થોડા મહિના પહેલાં માણસના મગજમાં ચિપ ફિટ કરી હતી અને હવે ફરીથી અન્ય એક વ્યક્તિના મગજમાં સફળતાપૂર્વક બ્રેઇન ચિપ ફિટ કરી દીધી છે.
ન્યુરાલિન્ક કંપનીએ બીજા માણસના મગજમાં ચિપ ફિટ કરી
અમેરિકાના બિઝનેસમૅન ઇલૉન મસ્કની કંપની ન્યુરાલિન્ક માનવમસ્તિષ્ક અને કમ્પ્યુટર વચ્ચે ડાયરેક્ટ કૉન્ટૅક્ટ સ્થાપિત કરવા મથી રહી છે. એ માટે થોડા મહિના પહેલાં માણસના મગજમાં ચિપ ફિટ કરી હતી અને હવે ફરીથી અન્ય એક વ્યક્તિના મગજમાં સફળતાપૂર્વક બ્રેઇન ચિપ ફિટ કરી દીધી છે. કંપનીનું કહેવું છે કે જો આ ટેક્નિક સફળ થશે તો માણસની અનેક ભયંકર બીમારીઓની સારવાર શક્ય બનશે. આ ચિપ માણસની સફળતાનો વ્યાપ પણ વધારશે. હજારો ટચૂકડા ઇલેક્ટ્રોડ લગાડેલી આ ચિપ નાનકડા બટન જેવી હોય છે. આ ચિપ માનવમગજમાં ફિટ કરવામાં આવ્યા પછી એ ઇલેક્ટ્રોડ્સ માણસના મગજમાં જઈને કોશિકાઓ એટલે કે સેલ્સના સિગ્નલ રેકૉર્ડ કરે છે અને એને કમ્પ્યુટર કે અન્ય ડિવાઇસ સુધી પહોંચાડે છે. આ ચિપ ગંભીર રીતે લકવાગ્રસ્ત લોકો માટે સૌથી વધુ ઉપયોગી હોવાનું ન્યુરાલિન્ક કહી રહી છે. આ ચિપની મદદથી લકવાગ્રસ્ત અને પથારીવશ વ્યક્તિ માત્ર વિચારો થકી કમ્પ્યૂટર, ફોન કે આર્ટિફિશ્યલ બૉડી પાર્ટ કન્ટ્રોલ કરી શકશે.