Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ક્રિકેટ રમવા ભિવંડી ગયેલા મુલુંડના ગુજરાતીનું હાર્ટ-અટૅક આવતાં મૃત્યુ

ક્રિકેટ રમવા ભિવંડી ગયેલા મુલુંડના ગુજરાતીનું હાર્ટ-અટૅક આવતાં મૃત્યુ

06 May, 2024 08:57 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગ્રાઉન્ડ પર ચક્કર આવતાં તેને હૉસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં હાર્ટ-અટૅકને કારણે તેનું મૃત્યુ થયું હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું.  

વિવેકસિંહ ભૂપેન્દ્રસિંહ ચાવડા

વિવેકસિંહ ભૂપેન્દ્રસિંહ ચાવડા


આજકાલ યુવાનોમાં હાર્ટ-અટૅકની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. કોઈ બીમારી ન હોય છતાં યુવાનોને હાર્ટ-અટૅક આવી રહ્યા છે. ચિંતા એ વાતની છે કે ઍક્ટિવ અને ફિટ જણાતા  યુવાનો હાર્ટ-અટૅકનો શિકાર બની રહ્યા છે. ગઈ કાલે આવો જ બનાવ બન્યો હતો.  મુલુંડ રહેતો ૩૪ વર્ષનો વિવેકસિંહ ભૂપેન્દ્રસિંહ ચાવડા ગઈ કાલે સમાજની મૅચ રમવા ભિવંડી ગયો હતો. ગ્રાઉન્ડ પર ચક્કર આવતાં તેને હૉસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં હાર્ટ-અટૅકને કારણે તેનું મૃત્યુ થયું હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું.  

પહેલી મૅચ વિવેકે જ જિતાડી આપી હતી એમ કહેતાં ક્ષત્રિય કચ્છી રાજપૂત સમાજના મુંબઈના અધ્યક્ષ જિતુ મકવાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડ-વેસ્ટના સેવારામ લાલવાણી રોડ પર વિઠ્ઠલનગરમાં વિવેક પત્ની અને બે બાળકીઓ સાથે રહેતો હતો અને તે કાપડબજારમાં સેલ્સમૅન હતો. ગઈ કાલે અમારા સમાજે ભિવંડીના માનકોલી ગ્રાઉન્ડમાં મૅચનું આયોજન કર્યું હતું એટલે અમે બધા મુલુંડથી બપોરે ભિવંડીના માનકોલી ગ્રાઉન્ડ ગયા હતા. વિવેકે પહેલી મૅચ સારી બૅટિંગ કરીને જિતાડી આપી હતી. એ પછી તે જમ્યો હતો અને ગ્રાઉન્ડમાંના એક ટેન્ટ પાસે ઊભો હતો ત્યારે સાંજે સાડાપાંચ વાગ્યે તેને છાતીમાં ભયંકર દુખાવો ઊપડ્યો અને ચક્કર આવી જતાં ત્યાં જ ઢળી પડ્યો હતો. એ પછી અમે ડોમ્બિવલીના એક પ્રાઇવેટ ફિઝિશ્યન પાસે લઈ ગયા હતા, પણ ડૉક્ટરે વધુ સિરિયસ કેસ હોવાનું કહીને અન્ય હૉસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી એટલે અમે તેને ડોમ્બિવલીની એઇમ્સ હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં હાજર ડૉક્ટરે વિવેકને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. મૃત્યુ પાછળનું કારણ હાર્ટ-અટૅક ગણાવ્યું હતું.’



વિવેક મૂળ કચ્છના તેરા ગામનો છે અને તેનાં માતા-પિતા વતન ગયાં છે એમ જણાવતાં જિતુભાઈએ ઉમેર્યું હતું કે ‘માતાપિતાની ઉંમર વધુ હોવાથી હાલમાં અમે વિવેક વિશે કોઈ માહિતી આપી નથી. તેમને મુંબઈ બોલાવી લીધાં છે. આજે સવારે તેઓ મુંબઈ આવી જશે એ પછી વિવેકના અતિમ સંસ્કાર કરવામાં આવશે. વિવેક ક્રિક્રેટપ્રેમી હતો. ગઈ કાલે આ ઘટના બન્યા બાદ વિવેક જે વિસ્તારમાં રહે છે ત્યાં શોકનો માહોલ સર્જાયો છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 08:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK