સતત ગરમ ફ્લોર પર મૃતદેહ રાખવામાં આવતાં એમાંથી તીવ્ર દુર્ગંધ આવવા માંડી હતી જે ધીમે-ધીમે વિમાનના ખૂણેખૂણામાં ફેલાઈ ગઈ હતી
પ્રતીકાત્મક તસવીર
હૉન્ગકૉન્ગથી લંડન જઈ રહેલી બ્રિટિશ ઍરવેઝની એક ફ્લાઇટમાં બનેલી કરુણાંતિકામાં વિમાની મુસાફરી દરમ્યાન ૬૦ વર્ષની એક મહિલાનું મૃત્યુ થયું હતું જેને પગલે વિમાનના અન્ય યાત્રીઓને સતત ૧૩ કલાક સુધી મૃતદેહ સાથે હવાઈ મુસાફરી કરવાની ફરજ પડી હતી. અધૂરામાં પૂરું, વિમાનના પાછળના ભાગના ગરમ ફ્લોર પર આ મહિલાનો મૃતદેહ રાખી દેવાને કારણે ફેલાયેલી દુર્ગંધથી યાત્રીઓ હેરાન-પરેશાન થઈ ગયા હતા.
બ્રિટિશ ઍરવેઝની ફ્લાઇટ BA-32એ હૉન્ગકૉન્ગથી ઉડાન ભર્યાના એક કલાકમાં જ એક મહિલાનું મોત થયું હતું. ઍરબસ A350-1000માં ક્રૂ-મેમ્બર્સ સહિત કુલ ૩૩૧ મુસાફરો સવાર હતા. જોકે પાઇલટે વિમાનને પાછું હૉન્ગકૉન્ગ લઈ જવા કે રસ્તામાં અન્ય ક્યાંય ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવાને બદલે વિમાનને છેક એના ગંતવ્યસ્થાન લંડનના હીથ્રો ઍરપોર્ટ સુધી વિમાનની સફર ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો, કારણ કે પ્લેનમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એને ઇમર્જન્સી નથી ગણવામાં આવતી.
ADVERTISEMENT
શરૂઆતમાં ક્રૂ-મેમ્બર્સે મહિલાના મૃતદેહને શૌચાલયમાં રાખવાનો વિચાર કર્યો હતો, પરંતુ અંતે એને વિમાનના પાછળના ભાગમાં જે પૅન્ટ્રી ભાગ હોય છે ત્યાં રાખી દીધો હતો.
જોકે એ ભાગનો ફ્લોર ગરમ હતો એ વાત તરફ ક્રૂ-મેમ્બર્સે ધ્યાન આપ્યું નહોતું. સતત ગરમ ફ્લોર પર મૃતદેહ રાખવામાં આવતાં એમાંથી તીવ્ર દુર્ગંધ આવવા માંડી હતી જે ધીમે-ધીમે વિમાનના ખૂણેખૂણામાં ફેલાઈ ગઈ હતી. આની અસર વિમાનની પાછળની સીટો પર બેઠેલા ઉતારુઓ માટે અસહ્ય બની હતી. સતત ૧૩ કલાક સુધી આવી પરિસ્થિતિ સહન કર્યા બાદ વિમાન જ્યારે લંડન પહોંચ્યું ત્યારે ઉતારુઓને તપાસના ભાગરૂપે વધુ ૪૫ મિનિટ સુધી પોતપોતાની સીટ પર જ બેસી રહેવાની સૂચના આપવામાં આવી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ઉતારુઓને વિમાનમાંથી બહાર જવાની મંજૂરી આપી હતી.
