સ્પેનેક્સ નામની અન્ડરગ્રાર્મેન્ટ્સની કંપનીની માલિક સારા બ્લૅક્લી નામનાં મહિલા અત્યારે વિશ્વનાં ‘બેસ્ટ બૉસ’ તરીકેની નામના મેળવી રહ્યાં છે
સારા બ્લૅક્લી
અમેરિકાની સ્પેનેક્સ નામની અન્ડરગ્રાર્મેન્ટ્સની કંપનીની માલિક સારા બ્લૅક્લી નામનાં મહિલા અત્યારે વિશ્વનાં ‘બેસ્ટ બૉસ’ તરીકેની નામના મેળવી રહ્યાં છે. એની પાછળનું કારણ છે તેમણે દિલ ખોલીને કર્મચારીઓ માટે લૂંટાવેલું બોનસ.
તાજેતરમાં સારાની કંપનીની માર્કેટ-વૅલ્યુ વધીને ૧.૨ બિલ્યન ડૉલર (આશરે ૯૦ અબજ રૂપિયા) થઈ છે. આ મોંઘેરા અવસરની ઉજવણી કરવા સારાએ કર્મચારીઓને ભવ્ય પાર્ટી આપી હતી, એટલું જ નહીં, દરેક કર્મચારીને તેમણે ૧૦,૦૦૦ ડૉલર (આશરે સાડાસાત લાખ રૂપિયા) અને આખા વિશ્વમાં ગમે ત્યાં જવા માટે બે ફર્સ્ટ ક્લાસ ફ્લાઇટની ટિકિટ ભેટ આપી છે. પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ વિશે સારાએ વિડિયોમાં કહ્યું છે કે કંપનીની સફળતાની ઉજવણી દરમ્યાન સંવેદનાથી ભરાઈને મેં આ નિર્ણય કર્યો છે. મારી આંખો આનંદનાં અશ્રુઓથી છલકાઈ ગઈ છે. અમે બધા સાથે મળીને કંપનીને અહીં સુધી લાવ્યાં છીએ માટે કર્મચારીઓને એનું શ્રેય આપવા આ પગલું લીધું છે, જેથી આ સફળતાને દરેક કર્મચારી ઊજવીને યાદગાર બનાવી શકે.
ADVERTISEMENT
સારાની કંપનીમાં અત્યારે ૫૦૦થી વધારે સ્ટાફ છે. સારાએ ૫૦૦૦ ડૉલરના રોકાણ સાથે આ કંપની શરૂ કરી હતી અને તેમનું સ્વપ્ન તો કંપનીને બે કરોડ ડૉલરની માર્કેટ વૅલ્યુ સુધી પહોંચાડવાનું હતું.

