Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં ગરજ્યા મોદી: આ દાળભાત ખાનારો શું કરે છે એ દેખાડી દેશે

ગુજરાતમાં ગરજ્યા મોદી: આ દાળભાત ખાનારો શું કરે છે એ દેખાડી દેશે

02 May, 2024 07:27 AM IST | Himmatnagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલાં ડીસા અને ત્યાર બાદ હિંમતનગરમાં સભા યોજીને ગુજરાતની તમામ બેઠકો પર BJPને ભવ્ય વિજય અપાવવા કરી અપીલ અને કહ્યું કે ગમે એટલી ગરમી હોય, મતદાન વધવું જોઈએ

ડીસાની સભામાં નરેન્દ્ર મોદીને ગુજરાતની ૨૬ બેઠકો દર્શાવતા નકશાનો મેમેન્ટો આપવામાં આવ્યો હતો

ડીસાની સભામાં નરેન્દ્ર મોદીને ગુજરાતની ૨૬ બેઠકો દર્શાવતા નકશાનો મેમેન્ટો આપવામાં આવ્યો હતો


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની આગવી સ્ટાઇલમાં ગઈ કાલે ગુજરાતમાં ચૂંટણીપ્રચારની ધાર્યા પ્રમાણે જબરદસ્ત શરૂઆત કરીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં પ્રાણ ફૂંક્યો હતો. પહેલાં બનાસકાંઠાના ડીસામાં અને ત્યાર બાદ સાબરકાંઠાના હિંમતનગરમાં સભા યોજીને ગુજરાતની તમામ બેઠકો પર BJPને ભવ્ય વિજય અપાવવા અપીલ કરીને કહ્યું હતું કે ‘ગમે એટલી ગરમી હોય, મતદાન વધવું જોઈએ. પહેલાં મતદાન, પછી જલપાન.’

ખરા બપોરે ધોમધખતા તાપમાં નરેન્દ્ર મોદીને સાંભળવા માટે BJPના કાર્યકરો ડીસા અને હિંમતનગરમાં મોટી સંખ્યામાં ઊમટ્યા હતા ત્યારે બે સભામાં નરેન્દ્ર મોદીએ બીજું શું-શું કહ્યું?



* ૨૦૧૪ પહેલાં જે સરકારો હતી ત્યારે દેશમાં ચારેબાજુ ખબરો રહેતી હતી આતંકવાદ, ગોટાળા, ચારે તરફ ભ્રષ્ટાચાર. દેશ નિરાશાની ગર્તામાં ડૂબી ગયો હતો. આવા વિકટ કાળખંડમાં તમે મને દેશની સેવા કરવાનો મોકો આપ્યો. મેં મહેનત કરવામાં કોઈ કમી ન રાખી. પળ-પળ દેશવાસીઓને નામ, પળ-પળ દેશના નામ, તમારા નામ.
* આ ૨૦૨૪ની ચૂંટણીમાં મારાં ૨૦–૨૫ વર્ષના અનુભવને લઈને આવ્યો છું. ૧૦ વર્ષ દેશને ચલાવ્યો છે. દેશ નવી ઊંચાઈએ પહોંચ્યો છે. દેશના સામર્થ્યના આધારે હું ગૅરન્ટી લઈને આવ્યો છું. મારી ગૅરન્ટી છે આવનારી મારી ત્રીજી ટર્મમાં હું હિન્દુસ્તાનને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવીને રહીશ. એની સમૃદ્ધિ, સામર્થ્યોના લાભ વર્તમાન પેઢીને, આવનારી પેઢીને મળશે, આ ગૅરન્ટી લઈને આવ્યો છું.
* ગુજરાતના BJPવાળાને અને ગુજરાતનાં બધાં ભાઈ-બહેનો, હું બધી સીટ જીતી સંતુષ્ઠ થનારાઓમાં નથી એટલે ખાલી બધી સીટો જીતવી છે એવું નહીં, આપણે બધાં પોલિંગ-બૂથ જીતવાં છે.
* ગુજરાતને આજે સૅલ્યુટ કરીશ. તેમણે તેમની સૂઝબૂઝથી ક્યારેય અસ્થિર સરકાર નથી આવવા દીધી. શૉર્ટ ટર્મ પ્રલોભનમાં તમે નથી પડ્યા. તમે ગુજરાતને બચાવી રાખ્યું છે. તમે કૉન્ગ્રેસને ગુજરાતમાંથી હટાવી એ પછી પગ રાખવા નથી દીધો.
* ૨૦૧૪માં હું પહેલી વાર લોકસભાના મેદાનમાં આવ્યો, કૉન્ગ્રેસની સભામાં ચાની કીટલી લઈને વેચાતી હતી. મારી મઝાક ઉડાવાતી હતી, પણ દેશે તેમની હરકતોનો એવો જવાબ આપ્યો કે ક્યારેક ૪૦૦ સીટો લઈ બેસતા હતા તે ૪૦ સીટો પર આવી ગયા.
* કૉન્ગ્રેસ પાસે મુદ્દા નથી, ન તો વિઝન છે કે કામ કરવાનો જઝ્‍‍બો નથી. જે પાર્ટીએ ૬૦ વર્ષ સુધી દેશ પર રાજ કર્યું, આટલા વડા પ્રધાન રહ્યા, પ્રધાન રહ્યા, પણ જનતા પાસે જવા માટે તેમની જીભે સત્ય નામનો શબ્દ નથી અને તેમની મહોબ્બતની દુકાનમાં ફેક ફૅક્ટરીના રૂપમાં કામ કરવા લાગી છે. કૉન્ગ્રેસનો વિડિયો ફેક, કૉન્ગ્રેસની વાતો ફેક, કૉન્ગ્રેસના વાયદા ફેક, કૉન્ગ્રેસના નારા ફેક, કૉન્ગ્રેસની નિયત ફેક છે.
* આવો બે-બે હાથ કરી લો, થઈ જાય મુકાબલો. આ દાળભાત ખાનારો શું કરે છે, દેખાડી દેશે. હિંમત હોય તો સામેથી વાર કરો. આ ફેક વિડિયોની ગેમ બંધ કરો. થોડો સમય તમે લોકોને ગુમરાહ કરી શકશો, પણ આની મોટી સજા પણ દેશ તેમને આપશે.
* પાર્લમેન્ટમાં પાંચ વર્ષ મારી પાસે ૪૦૦ની તાકાત હતી, પણ અમે પાપ કરવા પેદા નથી થયાં કે એ અમારો રસ્તો નથી.
* તમારો ઇરાદો છે દલિત સમાજ, આદિવાસી સમાજ, પછાત વર્ગના લોકો, સમાન્ય વર્ગના ગરીબ જેમને આરક્ષણ મળ્યું છે એ આરક્ષણની લૂંટ ચલાવીને ધર્મના આધારે તમે મુસ્લિમોને આરક્ષણ આપવા માગો છો.
* હું આજે કૉન્ગ્રેસના શહઝાદાને, કૉન્ગ્રેસ પાર્ટીને પડકાર આપું છું કે અગર તમારામાં હિંમત છે તો જાહેરાત કરે કે તે ક્યારેય પણ ધર્મના આધાર પર ન આરક્ષણનો દુરુપયોગ કરશે, ન સંવિધાનમાં ખિલવાડ કરશે, ન તો ધર્મના આધાર પર કોઈને આરક્ષણ આપશે. જાહેરાત કરો. નહીં કરે, કેમ કે દાળમાં કંઈક કાળું છે.
* જ્યાં સુધી BJP છે, જ્યાં સુધી મોદી છે, બાબાસાહેબ આંબેડકરે, ભારતના સંવિધાને SC, ST, OBC અને સામાન્ય વર્ગના લોકોને જે આરક્ષણ આપ્યું છે એની રક્ષા કરવામાં આવશે, એના પર ચોટ આવવા નહીં દઈએ. વોટબૅન્ક માટે તેઓ દલિતોનું, આદિવાસીઓનું, OBCનું આરક્ષણ છીનવવા માગે છે.
* આ કૉન્ગ્રેસના લોકો દેશને ડરાવતા હતા કે રામમંદિર બનશે તો દેશમાં આગ લાગી જશે. રામમંદિર શાનથી બન્યું કે નહીં? પ્રભુ શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ કે નહીં? ક્યાંય આગ લાગી? ક્યાંય તૂતૂમૈંમૈં થયું? પોતાની વોટબૅન્કની રાજનીતિ માટે કેવી રીતે લોકોને ડરાવતા રહે છે એનું આ ઉદાહરણ છે. દેશમાં કોઈ આગ ન લાગી, પણ કૉન્ગ્રેસનાં દિલોમાં જે આગ લાગી છે એ કોઈ ઓલવી નથી શકતું.
* દેશ આઝાદ થયો એના બીજા દિવસથી પ્રભુ શ્રીરામનું મંદિર બનવું જોઈતું હતું, પણ ન થયું, દેશને લડાઈ લડવી પડી. કૉન્ગ્રેસે એને રોકવા કોશિશ કરી. પ્રભુ શ્રીરામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું નિમંત્રણ ઠુકરાવી દીધું, ફક્ત ને ફક્ત પોતાની વોટબૅન્કને ખુશ કરવા. વોટબૅન્કની રાજનીતિમાં એટલા ડૂબ્યા છે કે તેઓ સંતુલન ખોઈ બેઠા છે.
* દેશ માટે હું સેવક છું. દેશવાસીઓ સાથે સેવાનું વ્રત લઈને નીકળેલો, આપના માટે ખપી જનારો સદાય તમારો સાથી છું. આપની પાસે આજે માગવા આવ્યો છું, મને તમારા આશીર્વાદ જોઈએ છે જેથી ૧૪૦ કરોડ દેશવાસીઓ જે સપનાં લઈને જીવી રહ્યાં છે એને સાકાર કરવામાં હું પાછી પાની ન કરું. એના માટે મજબૂત સમર્થન જોઈએ. સંસદમાં મને ગુજરાતના બધા સાથીઓની જરૂર છે.
* મારી સૌ મતદાતાઓને વિનંતી છે કે ગમે એટલી ગરમી હોય, મતદાન વધવું જોઈએ. વધુમાં વધુ મતદાન થાય અને જૂના બધા રેકૉર્ડ તૂટવા જોઈએ, તોડશોને? BJPને ભવ્ય વિજય અપાવશોને? ગુજરાતની બધી સીટો જિતાડશોને? પાક્કું? 
* મારું ગુજરાત વિજયયાત્રામાં સૌથી આગળ હશે. બધી સીટો ગુજરાત આપશે. દરેક બૂથમાં કમળ ખીલવવાનું છે. તમારો દરેક વોટ મોદીને મજબૂત કરશે.
* મને ખાતરી છે કે સાતમી તારીખે અભૂતપૂર્વ મતદાન કરીને BJPને વિજય બનાવશો એવી મને પૂરી શ્રદ્ધા છે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 07:27 AM IST | Himmatnagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK