Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > `વાત ખર્ચની નહીં, બાળકોના સ્વાસ્થ્યની` સ્કૂલમાં મીલ પ્લાન સામે વાલીઓને વાંધો

`વાત ખર્ચની નહીં, બાળકોના સ્વાસ્થ્યની` સ્કૂલમાં મીલ પ્લાન સામે વાલીઓને વાંધો

Published : 07 April, 2026 07:04 PM | Modified : 07 April, 2026 08:01 PM | IST | Mumbai
Hetvi Karia | hetvi.karia@mid-day.com

DPS Panvel Controversy: પનવેલની Delhi Public School (DPS) માં શરૂ કરાયેલા નવા Nutrition & Wellness પ્રોગ્રામને લઈને કેટલાક વાલીઓએ ગંભીર વાંધા ઉઠાવ્યા છે. સ્કૂલનો અભિપ્રાય લેવા મિડ-ડેએ સ્કૂલનો પણ સંપર્ક કર્યો, પરંતુ કોઈ માહિતી આપવામાં આવી નહોતી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


પનવેલની Delhi Public School (DPS) માં શરૂ કરાયેલા નવા Nutrition & Wellness પ્રોગ્રામને લઈને કેટલાક વાલીઓએ વાંધા ઉઠાવ્યા છે. વાલીઓનું માનવું છે કે સ્કૂલ આ પ્રોગ્રામને “ઓપ્શનલ” તરીકે રજૂ કરી છે, પરંતુ હકીકતમાં તેને ફરજિયાત બનાવવામાં આવી રહ્યો છે.

ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે અમલમાં મુકવામાં આવી રહેલા આ પ્રોગ્રામમાં બ્રેકફાસ્ટ અને લંચની સાથે સાથે વેલનેસ વર્કશોપ્સનો પણ સમાવેશ થાય છે. સ્કૂલનું કહેવું છે કે આ પ્રોગ્રામ ફ્લેક્સિબલ છે, પરંતુ વાલીઓનો દાવો છે કે પ્રેક્ટિકલ રીતે ઓપ્ટ-આઉટ કરવાની સ્પષ્ટ સુવિધા નથી.



‘દસ્તાવેજોમાં વૈકલ્પિક, પરંતુ હકીકત કંઈક જુદી’


વાલી ડૉ. પ્રિયાએ જણાવ્યું કે સ્કૂલના દાવા અને વાસ્તવિકતા વચ્ચે મોટું અંતર છે. “સ્કૂલ કહે છે કે પ્રોગ્રામ ઓપ્શનલ છે, પરંતુ વાસ્તવમાં ઓપ્ટ-આઉટ કરવાની કોઈ સ્પષ્ટ વ્યવસ્થા નથી. અમે ના પાડીએ છીએ છતાં બાળકોને ફૂડ ઑફર આવે છે, જે અમને અમારા પોતાના બાળકો માટે પસંદગી કરવાનો અધિકાર આપતો નથી." તેમણે ઉમેર્યું કે પ્રોગ્રામ અંગે પૂરતી માહિતી આપવામાં આવી નથી. “ખોરાક સિવાય વર્કશોપ અને અન્ય પ્રવૃત્તિઓની વાત થાય છે, પરંતુ તેના વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી."

વાલીઓએ જણાવ્યું કે પ્રોગ્રામ અંગે પહેલા કોઈ ચર્ચા કે મંજૂરી લેવામાં આવી નહોતી.


રૂ. 16,500 નો ખર્ચ અને સંમતિ અંગે પ્રશ્નો

વાલીઓના જણાવ્યા મુજબ, આ પ્રોગ્રામ માટે દર ક્વાર્ટર રૂ. 5,500 લેવામાં આવે છે, એટલે કે વર્ષમાં આશરે રૂ. 16,500નો ખર્ચ થાય છે.

