હૈદરાબાદ કન્ઝ્યુમર ફોરમે ₹10ની કૅરી-બૅગના ચાર્જ સામે ₹4 કરોડનું વળતર માગતી ફરિયાદ ફગાવી ગ્રાહકને ₹10,000નો દંડ કર્યો. કોર્ટે ફરિયાદને કનડગત માટેની ગણાવી, જેમાં ₹5,000 રિટેલર અને ₹5,000 કન્ઝ્યુમર વેલફેર ફન્ડને મળશે. કેસ ચર્ચામાં છે
પ્રતીકાત્મક તસવીર
હૈદરાબાદની કન્ઝ્યુમર ફોરમમાં ૧૦ રૂપિયાની બૅગ માટે ગ્રાહકે કરેલી ફરિયાદના કેસનો કંઈક અનપેક્ષિત જ ચુકાદો આવ્યો હતો. આમ તો ગ્રાહકે ફરિયાદ કરી હતી કે તેને ૧૦ રૂપિયાની કૅરી-બૅગ ખરીદવાની ફરજ પાડવામાં આવી હતી જે કાયદાની વિરુદ્ધ છે. તેણે વેપારી સામે ૪ કરોડ રૂપિયાનું વળતર માગતો દાવો કર્યો હતો. જોકે કન્ઝ્યુમર કોર્ટે નોંધ્યું હતું કે આ ગ્રાહકને ટ્રેડર્સ અને સર્વિસ પ્રોવાઇડર્સ સામે ફરિયાદો કરવાની આદત પડી ગઈ છે અને આ જ પ્રકારની બીજી અનેક ફરિયાદો ઠોસ પુરાવાઓ વિના તેણે દાખલ કરી છે. ગ્રાહકે ફરિયાદ કરી હતી કે તેણે ૨૦૨૫ની ૧૦ માર્ચે ૧૬૦૯ રૂપિયાનાં કપડાં ખરીદ્યાં હતાં ત્યારે તેને અલગથી ૧૦ રૂપિયા કસ્ટમાઇઝ્ડ કૅરી-બૅગ પેટે ચૂકવવા પડ્યા હતા. તેણે આ ચાર્જ ખોટી રીતે વસૂલવામાં આવ્યો હોવાનું અને બિલમાં એની સ્પષ્ટતા ન કરી હોવાથી એ અનફેર વેપારી નીતિ હોવાનો દાવો કર્યો હતો અને રીટેલર પાસેથી ૪ કરોડ રૂપિયાનું વળતર માગ્યું હતું. જોકે રીટેલરે કોર્ટમાં સાબિત કર્યું હતું કે ગ્રાહકને પહેલાં જ ઑપ્શન આપવામાં આવ્યો હતો અને બૅગનો અલગ ચાર્જ થશે એમ કહીને જ પેપરબૅગ આપવામાં આવી હતી. કોર્ટે રીટેલરના પુરાવાઓને માન્ય રાખીને ગ્રાહકની ફરિયાદ ખોટી અને કનડગત કરવા માટેની જ હોવાનું ઠેરવ્યું હતું અને તેના ૪ કરોડ રૂપિયાના દાવાની સામે વળતો ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ દંડમાંથી ૫૦૦૦ રૂપિયા રીટેલરને મળશે જ્યારે ૫૦૦૦ રૂપિયા કન્ઝ્યુમર વેલફેર ફન્ડમાં જમા કરાવવામાં આવશે.
