અમેરિકામાં રહેતા ૫૭ વર્ષના જૉન માજેઈ નામના ભાઈએ ૪૩ વર્ષની ઉંમરે દોડવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેઓ દોડતી વખતે રનિંગ શૂઝ અને મોજાં પહેરતા હતા, પણ એમ કરવાથી ઘૂંટણમાં બહુ દુખાવો થવા લાગ્યો.
શૂઝ પહેરવાથી ઘૂંટણમાં પીડા થવા લાગી તો ઉઘાડા પગે ૬ મૅરથૉન દોડી નાખી
અમેરિકામાં રહેતા ૫૭ વર્ષના જૉન માજેઈ નામના ભાઈએ ૪૩ વર્ષની ઉંમરે દોડવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેઓ દોડતી વખતે રનિંગ શૂઝ અને મોજાં પહેરતા હતા, પણ એમ કરવાથી ઘૂંટણમાં બહુ દુખાવો થવા લાગ્યો. જાતજાતનાં સ્નીકર્સ અને સ્પોર્ટ્સ શૂઝ બદલી જોયાં પણ દુખાવામાં ખાસ ફરક ન પડ્યો એટલે તેમણે દોડવાનું જ છોડી દીધું. જોકે થોડા સમય પછી દુખાવો ઘટતાં તેમણે ફરી દોડવાનું શરૂ કર્યું. આ વખતે તેમણે શૂઝ વિના જ ખુલ્લા પગે રનિંગ શરૂ કરેલું. પહેલાં પોતાની ગલીમાં અને ગાર્ડનમાં એક-બે કિલોમીટરનું રનિંગ કરવાથી બહુ જ સારું લાગ્યું. બસ, પછી તો લૉન્ગ-ડિસ્ટન્સ રનિંગમાં પણ તેમણે શૂઝને પગ અડાડ્યો જ નહીં. એકસાથે ૧૦ કિલોમીટર દોડ્યા પછી તો તેમને ઝનૂન ચડ્યું ઉઘાડા પગે જ મૅરથૉન દોડવાનું. પગમાં છાલાં પડી જતા હોવા છતાં તેમણે આ મિશન રોક્યું નહીં. એ પછી તો ન્યુ યૉર્ક શહેરમાં ૪ મૅરથૉન દોડી નાખી. હવે બીજાં શહેરોમાં જઈને પણ તેમણે મૅરથૉન દોડવાનું શરૂ કર્યું છે. તેમણે અત્યાર સુધીમાં કુલ ૬ ફુલ મૅરથૉન દોડી નાખી છે અને હવે તેઓ ઉઘાડા પગે જ મૅરથૉન દોડવાની સફરમાં પાછું વળીને જોવા નથી માગતા.