અન્ય એક વાલી, સાયલીએ ડાએટ જેવા સંવેદનશીલ મુદ્દા પર માતાપિતાની મંજૂરી ન લેવા પર પ્રશ્ન ઉઠાવ્યો. "ખોરાક સીધો બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. આવી બાબતમાં, શાળાએ વાલીની સંમતિ લેવી જરૂરી છે, જે લેવામાં આવી નથી," તેણે કહ્યું. મેનુ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. "જો મારી દીકરી તે દિવસે મેનુ પ્રમાણે જે પીરસવામાં આવે છે તે ખાવા માગતી નથી તો શું થશે? ઘરે, મને ખબર છે કે તેને શું ખાવું છે. દરેક બાળક માટે એક પ્રકારનો મેનુ યોગ્ય નથી," તેણે ઉમેર્યું.

વાલીઓએ જણાવ્યું કે દરેક બાળકની ખાવાની પસંદગી, સંસ્કૃતિ અને એલર્જી અલગ હોઈ શકે છે, જેને ધ્યાનમાં લેવું જરૂરી છે.

એક વાલી, જે નામ ન આપવાની શરતે, તેમણે જણાવ્યું કે જ્યારે તેમણે ફી ભરવા માટે ફી પોર્ટલ ખોલ્યું ત્યારે આ મુદ્દો પ્રકાશમાં આવ્યો. "જ્યારે અમે ફી પોર્ટલમાં લોગ ઇન કર્યું, ત્યારે અમે જોયું કે ન્યુટ્રિશન અને વેલનેસની ફીઝ ઉમેરવામાં આવી હતી. આ અંગે કોઈ પૂર્વ માહિતી કે સંમતિ લેવામાં આવી ન હતી," વાલીએ કહ્યું.

તેમણે આરોપ લગાવ્યો કે શરૂઆતમાં માતાપિતાની ચિંતાઓનું યોગ્ય રીતે નિરાકરણ કરવામાં આવ્યું ન હતું. "શરૂઆતની ચર્ચા દરમિયાન, કેટલાક માતાપિતાને સંકેત આપવામાં આવ્યો હતો કે જો તેઓ સંમત ન થાય, તો તેઓ તેમના બાળકનું લિવિંગ સર્ટિફિકેટ લઈ શકે છે..." વાલીએ આરોપ લગાવ્યો.

તેમણે ઉમેર્યું કે આ પહેલી વાર નથી જ્યારે આવા મુદ્દાઓ ઉભા થયા છે.

"પહેલાં, કેટલાક શાળાના નિર્ણયો, જેમ કે કેમ્પસને ગ્રામીણ વિસ્તારમાં ખસેડવા, કોઈપણ માહિતી વિના. આનાથી વાલીઓમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે," તેમણે કહ્યું.

વધુમાં, તેમણે કહ્યું કે "આ ઉંમરનું બાળક તેની માટે શું યોગ્ય છે તે કેવી રીતે નક્કી કરી શકે? જો તેમને રોટલી-શાક અને પાસ્તા અથવા સેન્ડવીચ જેવા વિકલ્પો આપવામાં આવે તો તેઓ પાસ્તા અને સેન્ડવીચ જ પસંદ કરવાનું છે, જે તેના સ્વાસ્થ્ય માટે સારું નથી".

વાલીઓએ સ્પષ્ટતા કરી કે મુદ્દો પૈસાનો નથી, પરંતુ મજૂરીનો છે. "અમારી એકમાત્ર માગ છે કે માતાપિતાની સંમતિ વિના બાળકોને કોઈ પણ ખોરાક ન આપવો જોઈએ. ટ્રાયલ પિરિયડ દરમિયાન પણ બાળકોને ખોરાક આપવામાં આવી રહ્યો છે જેના માટે અમે પરવાનગી આપી નથી," તેમણે ઉમેર્યું.

તેમણે મેનુ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. "જો આવો ખોરાક દરરોજ આપવામાં આવે તો નાના બાળકો તેના તરફ આકર્ષિત થશે. આ ઉંમરે, તેઓ યોગ્ય નિર્ણયો લઈ શકતા નથી, તેથી અંતિમ નિર્ણય માતાપિતા પાસે હોવો જોઈએ," તેમણે કહ્યું.

DPS પનવેલ વેલનેસ મીલ મેનૂ

‘મફત આહાર પણ સ્વીકાર્ય નથી’

કેટલાક વાલીઓએ પ્રથમ ત્રિ-માસિક મફત આપવાની સ્કૂલની ઓફર પર પણ વાંધો ઉઠાવ્યો છે.

બીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીના મમ્મી સીતા વર્માએ કહ્યું કે આ મુદ્દો પૈસાનો નથી, પરંતુ પસંદગીનો છે.

"અમે વિરોધ તરીકે હજી સુધી ફી ચૂકવી નથી. મારા બાળકના ક્લાસમાં લગભગ 150 વાલીઓ આ પ્રોગ્રામનો વિરોધ કરી રહ્યા છે. અમે બધાએ લેખિત રજૂઆત પર સહી કરી છે અને તેને શાળામાં સુપરત કરી છે," તેમણે કહ્યું.

"આ ફીનો મુદ્દો નથી. અમે અમારા બાળકના શિક્ષણ માટે ખૂબ ઊંચી ફી ચૂકવી જ રહ્યા છીએ, ૧૬૦૦૦ થી કોઈ ફરક પડતો નથી. પરંતુ અમે નથી ઇચ્છતા કે શાળા અમારા બાળકોને જમાડે. અમે હૉમ- મેડ મીલ પસંદ કરીએ છીએ અને એ પસંદગીનો માન રાખવો જોઈએ," તેમણે ઉમેર્યું.

"અમે સ્પષ્ટ કરી દીધું છે કે અમને આ ખોરાક નથી જોઈતો, છતાં શાળા કહે છે કે અમે આપશું અને બાળકને પસંદ કરવા દો કે તે ઘરે બનાવેલ ટિફિન ખાવા માગે છે કે શાળા દ્વારા આપવામાં આવેલ ખોરાક. અમે આ સાથે સહમત નથી," તેમણે કહ્યું.

ફી અટકાવ, વધુ કાર્યવાહીનો ઈશારો

આ મુદ્દાને કારણે વાલીઓમાં અસંતોષ વધ્યો છે અને કેટલાક લોકોએ વિરોધમાં ફી નથી ભરી. વાલીઓનો દાવો છે કે તેમણે મીટિંગ્સ, ઈમેલ અને સ્કૂલ પોર્ટલ દ્વારા ફરિયાદો નોંધાવી છે. હવે કેટલાક વાલીઓ Fee Regulation Committee અને CBSE સુધી મુદ્દો લઈ જવાની તૈયારીમાં છે.

સ્પષ્ટતા અને પસંદગીની માગ

વાલીઓ કહે છે કે તેઓ આ પ્રોગ્રામનો સંપૂર્ણપણે વિરોધ નથી કરતા અને શાળાના ઉદ્દેશ્ય પર શંકા કરતા નથી, પરંતુ શરૂઆતથી જ તેને સંપૂર્ણપણે વૈકલ્પિક રાખવું જોઈએ. “જે વાલી ઈચ્છે તે આ પ્રોગ્રામમાં જોડાઈ શકે, પરંતુ જે ના કહે તેમના નિર્ણયનો માન રાખવામાં આવો જોઈએ,” ડૉ. પ્રિયાએ જણાવ્યું.

સ્કૂલની પ્રતિક્રિયા

મિડ-ડે એ સ્કૂલનો અભિપ્રાય મેળવવા સંપર્ક કર્યો હતો. સ્કૂલ તરફથી જણાવાયું કે સંબંધિત અધિકારીઓ હાલ ઉપલબ્ધ નથી અને તેઓ બાદમાં પોતાનું નિવેદન આપશે. નિવેદન મળ્યા બાદ આ સમાચાર અપડેટ કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

07 April, 2026 08:01 PM IST | Mumbai | Hetvi Karia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK