ઍરપોર્ટ પરથી એક નધણિયાતું ટેડી બેઅર મળી આવ્યું હતું. આ કારણે ઍરપોર્ટના સ્ટાફે એને એના માલિક એટલે કે બાળક સુધી પહોંચાડવા માટે ઑનલાઇન ઝુંબેશ શરૂ કરી હતી
ટેડી બેઅર
અમેરિકાના વર્જિનિયામાં નૉર્ફોક ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ગયા અઠવાડિયે એક રોચક ઘટના ઘટી હતી. ઍરપોર્ટ પરથી એક નધણિયાતું ટેડી બેઅર મળી આવ્યું હતું. આ કારણે ઍરપોર્ટના સ્ટાફે એને એના માલિક એટલે કે બાળક સુધી પહોંચાડવા માટે ઑનલાઇન ઝુંબેશ શરૂ કરી હતી. એ ટેડી જે પણ બાળકનું હશે તેના માટે ખૂબ લાડકું હશે એટલે ટેડીનું બાળક સાથે ફરી મિલન કરાવવું જરૂરી છે એવા વિચાર સાથે ઍરપોર્ટ-ઑથોરિટીએ ૩૧ ડિસેમ્બરે ટેડીનો ફોટો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો અને ક્યુટ ટેડી સાથે કૅપ્શન લખી હતી : શું તમે મારા માલિકને શોધવામાં મદદ કરી શકો છો? હું ઍરપોર્ટના લૉસ ઍન્ડ ફાઉન્ડ કાઉન્ટર પાસે છું. આ પોસ્ટે તરત લોકોનું ધ્યાન ખેંચ્યું અને લોકોએ ઍરપોર્ટ-ઑથોરિટીનાં વખાણ પણ કર્યાં. જોતજોતામાં ૨૦૦૦થી વધુ લોકોએ આ પોસ્ટ શૅર પણ કરી દીધી. જોકે ટેડીનો સાચો માલિક મળ્યો કે નહીં એ વિશે હજી જાણકારી નથી મળી.


