નહીં.’
કોણ છે સુશીલ કેડિયા?
સુશીલ કેડિયા શૅરબજાર અને ઇન્વેસ્ટમેન્ટ-એક્સપર્ટ છે. છેલ્લાં પચીસ વર્ષથી તે નૅશનલ અને ઇન્ટરનૅશનલ બૅન્કો સાથે કામ કરે છે. માર્કેટ ટેક્નિશ્યનની મૅનેજિંગ કમિટીમાં નિમણૂક પામેલા પહેલા એશિયન છે. તેમણે કેડિયાનૉમિક્સ નામની રિસર્ચ ફર્મની સ્થાપના કરી હતી જે શૅરબજારને લગતી સર્વિસ પ્રોવાઇડ કરે છે. સુશીલ કેડિયા અનેક બિઝનેસ-ચૅનલ પર ગેસ્ટ તરીકે જાય છે. ત્યાં તે શૅરબજાર અને ઇન્વેસ્ટમેન્ટને લગતી બાબતો પર ઑફિશ્યલી બોલે છે. મુંબઈમાં રહેનારા સુશીલ કેડિયાને હિન્દી અને અંગ્રેજી સિવાય બંગાલી, ગુજરાતી અને મરાઠી ભાષા આવડે છે.
ભાષાના મુદ્દે કોઈ ગુંડાગીરી કરશે તો એ નહીં ચલાવી લેવાય : દેવેન્દ્ર ફડણવીસ
આ જ મુદ્દે એ પછી રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પત્રકારોને કહ્યું હતું ‘હું બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગું છું કે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનું અભિમાન રાખવું એ કોઈ ખોટી વાત નથી, પણ ભાષાને લઈને કોઈ ગુંડાગીરી કરશે તો અમે એને સહન નહીં કરીએ. કોઈ જો ભાષાના આધારે મારપીટ કરશે તો એ સહન નહીં કરાય. જે પ્રકારની ઘટના બની છે એ જોતાં એના પર પોલીસે FIR પણ કર્યો છે, કાર્યવાહી પણ કરી છે. આગળ પણ જો કોઈ આ રીતે ભાષાનો વિવાદ કરશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ મરાઠી માટે આગ્રહ રાખી શકો પણ દુરાગ્રહ નહીં ચલાવી લેવાય. અમને અમારી મરાઠીનું અભિમાન છે, પણ ભારતની કોઈ પણ ભાષા સાથે આ પ્રકારે અન્યાય ન કરી શકાય એ પણ અમારે ધ્યાનમાં રાખવું પડશે. મને તો ક્યારેક આશ્ચર્ય થાય છે કે આ લોકો અંગ્રેજીને ગળે લગાડે છે અને હિન્દી પર વિવાદ કરે છે. આ કઈ રીતનો વિચાર છે? આ કઈ રીતની કાર્યવાહી છે? એથી આ રીતે જે લોકો કાયદાને હાથમાં લેશે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.’

