ઇંગ્લૅન્ડના ચેસ્ટર ઝૂમાં ૨૩ વર્ષના જોડી ફોસ્ટર નામના અજગરના જડબામાં કૅન્સરની ગાંઠ થઈ હતી. સર્જરી બાદ ઇલેક્ટ્રોકીમોથેરપીથી સારવાર થતાં હવે અજગર સ્વસ્થ છે અને સામાન્ય રીતે ખોરાક લઈ રહ્યો છે.
અજગરને કૅન્સર થયું, માણસોની જેમ કીમોથેરપી આપીને જીવ બચાવ્યો
ઇંગ્લૅન્ડમાં એક અજગરને કૅન્સર થયું તો એને બચાવવા માટે પ્રાણીનિષ્ણાતોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. ચેસ્ટર ઝૂમાં રહેતા ૨૩ વર્ષના જોડી ફોસ્ટર નામના અજગરના જડબામાં કૅન્સરની ગાંઠ હતી. લગભગ ૧૫ ફુટ લાંબા અને પચાસ કિલો વજનના અજગરે જડબામાં ગાંઠ હોવાથી ખાવાનું બંધ કરી દીધું હતું. ખોરાકના અભાવે એનું હલનચલન પણ બહુ ઘટી ગયું હતું. ઝૂના પ્રાણીનિષ્ણાતોએ અજગરની તપાસ કરી તો ખબર પડી કે એના જડબામાં ફાઇબ્રોસાર્કોમા નામના કૅન્સરની ગાંઠ હતી. ડૉક્ટરોએ પહેલાં તો સર્જરી કરીને એ ગાંઠ દૂર કરી હતી. થોડોક સમય લાગ્યું કે અજગર હવે સાજો થઈ ગયો છે, પરંતુ થોડા જ મહિનામાં કૅન્સરે ઊથલો માર્યો અને આ વખતે કૅન્સર ફેલાઈ ગયું. ડૉક્ટરોએ ફરી સર્જરી તો કરી, પરંતુ આ વખતે માણસોમાં જેમ કીમોથેરપી અપાય છે એવી જ સારવાર પણ આપી. આ અજગરને ઇલેક્ટ્રોકીમોથેરપી થકી કૅન્સરમાં અપાતી બ્લોમાઇસી નામની દવા આપવામાં આવી. આ દવા કૅન્સરગ્રસ્ત ભાગમાં ઇલેક્ટ્રિક પલ્સ થકી આપવામાં આવે છે. ચેસ્ટર ઝૂના કહેવા મુજબ પહેલી વાર અજગર પર આવો કીમોથેરપીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સારવાર બાદ હવે અજગર હેલ્ધી છે અને સામાન્ય રીતે ખાવાનું ખાઈ શકે છે.
