Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના આ વિદ્યાર્થીઓએ ચંદ્રની ધરતી પર ચાલી શકે એવું રોવર બનાવીને દેશનું નામ કર્યું છે રોશન

મુંબઈના આ વિદ્યાર્થીઓએ ચંદ્રની ધરતી પર ચાલી શકે એવું રોવર બનાવીને દેશનું નામ કર્યું છે રોશન

30 April, 2024 08:26 AM IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

લગભગ અઢી મહિનાની મહેનતે તેમણે રોવર બનાવ્યું અને અમેરિકાના સ્પેસ ઍન્ડ રૉકેટ સેન્ટરમાં રજૂ કર્યું.

ધ સ્કાયવૉકર્સ ટીમના સભ્યો

નગર ડાયરી

ધ સ્કાયવૉકર્સ ટીમના સભ્યો


ચેમ્બુરની કાણકિયા ઇન્ટરનૅશનલ સ્કૂલના ૧૭ વિદ્યાર્થીઓની ધ સ્કાયવૉકર્સ ટીમે NASAની હ્યુમન એક્સપ્લોરેશન રોવર ચૅલેન્જમાં પાર્ટ લીધો હતો. લગભગ અઢી મહિનાની મહેનતે તેમણે રોવર બનાવ્યું અને અમેરિકાના સ્પેસ ઍન્ડ રૉકેટ સેન્ટરમાં રજૂ કર્યું. નવી આવેલી ટીમોમાં રૂકી ઑફ ધ યર અવૉર્ડ જીતી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને ગૌરવ અપાવનાર આ વિદ્યાર્થીઓ પાસેથી જાણીએ તેમની આ સાહસગાથા વિશે

આજ મૈં ઉપર, આસમાં નીચે
આજ મૈં આગે, ઝમાના હૈ પીછે...

આવી જ કંઈ લાગણી ચેમ્બુરની કાણકિયા ઇન્ટરનૅશનલ સ્કૂલના વિદ્યાર્થીઓની ધ સ્કાયવૉકર્સ ટીમને થઈ હતી જ્યારે તેમણે અમેરિકાના નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA)ની હ્યુમન એક્સપ્લોરેશન રોવર ચૅલેન્જમાં ભાગ લીધો અને કૉમ્પિટિશનમાં પહેલી વાર પાર્ટ લઈ રહેલી નવી ટીમોમાંથી સૌથી સારું પ્રદર્શન કરવા બદલ ‘રૂકી ઑફ ધ યર’ અવૉર્ડ મેળવ્યો હતો. સાયન્સ, ટેક્નૉલૉજી, એન્જિનિયરિંગ અને મૅથેમૅટિક્સ ફીલ્ડમાં કારકિર્દી બનાવવા માટે બાળકોને પ્રેરિત કરવાના ઉદ્દેશ સાથે NASAએ ૧૯ અને ૨૦ એપ્રિલે આ કૉમ્પિટિશન ઑર્ગેનાઇઝ કરી હતી. આ પ્રતિસ્પર્ધામાં ભાગ લેવા માટે અલાબામાના હન્ટ્સવિલમાં આવેલા યુએસ સ્પેસ ઍન્ડ રૉકેટ સેન્ટરમાં ૧૭ વિદ્યાર્થીઓની ટીમ તેમણે બનાવેલા રોવર સાથે ત્યાં પહોંચી હતી. આ સ્પર્ધામાં વિશ્વભરમાંથી આવેલી ૭૨ ટીમે ભાગ લીધો હતો, જેમાંથી ૪૨ કૉલેજ-યુનિવર્સિટીના અને ૩૦ હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓની ટીમ હતી અને આવી ટફ કૉમ્પિટિશન વચ્ચે ભારતનાં બાળકો જીતનો ઝંડો લહેરાવીને આવે એ ગર્વ લેવા જેવી વાત છે. 



રોવર ચૅલેન્જ
રોવર શું હોય અને તેમને કેવું રોવર બનાવવાની ચૅલેન્જ આપવામાં આવેલી એ સમજાવતાં નમન શાહ કહે છે, ‘રોવર એક પ્રકારનો નાનો રોબો છે, જે બીજા ગ્રહ પર જઈને એની માહિતી સંશોધન માટે વૈજ્ઞાનિકોને મોકલે છે. ચંદ્રયાન-થ્રી માટે ચંદ્રની સપાટી પર લૅન્ડ કરાયેલું પ્રજ્ઞાન રોવર તમને યાદ હશે. ચંદ્રની જમીન જરાય સમથળ નથી. એમાં ખૂબ ખાડાઓ છે, પરિણામે રોવરને એના પર ચલાવવાનું કામ પડકારરૂપ બની જાય છે. એટલે જ વિદ્યાર્થીઓને કૉમ્પિટિશનમાં ઢોળાવવાળી, ખાડાવાળી, માટી અને ખડકોવાળી જમીન પર રોવરને ચલાવવાની ચૅલેન્જ આપવામાં આવી હતી. આ ચૅલેન્જમાં રોવરનાં વજન, સ્પીડ, સાઇઝ વગેરેને લઈને પણ કેટલાક ક્રાઇટેરિયા નક્કી કરાયા હતા અને એ મુજબ રોવરની ડિઝાઇન તૈયાર કરવાની હતી.’ 


ધ સ્કાયવૉકર્સ ટીમના સભ્યો : પ્રથમ મહેતા, આદ્યા શેટ્ટી, ઝિયા સંઘવી, નમન શાહ, રૂશન શાહ, પ્રિશા શાહ, દૂર્વા પોપટ, ઉચિત તુરખિયા, વેદ ખેમાણી, આર્યા નક્કા, અર્શ ગુરનાની, ધૈર્ય ચન્દ્રાના, ગુરુ જૈન, સ્મેરા બાલન, દિવિત ચૌહાણ, સેહેર ખાન, યશસ છત્રી.


મેકિંગની જર્નીમાં મજા
રોવરની ડિઝાઇન રેડી કરવાથી લઈને એને ઍક્ચ્યુઅલી રેડી કરવાની જર્ની કેવી હતી એ વિશે વાત કરતાં ટીમના સભ્ય ઉચિત તુરખિયા કહે છે, ‘આ કૉમ્પિટિશન માટેની તૈયારી અમે ઑગસ્ટથી જ શરૂ કરી દીધી હતી. અમારે પહેલાં રોવરની ડિઝાઇન રેડી કરીને મોકલવાની હતી, જે કૉમ્પિટિશન માટે ક્વૉલિફાઇ થતાં અમે ઍક્ચ્યુઅલ રોવર બનાવવાની શરૂઆત કરી હતી. એ માટે અમે દાદરમાં વર્કશૉપ રાખી હતી. સ્ટીલના રૉડ ખરીદ્યા, સાઇકલનાં ચેઇન-પેડલ તેમ જ ગોકાર્ટિંગવાળા પાસે જઈને તેની પાસેથી સીટ લઈને એ રીતે કેટલાક પાર્ટ અસેમ્બલ કર્યા હતા. રોવરની બૉડી તૈયાર કરવા માટે વેલ્ડિંગ, સ્ક્રૂ-ફિટિંગનું કામ શીખ્યું હતું. સ્કૂલ છૂટ્યા પછી અમે વર્કશૉપમાં જઈને રોવર બનાવવાનું કામ કરતા હતા. અમારા ટેક્નિકલ મેન્ટર અનુજ શાહ અને શાળાનાં પ્રિન્સિપાલ શુચિ શુક્લાએ અમને ખૂબ સપોર્ટ કર્યો. રોવર બનીને તૈયાર થતાં અઢી મહિનાનો સમય લાગ્યો હતો. અમારી આ જર્નીમાં અમારા પેરન્ટ્સે પણ અમારો ખૂબ સાથ આપ્યો. તેમણે અમને કૉમ્પિટિશનમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાની સાથે ૧૩૦ કિલોના રોવરને મુંબઈથી અમેરિકા શિફ્ટ કરવાથી લઈને બીજી ઘણી નાની-મોટી વસ્તુ અરેન્જ કરી આપવામાં મદદ કરી હતી.’

એક્સાઇટમેન્ટ, સૅટિસ્ફૅક્શન
રોવર કૉમ્પિટિશનમાં પાર્ટ લેવાનો એક્સ્પીરિયન્સ કેવો હતો અને અવૉર્ડ જીત્યા બાદની ફીલ વિશે નમન શાહ કહે છે, ‘આ પ્રોજેક્ટને કારણે અમને ઘણુંબધું શીખવા અને જાણવા મળ્યું છે. નવ મહિનાની સખત મહેનત બાદ ટીમને અવૉર્ડ મળતાં અમારી આખી ટીમ ખૂબ જ એક્સાઇટેડ છે. એક અલગ લેવલનું સૅટિસ્ફૅક્શન છે. કૉમ્પિટિશનમાં રોવર ચલાવીને દસ જેટલા અવરોધો પાર કરવાના હતા. એમાં તમારે જો કોઈ અવરોધ સ્કિપ કરવો હોય તો એની છૂટ હતી. અમે પહેલા અને બીજા બન્ને દિવસે ત્રણ ઑબ્સ્ટેકલ્સ પાર કર્યા હતા. અમારું રોવર સ્ટ્રૉન્ગ હતું. અમે જોયેલું કે ઘણી ટીમના રોવરના પાર્ટ્સ ઑબ્સ્ટેકલ્સ ક્રૉસ કરતી વખતે અલગ થઈ જતા હતા.’

આ પ્રોજેક્ટ માટે વિદ્યાર્થીઓએ કેટલી મહેનત કરી એ વિશે ટેક્નિકલ મેન્ટર અનુજ શાહ કહે છે, ‘વિદ્યાર્થીઓની સવારે આઠથી ત્રણ સ્કૂલ હોય. એ પછી ત્યાંથી અમે વર્કશૉપમાં રોવરનું કામ કરવા માટે જતા. એટલે વીક ડેઝમાં બે-ત્રણ કલાકથી વધુ સમય આપી નહોતા શકતા, પણ વીક-એન્ડ હોય ત્યારે આઠ-નવ કલાક કામ કરતા. પેપરમાં તમે ડિઝાઇન બનાવી હોય એને આપણે રિયલમાં બનાવવા બેસીએ ત્યારે ઘણીબધી ટેક્નિકલ સમસ્યા નડે. એટલે ફરીથી તમારે બધું વિચારીને એના પર કામ કરવું પડે. આ ચૅલેન્જનો મેઇન ગોલ જ એ છે કે વિદ્યાર્થીઓ પેપર પર રોવરની ડિઝાઇન બનાવ્યા બાદ એને બિલ્ડ કરે, એ બરાબર ચાલે છે કે નહીં એ ચેક કરે, તેઓ જુએ કે તેમણે જે રીતે રોવર બનાવવાનું વિચાર્યું હતું એ રીતે એ બનાવવામાં તેમને સફળતા મળી છે કે નહીં.’

Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 08:26 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK